સોનગઢ (ભાવનગર) : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ઉતાવળી નદીને કાંઠે આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 35´ ઉ. અ. અને 72° 00´ પૂ. રે.. તે ભાવનગરથી 21 કિમી., પાલિતાણાથી 24 કિમી., વલભીપુરથી 24 કિમી., તાલુકામથક શિહોરથી 5 કિમી. તથા લાઠીથી 64 કિમી. દૂર આવેલું છે.
આ નગરનું મૂળ નામ સોનપુરી હતું; પરંતુ મુંબઈના એક વખતના ગવર્નર સેયમોર ફિટઝિરાલ્ડે 31–12–1870માં આ થાણાની મુલાકાત લીધેલી. તે વખતે સ્થાનિક ગરાસદારોની વિનંતિથી આ સ્થળનું નામ સોનગઢ રાખવામાં આવ્યું.
સોનગઢની આબોહવા સૂકી અને આરોગ્યપ્રદ હોવાથી અહીં સૅનિટોરિયમ, પ્રાથમિક ચિકિત્સાલય સ્થાપેલાં છે. 1929ના માર્ચની દશમી તારીખે અહીં વડોદરાની આર્યકુમાર મહાસભા દ્વારા સંચાલિત ગુરુકુલ શરૂ કરવામાં આવ્યું હતું. જૂનથી સપ્ટેમ્બરમાં કુલ 30 દિવસો દરમિયાન અહીં 378 મિમી. જેટલો વરસાદ પડે છે, તે પૈકીનો 211 મિમી. જેટલો વરસાદ જુલાઈમાં પડી જાય છે. અહીંના આજુબાજુના વિસ્તારમાં ઘઉં, જુવાર, બાજરી અને મગફળીનું વાવેતર થાય છે. નદીકાંઠે, ગામને ગોંદરે તથા બગીચામાં બાવળ, લીમડો, પીપળો, પીપર જેવાં વૃક્ષો જોવા મળે છે.
1991 મુજબ આ નગરની વસ્તી 5671 જેટલી હતી, તે પૈકી 56 % પુરુષો અને 44 % સ્ત્રીઓ છે. આ નગરમાં એક જિન, લોટ દળવાની ઘંટી તથા છાપખાનું આવેલાં છે. આજુબાજુના ભાગોમાં આંબલા, બજુડ, ઈશ્વરિયા અને સેદરડા વગેરે ગામો આવેલાં છે. સોનગઢ આ બધાં નજીકનાં ગામો માટેનું ખરીદ-વેચાણ કેન્દ્ર છે. અહીં બૅંક ઑવ્ ઇન્ડિયા તેમજ ભાવનગર જિલ્લા સહકારી બકની શાખા છે.
સોનગઢ ભાવનગરવઢવાણ મીટરગેજ રેલવે પરનું રેલમથક છે. તે ભાવનગર–રાજકોટ ધોરી માર્ગ પર આવેલું છે. સોનગઢથી પાલિતાણાનો જિલ્લામાર્ગ આવેલો છે. વલભીપુર, શિહોર, સણોસરા, ધોળા, પાલિતાણા જેવાં મથકો સાથે સોનગઢ જોડાયેલું છે.
સોનગઢમાં આર્યકુમાર મહાવિદ્યાલય (1929) તથા વડોદરા દ્વારા સંચાલિત ગુરુકુલ આવેલાં છે. ગુરુકુલની જમીન અને મકાન માટે દાન મળેલું છે, તેનું છાત્રાલય પણ છે. અહીં આશરે 60 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. નગર ખાતે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પુરુષ અધ્યાપન મંદિર તથા પુસ્તકાલય આવેલાં છે. ગુરુકુલસંચાલિત માધ્યમિક શાળાની વ્યવસ્થા પણ છે. ગુરુકુલસંચાલિત વ્યાયામશાળા જિલ્લાના ક્રીડામહોત્સવમાં ભાગ લે છે. આ ઉપરાંત અહીં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, તાર-ટપાલકચેરી તથા ટેલિફોનની વ્યવસ્થા પણ છે. કાનજીમુનિ તથા ચિત્રવિજયમુનિના આશ્રમો અહીંના જૈનોનાં તીર્થધામો બની રહેલાં છે.
શિવપ્રસાદ રાજગોર
અરુણ વાઘેલા