શેટ્ટી, દેવી પ્રસાદ (ડૉ.)

September, 2025

શેટ્ટી, દેવી પ્રસાદ (ડૉ.) (જ. 8 મે 1953, મૅંગાલુરુ, કર્ણાટક, ભારત) : જાણીતા હૃદયવિજ્ઞાની, અને નારાયણ હૃદયાલય, બૅંગાલુરુના અધ્યક્ષ.

દેવી પ્રસાદ શેટ્ટી

તેઓએ કસ્તુરબા મેડિકલ કૉલેજ, મૅંગાલુરુમાંથી એમ.બી.બી.એસ. તથા એમ.એસ.ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓએ વાલ્સગ્રેવ હૉસ્પિટલ, કન્વેન્ટરી તથા ઈસ્ટ બર્મિંગહામ હૉસ્પિટલ, બર્મિંગહામ તથા ગાય્ઝ હૉસ્પિટલ (Guy’s Hospital) લંડનમાં હૃદયસંબંધી શલ્યક્રિયા(surgery)માં ગહન પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ 1989માં ભારત પાછા ફર્યા તથા કૉલકાતામાં બી.એમ. બિરલા હૃદય અનુસંધાન કેન્દ્રની સ્થાપના કરી. 1997માં તેઓ બૅંગાલુરુ ગયા જ્યાં તેઓએ મણિપાલ હાર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી જેમાં તેઓ ઉપાધ્યક્ષ તથા વરિષ્ઠ કન્સલ્ટન્ટ-વિશેષજ્ઞ કાર્ડિયાક સર્જન છે. તેઓ પોતાના જૂથની સાથે હૃદયરોગીઓનાં 20,000 મોટાં ઑપરેશન કરી ચૂક્યા છે. તેઓ નવજાત શિશુઓની ઓપન હાર્ટસર્જરી કરનાર ભારતના પ્રથમ શલ્યચિકિત્સકો(સર્જન)માંના એક છે. તેઓ એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટનો ઉપચાર કરવા માટે વીડિયો આસિસ્ટેડ થોરેકોસિયોપિક સર્જરી કરનાર વિશ્વના પ્રથમ સર્જન, ડાયનેમિક કાર્ડિયોમાયોપ્લાસ્ટી કરનાર એશિયાના પણ પ્રથમ સર્જન તથા હૃદય જ્યારે બંધ પડે ત્યારે દીર્ઘાવિધિ સર્ક્યુલેટરી આસિસ્ટન્સનો પ્રયોગ કરનાર ભારતના પ્રથમ સર્જન છે. તેમણે ઇસરોના સહયોગથી ભારતનાં અંતરિયાળ ક્ષેત્રોમાં ટેલિમેડિસિન ટૅકનૉલૉજીની સાથે કોરોનરી કેર યુનિટોનું ભારતમાં સૌથી મોટું નેટવર્ક સ્થાપિત કર્યું. અત્યાર સુધીમાં તેઓએ ટેલિમેડિસિન કનેક્ટિવિટીનો પ્રયોગ કરીને 12,000થી વધુ હૃદયરોગીઓનો નિઃશુલ્ક ઇલાજ કર્યો છે.

ડૉ. શેટ્ટીને યુનિવર્સિટી ઑવ્ મિનેસોટા મેડિકલ સ્કૂલ, યુ.એસ.એ. દ્વારા આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્યની પ્રોફેસરશિપ, આઈ.એમ.એ.નો ડૉ. કે. શરન કાર્ડિયોલૉજી એક્સેલન્સી ઍવૉર્ડ, કર્ણાટક રાજ્યોત્સવ ઍવૉર્ડ, સર એમ. વિશ્વેશરૈયા ઍવૉર્ડ, મધર ટેરેસા લાઇફ ઍન્ડ લાઇટ ઍવૉર્ડ તથા અર્ન્સ્ટ ઍન્ડ યંગ એન્ટરપ્રીન્યૉરશિપ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2004માં તેઓને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો તથા 2012માં પદ્મભૂષણનો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.

પૂરવી ઝવેરી