ગડનાયક, અદ્વૈતચરણ (જ. 24 એપ્રિલ, 1963 ઓડિશા) : ભારતીય મૂર્તિકલા જગતના એક પ્રખ્યાત અને વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કરનારા મૂર્તિકાર.
બાળપણથી જ તેઓ ભારતીય કળા પ્રત્યે આકર્ષિત રહ્યા હતા. છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ વર્ષોથી તેમણે અનેક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક મૂર્તિઓ બનાવીને ભારત અને વિશ્વમાં નામના મેળવી છે. તેમણે ભારતમાં ‘બી. કે. કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ ભુવનેશ્વર’ અને વિદેશમાં ‘સ્લેડ સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સ યુનિવર્સિટી લંડન કૉલેજ’ જેવી પ્રસિદ્ધ શિક્ષણસંસ્થાઓમાંથી લલિતકળા અને મૂર્તિકળામાં પ્રશિક્ષણ લીધું હતું.

અદ્વૈતચરણ ગડનાયક
તેમણે 2016થી 2022 સુધી ‘રાષ્ટ્રીય આધુનિક કલા ગૅલરી’(NGMA)માં મહાનિર્દેશક તરીકે કામ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન થયેલા નોંધપાત્ર કાર્યોમાં નવી દિલ્હીમાંના ‘જયપુર હાઉસ’નો જીર્ણોદ્ધાર ઉલ્લેખનીય છે. તેમના નેતૃત્વમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અહીં યોજાયાં હતાં. તેમણે ‘રાષ્ટ્રીય આધુનિક કલા ગૅલરી’(NGMA)ને વૈશ્વિક કક્ષાનો મંચ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
ગડનાયકની મૂર્તિઓ વિશેષતઃ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને આપણી પરંપરાના ઊંડાણને પ્રતિબિંબ કરનારી રહી છે. તેમની કૃતિઓ મુખ્યત્વે ભારતીય પૌરાણિક વાર્તાઓ, આઝાદીના સેનાનીઓ અને આધ્યાત્મિક નેતાઓનાં ચિત્રણ પર આધારિત છે. તેમનાં કેટલાંક જાણીતાં કાર્યોમાં નવી દિલ્હીમાં રાજઘાટમાં સ્થાપિત મહાત્મા ગાંધીની શાંતિદૂત મૂર્તિ, રાષ્ટ્રીય યુદ્ધ સંકુલમાંની સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, નવી દિલ્હીના પોલીસ સ્મારકમાંની મૂર્તિઓ તથા મુંબઈમાં પિરામલ સમૂહ માટે બનાવેલા શિલ્પ-બાગનો સમાવેશ થાય છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉલ્લેખનીય કાર્યક્રમો પૈકી ગડનાયકે વેનિસ, ચીન, જાપાન, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયલ, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, શ્રીલંકા, ઇટાલી, દક્ષિણ આફ્રિકા, પોર્ટુગલ જેવા અનેક દેશોમાં ભારતીય કળા-પ્રદર્શન આયોજિત કર્યાં હતાં.
અદ્વૈતચરણ ગડનાયકે ભારતીય સંસ્કૃતિની પૌરાણિક અને આધ્યાત્મિક જડની સાથે આધુનિક અભિગમનો સમન્વય કરીને 21મી સદીમાં ભારતની કળાત્મક અને આધ્યાત્મિક ધરોહરનું ગૌરવ વિશ્વભરમાં ઉજાગર કરેલ છે અને વિશ્વને શાંતિસંદેશ આપ્યો છે.
અદ્વૈતચરણ ગડનાયક જેમને 2025માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
હિના શુક્લ