ખડગપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના મિદનાપોર જિલ્લામાં આવેલું મહત્વનું ઔદ્યોગિક શહેર અને શૈક્ષણિક કેન્દ્ર. ખડગપુર 22o-20´ ઉ.અ અને 87o-21´ પૂ. રે. ઉપર કૉલકાતા-નાગપુર રેલવેલાઇન ઉપર આવેલું છે. તે કૉલકાતાથી 115 કિમી. પશ્ચિમે છે. તે દક્ષિણ-પૂર્વ રેલવેનું પ્રમુખ કેન્દ્ર છે અને રેલમાર્ગે મુંબઈ અને કૉલકાતા સાથે અને શાખા રેલવે-લાઇન દ્વારા બાંકુરા, ઝરિયા અને ચેન્નાઈ સાથે જોડાયેલું છે. અહીં રેલવેની વર્કશૉપ તથા વસાહત પણ છે. અહીં રસાયણો, ઇજનેરી સામાન, જોડા વગેરે ચામડાની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં તથા રેશમી કાપડની અને ચોખા છડવાની મિલો છે. અહીં 1951માં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી’ની ઉચ્ચ ઇજનેરી શિક્ષણ આપતી સંસ્થા સ્થપાઈ. તે સિવાય અન્ય વિદ્યાશાખાઓની કૉલેજો, પુસ્તકાલય, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ટૅક્નૉલૉજીની સંસ્થાને વિશ્વવિદ્યાલયનો દરજ્જો અપાયો છે. લોહાની પીરના ધાર્મિક સ્થાનને મુસ્લિમ તથા હિંદુ બંને કોમના લોકો પૂજે છે. વસ્તી આશરે 3,35,000 (2022).

શિવપ્રસાદ રાજગોર