કૂડલિ નુંજુંડ ઘનપાઠી શંકરા (જ. 7 મે 1945) : પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, અમદાવાદના અંતરિક્ષ પ્રયોગ કેન્દ્રના નિર્દેશક રહ્યા છે. તેઓએ ઉપગ્રહ તકનીક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

કૂડલિ નુંજુંડ ઘનપાઠી શંકરા
તેઓએ ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બૅંગાલુરુથી ઇલેક્ટ્રિકલ સંચાર અભિયાંત્રિકીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓએ 1971માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, અમદાવાદમાં કાર્ય શરૂ કર્યું. INSAT 2A અને INSAT 2B અંતરિક્ષયાનોના સહાયક પરિયોજના નિર્દેશકના રૂપમાં તેઓએ INSAT શૃંખલાઓના ઉપગ્રહની રચના, તેનો વિકાસ તથા કૉમ્યુનિકેશન પેલોડને મૂર્ત રૂપ આપવાનું કાર્ય કર્યું. તેઓએ માઇક્રોવેવ ટૅકનૉલૉજી તથા સ્પેસક્રાફ્ટ ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રમાં અત્યધિક યોગદાન આપ્યું. તેઓ 1985થી 1996 સુધી અંતરિક્ષ પ્રયોગ કેન્દ્ર, અમદાવાદમાં અંતરિક્ષયાન પેલોડ ગ્રૂપના ગ્રૂપ નિર્દેશક રહ્યા. 1996થી 2000 સુધી તેઓ ઇસરો ઉપગ્રહ કેન્દ્ર, બૅંગાલુરુમાં ઇલેક્ટ્રૉનિક્સ તથા સિસ્ટમ એરિયાના ઉપ-નિર્દેશક રહ્યા. આ સમયગાળા દરમિયાન તેઓએ અંતરિક્ષ વિદ્યુત પ્રણાલી R. F. સંચાર તથા ડિજિટલ ઇલેક્ટ્રૉનિક્સ સત્ર-સિસ્ટમ્સ તેમજ ઍસેમ્બ્લી, અંતરિક્ષયાનોનું એકીકરણ તથા પરીક્ષણનું કાર્ય કર્યું. જાન્યુઆરી 2001થી ઑક્ટોબર 2002 દરમિયાન ઇસરો મુખ્યાલયમાં નિર્દેશક ઉપગ્રહ સંચાર કાર્યક્રમ અને કાર્યક્રમ નિર્દેશક, INSATના પદ પર રહી તેઓએ નીતિ નિર્માણના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
તેમને વર્ષ 1995-96નો I.E.T.E. – I. R. S. (83) પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. ‘સ્પેસ ઍન્ડ ઍરોસ્પેસ’ માટે તેમને વર્ષ 1998નો ‘ઓમ પ્રકાશ ભસીન’ પુરસ્કાર તથા ઇલેક્ટ્રૉનિક્સમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે વર્ષ 2000માં ‘રામલાલ વધવા સ્વર્ણપદક’ પ્રદાન કરવામાં આવ્યો. તેમને નૅશનલ બાયૉમેડિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા દ્વારા પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. 2004માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
પૂરવી ઝવેરી