મામંણમના વિજયન્ (જ. 16 ઑક્ટોબર 1941, ચેરપુ, કોચીન, ભારત; અ. 24 એપ્રિલ 2022, બૅંગાલુરુ, ભારત) : સુપ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાની. તેમણે પીએચ.ડી.ની પદવી ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બૅંગાલુરુથી 1967માં પ્રાપ્ત કરી. તેમણે 1968–71 દરમિયાન ઑક્સફર્ડસ્થિત પ્રો. ડોરોથી હૉગકિન્સના રિસર્ચ ગ્રૂપમાં પોસ્ટ-ડૉક્ટરલ કાર્ય કર્યું. અહીં તેઓએ ઇન્સ્યુલિનની સંરચના પર કાર્ય કર્યું. જેનાથી તેમનો ઝુકાવ જીવવિજ્ઞાનની સમસ્યાઓ તરફ ઢળ્યો. વર્ષ 1971માં ભારત પાછા ફર્યા પછી તેઓએ ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં કાર્ય કર્યું. તે દરમિયાન તેઓ વર્ષ 1976–77માં એક વર્ષ માટે સિનિયર વિઝિટિંગ ફેલોના રૂપમાં ઑક્સફર્ડ પણ ગયા. તેઓએ 1971માં જે કાર્ય શરૂ કર્યું હતું તે વિશેષ કરીને રાસાયણિક વિકાસ તથા જીવનની ઉત્પત્તિના સંદર્ભમાં પ્રાથમિક રૂપે પરમાણુ વિયોજન તથા આણ્વિક અન્યોન્યક્રિયા પર પ્રકાશ નાખવા સંબંધિત હતું. એંશીના દાયકાની શરૂઆતથી જ તેમનો મુખ્ય લગાવ ભારતમાં બાયૉલૉજિકલ મૅક્રો મોલેક્યુલર ક્રિસ્ટલોગ્રાફીનો વિકાસ કરવા તરફ રહ્યો હતો. અત્યારે દેશમાં આ ક્ષેત્રમાં 12થી વધુ સંશોધનજૂથો કાર્યરત છે. તેમના નેતૃત્ત્વમાં બૅંગાલુરુ જૂથ મૅક્રો મોલેક્યુલર ક્રિસ્ટલોગ્રાફીના ક્ષેત્રમાં અગ્રતમ અનુસંધાન માટે એક પ્રમુખ આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત કેન્દ્રના રૂપમાં વિકસિત થઈ ચૂક્યું છે. આ ક્ષેત્રમાં તેઓનું મુખ્ય યોગદાન લૅકિટન, હાઇડ્રેશન, મોબિલિટી તથા ઍક્શન ઑવ્ પ્રોટીન્સ તથા સ્ટ્રક્ચરલ જિનોમિક્સ ઑવ્ માઇક્રોબિયલ પૅથોજન્સમાં રહ્યું છે. તેમણે ભારતીય વિજ્ઞાનમાં અગ્રણી ભૂમિકા નિભાવી હતી અને તેમના યોગદાનને ભારત તથા વિદેશોમાં પ્રશંસા મળી છે. તેઓ દેશમાં ત્રણેય વિજ્ઞાન અકાદમીઓ તથા થર્ડ વર્લ્ડ અકાદમી ઑવ્ સાયન્સીસના ફેલો હતા.

મામંણમના વિજયન્
પ્રો. વિજયન્ ઇન્ટરનેશનલ યુનિયન્સ ઑવ્ ક્રિસ્ટલોગ્રાફી, પ્યોર ઍન્ડ ઍપ્લાઇડ બાયૉફિઝિક્સ ઍન્ડ બાયૉકેમિસ્ટ્રી ઍન્ડ મોલેક્યુલર બાયૉલૉજીની કૉંગ્રેસોમાં આમંત્રિત વક્તા તેમજ સંગોષ્ઠિઓના સંયોજક હતા. તેઓ અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં મહત્ત્વપૂર્ણ પદો પર હતા. તેમને ભારત સરકારે 2004માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
પૂરવી ઝવેરી