વિશ્વેશ્વરૈયા પ્રકાશ
September, 2025
વિશ્વેશ્વરૈયા પ્રકાશ (જ. 23 નવેમ્બર 1951, કર્ણાટક, ભારત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક. તેઓએ જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેઓએ 1976માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1976–80 દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકામાં રહ્યા અને પોસ્ટ ડૉક્ટરલ ફેલોશિપ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ 1981માં ભારત પાછા ફર્યા અને સી.એફ.ટી.આર.આઈ.માં વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદના સંસાધન અધિકારી(પુલ અધિકારી)ના રૂપમાં કાર્ય શરૂ કર્યું. જ્યાં તેઓ પ્રગતિ કરતા ગયા અને 1944માં સી.એફ.ટી.આર.આઈ., મૈસૂરના નિર્દેશકના પદ પર નિમણૂક મેળવી. ત્યારથી તેઓ આ સંસ્થાને સતત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ઉચ્ચતર સ્તરો પર લઈ ગયા છે. આજે તેમના અથાગ પ્રયત્નોથી સી.એફ.ટી.આર.આઈ. ખાદ્ય વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી અનુસંધાન તમેજ વિકાસ સંસ્થા બની ગઈ છે અને આ સંસ્થાએ એક એવી ઓળખ ઊભી કરી છે કે જે ગ્રામીણ લોકો માટે આજીવિકા ઉપાર્જન અને તેમને ઉદ્યમી બનવાની ભાવના પેદા કરવામાં સહાયક બની શકે છે. તેઓ દેશમાં અનુસંધાન તેમજ વિકાસ, નીતિવિકાસ, સરકાર તેમજ તેના કાર્યક્રમોમાં પરામર્શ તથા કાર્યક્રમોના કાર્યાન્વયનથી સંબંધિત અનેક મિશનોનું વિભિન્ન સ્તરો પર નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પોષાહાર સંબંધી પ્રૌદ્યોગિકીઓથી સંબંધિત આઈ.યૂ.એન.એસ. ટાસ્ક ફોર્સના પણ અધ્યક્ષ છે. તેમના 140થી વધુ લેખ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને તેઓએ સંમેલનોમાં 350થી વધુ લેખ પ્રસ્તુત કર્યા છે. તેમણે 6 પુસ્તકો પણ લખ્યાં છે. તેમને 33 પેટન્ટ્સ ધરાવવાનું શ્રેય પ્રાપ્ત છે, જેમાં અમેરિકા અને યુરોપમાં કરેલાં પેટન્ટ્સ પણ સામેલ છે. તેઓ ધ રૉયલ સોસાયટી ઑવ્ કેમિસ્ટ્રી (F.R.S.C.), યુનાઇટેડ કિન્ગડમ અને ભારતમાં અનેક અકાદમીઓના ફેલો છે.

પ્રકાશ વિશ્વેશ્વરૈયા
તેઓને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમજ સમાજ માટે કરેલા યોગદાન માટે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં સ્વર્ણજયંતી પુરસ્કાર, વર્ષ 1999નો સી.એફ.ટી.આર.આઈ. સર્વોત્તમ એલુમનસ પુરસ્કાર, 38મો બી. સી. ગુહા સ્મારક લૅક્ચર પુરસ્કાર, કશાલકર સ્મારક પુરસ્કાર 2003, કર્ણાટક સરકારનો કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર (1996) અને જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રતિષ્ઠિત ફિક્કી – 2001 પુરસ્કાર સામેલ છે. તેમને જૈવિક અધ્યયન માટે જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, પદ્મશ્રી (2004) અને ભારતના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
પૂરવી ઝવેરી