બાઠારી, જયનાચરણ (જ. 1 જુલાઈ 1940, દિમા, જિ. હસાઓ, અસમ) : દિમાસા સમુદાયના લોકસંગીત અને પરંપરાગત વાદ્યોને લોકપ્રિય બનાવનાર અસમ રાજ્યના હાફલોંગ ગામના નિવૃત્ત સરકારી કર્મચારી.
બાઠારીને નાનપણથી જ દિમાસા લોકસંગીત પ્રત્યે આકર્ષણ અને સમર્પણની ભાવના હતી. પોતાની અથાગ મહેનત અને દૃઢ નિશ્ચયના કારણે તેઓ ગાયક બન્યા. આકાશવાણી સિલચર, હાફલોંગ, દિબ્રુગઢ, શિલોંગ જેવા ઑલ ઇન્ડિયા રેડિયોનાં ઘણાં કેન્દ્રોમાં તેમણે કાર્યક્રમો રજૂ કર્યા છે. તેમણે હાફલોંગ, મૈબોંગ, સિલચર, અગરતલા, ઉમરંગશો, ગુવાહાટી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘણા સ્ટેજ કાર્યક્રમોમાં સંગીત પ્રદર્શન કરેલ છે. ગાયન ઉપરાંત તેઓ દિમાસા પરંપરાગત સંગીતના પણ જાણકાર છે. તેમણે ‘ખરમ’ (ઢોલ), મુરી (વાંસળી) વગાડવામાં નિપુણતા મેળવી છે. પૂર્વીય રાજ્યોમાં સાંસ્કૃતિક પરિષદોમાં તેમણે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે.

જયનાચરણ બાઠારી
બાઠારી 31 જુલાઈ, 1998ના રોજ રાજ્યસેવામાંથી નિવૃત્ત થયા બાદ સક્રિય જીવન જીવી રહ્યા છે. 2001થી 2007 દરમિયાન તેમણે હાફલોંગ મૌઝાના મૌઝાદાર તરીકે સેવા આપી હતી. તેમણે 1987થી 2001 અને 2012થી 2020 સુધી 22 વરસ સાંઈજા રાજીના ખુનાંગના રૂપમાં કાર્ય કરેલ છે. નિવૃત્તિ પછી પણ તેમણે દિમાસા સમુદાયના પૂજારી તરીકે કાર્ય ચાલુ રાખેલ છે. એન.જી.ઓ. ‘જાદિખે નૈશો હોશોમ’ની સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા છે. તેઓ દિમાસા રીતિ-રિવાજોથી ઘણા વાકેફ છે.
બાઠારીને દિમાસા પરંપરાગત અને લોકસંસ્કૃતિને લોકપ્રિય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ અસમ વિદ્યાર્થી સંઘ દ્વારા 2013માં પ્રતિષ્ઠિત ‘પ્રતિમા બરુઆ પાંડે મેમોરિયલ ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. બાઠારીને 2018માં ઑલ ઇન્ડિયા હિંદુ કૉન્ફરન્સ અસમ પ્રદેશ દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ વર્ષે તેમને બાથારી સેંગફોંગ મેઇલ દ્વારા ‘જોહાયા બાથારી’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ લોકસંગીતકારે સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે કામ કર્યું છે. તેમના આ સેવાકાર્ય માટે 2025ના વર્ષમાં પદ્મશ્રીથી તેમને નવાજવામાં આવ્યા છે.
દિમાસા સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રચાર માટે અવિરત પ્રયાસ કરનારા બાઠારી આજે 84 વર્ષે પણ સંગીતના સથવારે લોકસેવાનાં કાર્યમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહ્યા છે.
હિના શુક્લ