મહેતા, સિદ્ધાર્થ (ડૉ.) (જ. 4 ડિસેમ્બર 1947) : પ્રખ્યાત દંતચિકિત્સક.
તેઓએ કિંગ જ્યૉર્જ ડેન્ટલ કૉલેજ, લખનઉથી દંતચિકિત્સકની પદવી પ્રાપ્ત કરી અને ઑર્થોડોન્શિયામાં વિશેષજ્ઞતા મેળવી. તેઓએ નવી દિલ્હીસ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS)માં થોડો સમય કાર્ય કર્યું. ત્યાર બાદ તેઓએ ક્લૈફ્ટ પેલેટ પ્રૉબ્લેમ્સનું નિદાન કરવા માટે અમેરિકામાં વિશેષજ્ઞના રૂપમાં કામ કર્યું. તેઓએ ડેન્ટલ કૉલેજ હૉસ્પિટલ, લખનઉ, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન, નવી દિલ્હી અને લૅંકેસ્ટર ક્લૈફ્ટ પેલેટ ક્લિનિક, યુ.એસ.એ. સહિત ઘણી હૉસ્પિટલોમાં કામ કર્યું. તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રીના માનદ દંતચિકિત્સક રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઘણી પત્રિકાઓ(Journals)માં તેમના લેખ પ્રકાશિત થયા છે. તેઓ ભારત અને અમેરિકાની વ્યાવસાયિક સંસ્થાઓના સક્રિય સદસ્ય છે.

સિદ્ધાર્થ મહેતા
દંતચિકિત્સાના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ વિશેષજ્ઞતા અને સેવાઓ માટે તેમને અનેક સન્માન તથા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમાં ઓરલ-સર્જરીમાં માનદ પ્રમાણપત્ર, રજકપત્રકની સાથે ઑર્થોડોન્શિયામાં વિશેષ યોગ્યતા તથા ઘણા અન્ય પુરસ્કારો સામેલ છે. ઈ. સ. 2004માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
પૂરવી ઝવેરી