બાલાસુબ્રમણ્યમ્, એસ. પી.

September, 2025

બાલાસુબ્રમણ્યમ્, એસ. પી. (જ. 4 જૂન 1946 નેલ્લોર, આંધ્રપ્રદેશ અ. 25 સપ્ટેમ્બર 2020 ચેન્નાઈ) : વિખ્યાત ગાયક, સંગીતકાર, અભિનેતા અને ફિલ્મનિર્માતા.

એસ. પી. બી. કે પછી બાલુ જેવા લાડનામે ઓળખાતા ભારતીય પ્લેબેક સિંગરનું મૂળ નામ શ્રીપતિ પંડિત આરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ્. તેઓ આંધ્રપ્રદેશના ‘વીરાશિવા લિંગાયત’ પરિવારમાં જન્મ્યા હતા. માતા સકુંથલામ્મા અને પિતા એસ. પી. સાંબામૂર્થિ. પિતા હરિકથા કલાકાર અને નાટ્યકલાકર હતા. બાલાને બે ભાઈઓ અને પાંચ બહેનો – જેમાંની સૈલજા ગાયિકા છે. તેમનાં પત્નીનું નામ સાવિત્રી અને દીકરી પલ્લવી. બાલાનો પુત્ર એસ. પી. ચરણ – જે દક્ષિણ ભારતીય ગાયક, અભિનેતા અને ફિલ્મનિર્માતા છે. બાળવયથી બાલાએ સંગીતમાં રસ લીધો, એમાં ઊંડા ઊતર્યા, સાંગીતિક નોટ્સનો જાતે જ અભ્યાસ કરી સ્વશિસ્તથી પોતાની મેળે સંગીત શીખ્યા.  આ સ્વયં સજ્જ કલાકારે પિતાની મહત્ત્વાકાંક્ષાને ધ્યાને લઈ એન્જિનિયરિંગનો અભ્યાસ તો કર્યો જ, પરંતુ સાથે સાથે સંગીત-આરાધના કરતા રહ્યા. અનેક સંગીત-સ્પર્ધાઓમાં પારિતોષિકો પ્રાપ્ત કર્યાં. હળવા સંગીતની બેઠકોમાં ઇલિયારાજા જેવા સંગીતકારોની સંગતને કારણે તેઓ વધુ સજ્જ બન્યા. તેમણે શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી ન હતી, પરંતુ એસ. સી. કોડાન્દાપાની પાસે સંગીતશાસ્ત્રના અગત્યના પાઠ શીખ્યા અને એ ગુરુનું શિષ્યપદ દીપાવ્યું. તેલુગુ, તમિળ, કન્નડ, મલયાળમ, સંસ્કૃત, હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી સહિત લગભગ સોળેક ભાષાઓમાં બાલાસુબ્રમણ્યમે 50,000થી વધુ ગીતો ગાયાં. આમાં ફિલ્મી ગીતો અને ગૈર ફિલ્મી ગીતોનો સમાવેશ થાય છે.

એસ. પી. બાલાસુબ્રમણ્યમ્

સંગીતનું સહજ જ્ઞાન બાલાને પ્લેબેક સિંગર થયા ત્યાં સુધી તો ફળ્યું જ; પણ અભિનેતા, સંગીતનિયોજક, ડબિંગ કલાકાર, ફિલ્મ અને ટી.વી. કાર્યક્રમોના નિર્માણ સુધી પણ ખેંચી ગયું. આ ક્ષેત્રે પણ એમના આદર્શ ગુરુ એસ. પી. કોડાન્દાપાણીનો બહુ મોટો ફાળો રહ્યો. તેમની ફિલ્મી ગાયનની કારકિર્દીમાં પી. સુશીલા, એસ. જાનકી, શિવાજી ગણેશન, વાણી જયરામ, આનંદ-મિલિન્દ અને ઉપેન્દ્ર કુમાર જેવા વિવિધ ક્ષેત્રોના મહારથીઓનો પણ સહકાર સાંપડ્યો. આરંભે તળગામડાંઓમાં, ગામોમાં અને નાનાં શહેરોમાં ઇલિયારાજા સાથે ઘૂમી વળ્યા અને અજાણ્યા સંગીતકારોની દાદ પામ્યા. એમનો સાથ પણ મળ્યો. તેલુગુમાં ‘મર્યાદારામન્ના’, તમિળમાં ‘અથાનોડુ ઇપ્પડી’ અને કન્નડમાં ‘નક્કારે અદે સ્વર્ગા’ જેવાં ગીતોએ એમને આગવી ઓળખ અપાવી. દરમિયાન વિશ્વવિખ્યાત તેલુગુ ફિલ્મ ‘શંકરાભરણમ્’ એક ઉત્તમ ફિલ્મ તરીકે ખૂબ ચર્ચાઈ અને રસિકોએ તેને ખૂબ વખાણી. બાલાસુબ્રમણ્યમને કંઠે નીતરતાં ગીતો લોકજીભે ચડ્યાં. પોતે શાસ્ત્રીય સંગીતના ગાયક ન હતા તેથી પોતાનાં ગીતોને એમણે ‘ફિલ્મ મ્યુઝિક’ તરીકે રસળતાં કર્યાં.

બાલા એકમાત્ર એવા કલાકાર હતા કે જેમણે 54 વર્ષો સુધી સાતત્યપૂર્ણ ગાયું. દરરોજ ઓછામાં ઓછાં બે ગીતોનાં રેકૉર્ડિંગ તો કરતા જ પણ ‘રોમૅન્ટિક સિંગિંગ વૉઇસ’ ધરાવતા મીઠા અને ઘેઘૂર સ્વરના માલિક આલા દરજ્જાના લોકપ્રિય ગાયક હતા. ‘મિલે સૂર મેરા તુમ્હારા’ અને ‘ભારતભૂમિ’ જેવા દેશદાઝને પેશ કરતાં સમૂહગીતોમાં એમણે જીવ રેડ્યો. ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ સફળતા મેળવનાર આ આદરણીય કલાકારે એક દિવસમાં અઠ્યાવીસ ગીતોની રેકૉર્ડ બનાવીને એ ક્ષેત્રે રેકૉર્ડ સ્થાપ્યો છે – જેને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડે માન્યતા આપી.

બાલાસુબ્રમણ્યમ એસ. પી.ને દક્ષિણનાં રાજ્યો તરફથી ‘નૅશનલ ઍવૉર્ડ’, ‘હરિવર્ષનમ્ ઍવૉર્ડ’, ‘ઇન્ડિયન પર્સનાલિટી ઑફ ધ યર’ ઉપરાંત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આધારિત અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં. આંધ્રપ્રદેશ રાજ્ય ‘નંદી ઍવૉર્ડ’ સહિત ચાર ‘ફિલ્મફેર ઍવૉર્ડ્ઝ’ તેમના ખાતે નોંધાયા છે. પ્રથમ ‘નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ ફોર ધ બેસ્ટ મેલ પ્લેબેક સિંગર’ પ્રસ્તુત કલાકારને ફાળે ગયો. કેન્દ્ર સરકારે બાલાને પદ્મશ્રી અને પદ્મભૂષણ ખિતાબથી નવાજ્યા હતા. તેમને મરણોત્તર પદ્મવિભૂષણ ઍવૉર્ડ અપાયો. સમસ્ત દેશે એક વિરલ પ્રતિભાને યથોચિત અંજલિ અર્પી.

સુધા ભટ્ટ