વિશ્વેશ્વર : સંસ્કૃત ભાષાના અલંકારશાસ્ત્રી અને કવિ. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના અલમોડા જિલ્લાના પટિયા ગામમાં થયેલો. આ હિમાચળ પર્વતનો પ્રદેશ હોવાથી તેમને ‘પાર્વતીય’ એવા ઉપનામે ઓળખવામાં આવ્યા છે. તેમનું કુળનામ કે અટક ‘પાંડેય’ હોવાનો નિર્દેશ તેમણે કર્યો છે. વિશ્વેશ્વરના પિતાનું નામ લક્ષ્મીધર અને મોટા ભાઈનું નામ ઉમાપતિ હતું. સોળમી સદીમાં થયેલા અપ્પય્ય દીક્ષિત અને સત્તરમી સદીમાં થઈ ગયેલા જગન્નાથ પંડિતરાજના ગ્રંથોમાંથી વિશ્વેશ્વરે પોતાના ‘અલંકારકૌસ્તુભ’માં અનેક ઉદ્ધરણો આપ્યાં છે તેથી તેઓ અઢારમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એવું અનુમાની શકાય. વિશ્વેશ્વર ફક્ત 34 વર્ષ સુધી જીવી મૃત્યુ પામ્યા હોવા છતાં ‘અલંકારકૌસ્તુભ’ નામનો અલંકારશાસ્ત્રનો અત્યંત પ્રૌઢ ગ્રંથ તેમણે લખ્યો છે. તેના પર તેમણે પોતે જ સંસ્કૃતમાં સ્વોપજ્ઞ ટીકા લખી છે; પરંતુ તે અપૂર્ણ છે. ‘અલંકારકૌસ્તુભ’માં પોતે રચેલા સંસ્કૃત અને પ્રાકૃત શ્લોકો અનેક વાર ઉદાહરણ તરીકે આપ્યા છે. પ્રસ્તુત ગ્રંથમાં મમ્મટે ગણાવેલા 61 અલંકારોમાં જ મમ્મટના અનુકાલીન આચાર્યોએ ગણાવેલા વધારાના અલંકારોને અંતર્ભાવિત કરવાનો પુરુષાર્થ વિશ્વેશ્વરે કર્યો છે. આ ગ્રંથ નવ્યન્યાયની શૈલીમાં રચ્યો છે, જે અલંકારશાસ્ત્રની જેમ તેમના ન્યાયશાસ્ત્રના પાંડિત્યનો પણ ખ્યાલ આપે છે. તેમનું વ્યાકરણશાસ્ત્રનું નૈપુણ્ય તેમણે રચેલા ‘વ્યાકરણસિદ્ધાન્તસુધાનિધિ’ નામના ગ્રંથમાં દેખાય છે. તેમની અલંકારશાસ્ત્રવિષયક રચનાઓમાં 119 અલંકારોની ચર્ચા કરતો ‘અલંકારપ્રદીપ’, ચિત્રકાવ્યના 58 પ્રકારોને ચર્ચતો ‘કવીન્દ્ર-કંઠાભરણ’, અલંકારોની સરળ અને પ્રારંભિક ચર્ચા કરતો ‘અલંકારમુક્તાવલી’ અને રસ વિશે ચર્ચા કરતો ‘રસચંદ્રિકા’ નામનો ગ્રંથ વગેરે તેમનું અલંકારશાસ્ત્રનું જ્ઞાન સૂચવે છે. પોતે ભાનુદત્તની ‘રસમંજરી’ પર ‘સમંજસાર્થા’ અથવા ‘વ્યંગ્યાર્થકૌમુદી’ નામની ટીકા સંસ્કૃતમાં લખી છે. ‘કાવ્યતિલક’ અને ‘કાવ્યરત્ન’ એ બંને તેમના કાવ્યવિષયક ગ્રંથો છે. વળી તર્કશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર વિશે અનુક્રમે ‘તર્કકુતૂહલ’ અને ‘દીધિતિપ્રવેશ’ નામના ગ્રંથોની રચના તેમણે કરી છે. તેમના મોટાભાગના ગ્રંથો મુંબઈ અને કાશીથી પ્રગટ થયેલા છે. કવિ તરીકે તેમણે ‘રુક્મિણીપરિણયનાટક’ અને ‘શૃંગારમંજરીસટ્ટક’ વગેરેની રચનાઓ કરી છે. પંડિતરાજ જગન્નાથનું ખંડન પણ વિશ્વેશ્વરે ‘અલંકારકૌસ્તુભ’ નામના ગ્રંથમાં કર્યું છે, જે તેમના પાંડિત્યની પરાકાષ્ઠા ગણી શકાય.

પ્ર. ઉ. શાસ્ત્રી