ખડગે, મલ્લિકાર્જુન

September, 2025

ખડગે, મલ્લિકાર્જુન (. 21 જુલાઈ, 1942, વરાવટ્ટી, બિદર, કર્ણાટક) :  ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કૉંગ્રેસના 98મા પ્રમુખ, રાજ્યસભામાં વિપક્ષના નેતા. 1972થી 2008 સુધી કર્ણાટક વિધાનસભામાં સતત આઠ વાર વિજય મેળવવાથી ‘સોલિલદા સરદારા’ એટલે કે ‘અજેય નેતા’ તરીકે પ્રસિદ્ધ થયા.

મલ્લિકાર્જુન ખડગે

દલિત પરિવારમાં જન્મ. માતા સૈબાવ્વા અને પિતા મપન્ના ખડગે. 1948માં ફક્ત છ વર્ષની વયે હૈદરાબાદના નિઝામના કટ્ટરવાદી રઝાકારોના આતંકમાં માતા અને બહેન ગુમાવ્યાં. મલ્લિકાર્જુનનો પણ જીવ આબાદ બચ્યો. ગામ છોડવાની ફરજ પડી અને ગુલબર્ગમાં સ્થાયી થયા. શહેરની નૂતન વિદ્યાલયમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યું. ગુલબર્ગમાં જ સરકારી કૉલેજમાં કળા શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી. આ જ શહેરમાં શેઠ શંકરલાલ લાહોટી લૉ કૉલેજમાં કાયદા શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી. જસ્ટિસ શિવરાજ પાટિલની ઑફિસમાં વકીલ તરીકે પ્રૅક્ટિસ શરૂ કરી અને શરૂઆતમાં શ્રમ સંગઠનોના કેસો લડ્યા.

રાજકીય કારકિર્દીનો પ્રારંભ પ્રાદેશિક રાજકારણમાં ઝંપલાવીને કર્યો. 1960ના દાયકામાં કૉંગ્રેસમાં સામેલ થયા અને કલબુર્ગીમાં વિદ્યાર્થીનેતા તરીકે રાજકીય સફર શરૂ કરી. 1969માં ગુલબર્ગ શહેર કૉંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક થઈ. 1972થી 2009 સુધી ગુર્મિત્કાલ વિધાનસભા બેઠક અને ચિત્તપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પ્રાદેશિક રાજકારણમાં એસ. એમ. ક્રિષ્ના, વીરપ્પા મોઇલા, સરેકોપ્પા બંગરપ્પા અને આર. ગુંડા રાવના મંત્રીમંડળમાં ગૃહ, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પંચાયતીરાજ, સહકારી, ઉદ્યોગ, જળસંસાધન, સિંચાઈ, પરિવહન અને મહેસૂલ સહિત વિવિધ મંત્રાલયોની જવાબદારી સંભાળી.

વર્ષ 2006માં કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા તેમજ રાજ્યમાં બે વાર કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ થયા – પ્રથમ 1994માં અને બીજી વાર, 2008માં. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી લડવા વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને ગુલબર્ગ બેઠક પરથી પહેલી વાર સાંસદ બન્યા. આ તેમનો ચૂંટણીમાં સતત 10મો વિજય હતો. યુપીએ-2 સરકારમાં તેમણે શ્રમમંત્રી, રેલવેમંત્રી તથા સામાજિક ન્યાય અને સશક્તિકરણમંત્રી તરીકે સેવા આપી. વર્ષ 2014માં ગુલબર્ગ બેઠક પરથી જ ભાજપના ઉમેદવારને 13,000થી વધારે મતોથી પરાજય આપ્યો. જૂન, 2014માં લોકસભામાં કૉંગ્રેસના નેતા તરીકે નિમણૂક થઈ. વર્ષ 2019માં ગુલબર્ગ બેઠક પરથી જ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું, પરંતુ ભાજપના ઉમેદવાર ઉમેશ જાધવ સામે 95,000થી વધુ મતોના અંતરથી પરાજય થયો. જૂન, 2020માં ખડગેએ કર્ણાટકમાં રાજ્યસભામાં પ્રવેશ મેળવ્યો. ફેબ્રુઆરી, 2021માં રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે નિમણૂક થઈ.

1 ઑક્ટોબર, 2022ના રોજ ખડગેએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું અને શશી થરુર સામે 7897 મતોથી વિજય મેળવ્યો. તેઓ આ પદ સંભાળનાર 61મી વ્યક્તિ અને 98મા પ્રમુખ છે. કૉંગ્રેસના પ્રમુખ તરીકે પ્રથમ 2 વર્ષમાં હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પક્ષે વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય મેળવીને સરકારો બનાવી.

તેઓ બૌદ્ધ સંપ્રદાયમાં માને છે. તેમણે દક્ષિણ એશિયામાં સૌથી મોટા વિહારો પૈકીનું એક કલબુર્ગીમાં બુદ્ધ કે સિદ્ધાર્થવિહારનું નિર્માણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આ વિહાર હાલ સમગ્ર દેશમાં બૌદ્ધમતમાં શ્રદ્ધાળુઓ માટેનું યાત્રાધામ બની ગયું છે. તેમની મનપસંદ રમત હૉકી છે તથા તેમણે કૉલેજ અને યુનિવર્સિટીમાં હૉકીમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. કબડ્ડી અને ફૂટબૉલના ખેલાડી તરીકે પણ તેમણે જિલ્લા સ્તરે અનેક ઇનામો મેળવ્યાં છે.

કેયૂર કોટક