સક્સેના, રાજન (ડૉ.) (જ. 1 માર્ચ 1959) : વિખ્યાત ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ.

તેઓએ 1980માં રાજકીય મેડિકલ કૉલેજ, પટિયાલાથી એમ.બી.બી.એસ. અને 1984માં પી. જી. આઈ. ચંડીગઢથી એમ.એસ.ની પદવી મેળવી. ત્યારબાદ 1988માં તેઓ સંજય ગાંધી સ્નાતકોત્તર આયુર્વિજ્ઞાન સંસ્થાન (એસ.જી.પી.જી.આઈ.એમ.એસ.) લખનઉ ગયા અને સર્જિકલ ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજી વિભાગની સ્થાપના કરી. તેઓએ 1993 અને 1998 દરમિયાન એડનબ્રૂક્સ હૉસ્પિટલ, કેમ્બ્રિજ તથા જર્મનીમાં લીવર, ઇન્ટેસ્ટિનલ, કિડની તથા પૅનક્રિયાટિક ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રશિક્ષણ લીધું. તેઓએ સંજય ગાંધી સ્નાતકોત્તર આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં અત્યધિક સસ્તી અને વિશિષ્ટ ‘લિવિંગ રિલેટેડ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ ઇન ઇન્ડિયા’ની સફળતાપૂર્વક સ્થાપના કરી.

(ડૉ.) રાજન સક્સેના

તેઓ ભારતમાં સર્જિકલ ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજીમાં એમ.સીએચ. માટે ભારતીય ચિકિત્સા પરિષદ પાઠ્યક્રમ સમિતિના અધ્યક્ષ છે. તેમણે 90થી વધુ સંશોધનપત્રો તથા આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરનાં પુસ્તકોમાં અનેક લેખો લખ્યા છે. તેઓ ખૂબ નાની વયમાં સર્જિકલ ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજીના પ્રોફેસર નિયુક્ત થયા અને અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયોમાં વિઝિટિંગ પ્રોફેસર છે. તેઓએ હેપેટોબિલિયરી– પૅનક્રિયાટિક, લૅપ્રોસ્કોપિક અને વાસ્ક્યુલર સર્જરીમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે.

તેઓને અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર તથા ફેલોશિપ પ્રાપ્ત થયાં છે જેમાં કૉમનવેલ્થ ફેલોશિપ અને જાપાન સર્જિકલ સોસાયટીનો યંગ ઇન્વેસ્ટિગેટર્સ ઍવૉર્ડ સામેલ છે. 2004માં પદ્મશ્રીથી સન્માનિત થયા છે.

પૂરવી ઝવેરી