ઊંચાઈમાપક (altimeter) : સમુદ્રની સપાટી કે ભૂમિતલને સંદર્ભ-સપાટી ગણીને, કોઈ સ્થળની ઊંચાઈ માપવા માટેનું સાધન. આ માપ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને તેને અનુસરીને થતા વાતાવરણના દબાણના ફેરફાર ઉપર આધારિત હોય છે. ઊંચાઈમાપક ઊંચાઈ માપવાના એકમ ફૂટ કે મીટરમાં અંકિત કરેલું હોય છે, જ્યારે નિર્દ્રવ વાયુદાબમાપક (aneroid barometer) દબાણ માપવાના એકમ મિલિબારમાં અંકિત કરેલું હોય છે. આ સાધનનો ઉપયોગ પર્વતારોહકો, સમુદ્રની સપાટીથી તેમની ઊંચાઈ નક્કી કરવા માટે કરે છે. આરોહણના પ્રારંભે આ સાધનને તે સ્થળના હવાના દબાણને અનુરૂપ ગોઠવવામાં આવે છે. જો આરોહણ દરમિયાન દબાણનું વિતરણ (pressure distribution) અચલ રહેતું હોય તો જ આ સાધન વિશ્વસનીય નીવડી ઊંચાઈનું સાચું માપ આપે છે.

ઊંચાઈમાપક એ વિમાનની યંત્રસામગ્રીનું એક મહત્વનું અંગ છે. અત્યંત આધુનિક યંત્રોથી સજ્જ એવા (sophisticated) રેડિયો-ઊંચાઈમાપકમાં રેડિયો-ઊર્જાના સ્પંદના કિરણપુંજને નીચે ભૂમિ તરફ મોકલી તેના પ્રતિધ્વનિ(echo)ને વિમાનમાં ઝીલી, તેના ઉપરથી વિમાનચાલક પોતાની ઊંચાઈ નક્કી કરી શકે છે. કેટલીક વાર, રેડિયો-ઊંચાઈમાપકમાંથી મળતા સંકેતોને સ્વયંસંચાલિત ઉતરાણ માટે ઉપયોગમાં લેવાતી નિયંત્રણપદ્ધતિ સાથે, સંલગ્ન કરવામાં આવે છે.

એરચ મા. બલસારા