ઊંચો કૂદકો : મેદાની ખેલકૂદનો એક પ્રકાર. વિશ્વવ્યાપી રમતગમત જગતમાં વિવિધ પ્રકારની દોડ, કૂદ તથા ફેંકની પ્રવૃત્તિઓનો સમાવેશ કરતા માર્ગી અને મેદાની ખેલકૂદ (track and field athletics) વિભાગમાં ઊંચો કૂદકો પ્રાચીન કાળથી આગવું સ્થાન ધરાવે છે. ઊંચા કૂદકાની રમતમાં અનુકૂળ અંતરેથી દોડતા આવી એક પગે ઠેક લઈ શરીરને ઊર્ધ્વ દિશામાં ઊંચકી આડા વાંસને ઓળંગી, રેતી ભરેલા યા ફોમ રબર ભરેલા ખાડામાં ખેલાડી ઉતરાણ કરે છે.

મેદાન : ઊંચા કૂદકાના મેદાનમાં ઉતરાણ માટે ખાડો 5 મી. લાંબો, 4 મી. પહોળો તથા 60 સેમી. ઊંચો રાખવામાં આવે છે અને તેમાં રેતી યા ફોમ રબર ભરી દેવામાં આવે છે. ઊંચા કૂદકાની ઘોડીથી 15 મી.ની ત્રિજ્યાવાળો ચાપ દોરી તે સમગ્ર પ્રદેશને આગમ દોડ માટે સમતલ બનાવવામાં આવે છે. ઑલિમ્પિક તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 20 મી. રખાય છે.

ઊંચી કૂદ : મેદાન, સાધનો, ખેલાડી અને પંચો

સાધનો : ઊંચા કૂદકા માટેની ઘોડીઓ લાકડાની, ધાતુની યા સખત પદાર્થની બનાવેલી હોય છે. તેની લંબાઈ સ્પર્ધા દરમિયાન આડા વાંસની વધુમાં વધુ ઊંચાઈ કરતાં 10 સેમી. વધારે હોવી જોઈએ. આડો વાંસ ટેકવવા માટે 6 સેમી. x 4 સેમી. માપના ટેકા હોય છે જે ઘોડી ઉપર સહેલાઈથી ઉપરનીચે સરકાવી શકાય તથા ઘોડી સાથે સજ્જડ ચોંટાડી શકાય તેવા હોય છે. બંને ઘોડી વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 3.66 મી. અને વધુમાં વધુ 4.02 મી. રહે તથા ઘોડીના ટેકા સામસામે રહે તેમ ઘોડીઓ ગોઠવવામાં આવે છે. ઓળંગી જવા માટેનો વાંસ લાકડામાંથી અથવા ધાતુમાંથી બનાવેલો ગોળાકાર અથવા ત્રિકોણાકાર હોય છે. તેની લંબાઈ ઓછામાં ઓછી 3.64 મી. અને વધુમાં વધુ 4.00 મી. હોય છે. વાંસનું વજન 2 કિગ્રા.થી વધારે ન હોવું જોઈએ.

આડો વાંસ અને ટેકો

નિયમો : ખેલાડીઓનો કૂદવાનો ક્રમ નક્કી થયા પછી ખેલાડી ગમે તે ઊંચાઈએ કૂદવાનું શરૂ કરી શકે. તે ગમે તે ઊંચાઈ પર પોતાની કૂદવાની મર્યાદા દર્શાવી શકે. દરેક હરીફને દરેક ઊંચાઈ પર ત્રણ તક મળી શકે. પોતાની વારીમાં કૂદવા જતાં ખેલાડીથી વાંસ પડી જાય અથવા આડા વાંસની નીચેના સમતલને પસાર કરી ખાડા તરફના મેદાનને સ્પર્શે અથવા બે પગે ઠેક લઈ કૂદે ત્યારે તે નિષ્ફળ તક ગણાય. કૂદનાર વધુ ઊંચાઈએ સફળ થતાં વિજેતા ગણાય.

ઊંચો કૂદકો એક ર્દશ્ય

કૌશલ્યો : ઊંચા કૂદકાનાં કૌશલ્યોને 1. આગમ-દોડ, 2. ઠેક, 3. વાંસ-ઓળંગ અને 4. ઉતરાણ – એમ ચાર ઘટકોમાં વહેંચવામાં આવે છે. આ પૈકી વાંસ-ઓળંગ ઘટકમાં 1. કાતર, 2. પૂર્વીય કાપ, 3. પશ્ચિમી ગબડ, 4. પલાણ તથા 5. ફોસબરી ફ્લોપ એ પાંચ પદ્ધતિઓ પ્રચલિત છે. ઓગણીસમી સદીમાં મોટાભાગના બધા જ ખેલાડીઓ ‘કાતર’ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. 1876માં ઊંચા કૂદકાનો વિશ્વવિક્રમ 5′- 5” હતો. 1892માં અમેરિકાના મિચેલ ઑવ્ સ્વિનીએ પૂર્વીય કાપ-પદ્ધતિનો ઉપયોગ કરી 6’–4½”નો વિક્રમ સ્થાપ્યો. 1912માં સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના જૉન હૉરિને પશ્ચિમી ગબડ પદ્ધતિથી 6’–7½” કૂદી વિક્રમ સ્થાપ્યો. 1957માં રશિયાના યુરિ સ્તેપનૉવે પલાણ-પદ્ધતિથી 2.16 મી.નો વિક્રમ સ્થાપ્યો. 1978માં અમેરિકાના ડીક ફોસબરીએ નવી જ પદ્ધતિનો ઉપયોગ કરી મેક્સિકો ઑલિમ્પિકમાં 2.34 મી. કૂદી વિક્રમ સ્થાપ્યો. આ પદ્ધતિ તેના નામ ઉપરથી ‘ફોસબરી ફ્લોપ’ તરીકે ઓળખાય છે. હાલમાં આ પદ્ધતિ ખૂબ પ્રચલિત છે. ઊંચા કૂદકામાં વિવિધ કક્ષાએ પ્રસ્થાપિત આંક નીચે પ્રમાણે છે :

કક્ષા

ભાઈઓ

બહેનો

વિશ્વ

2.45 મીટર

2.08 મીટર

જેવિયર સોટોમેયર

કોસ્ટાડિનોવા

(ક્યૂબા) 1993

(બલ્ગેરિયા) 1987

ઑલિમ્પિક

2.39 મીટર

2.06 મીટર

ચાર્લ્સ ઓસ્ટિન

યેલેના સ્લેસેરેન્કો

(અમેરિકા) 1996

(રશિયા) 2004

એશિયન

2.35 મીટર

1.94 મીટર (સંયુક્ત રેકોર્ડ)

મુતાઝ ઈસા

મિખી ઈમાઈ (જાપાન) 1998

(કતારી) 2011

તાત્યાના ઈફિમેન્કો (કિર્ગિસ્તાન) 2007

ભારત

2.29 મીટર

1.92 મીટર

તેજસ્વીન શંકર

સુહાના કુમારી

(દિલ્હી) 2018

(કર્ણાટક) 2012

ચિનુભાઈ શાહ