કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય : માનવીને કુદરતની વધુ નજીક લાવવાનો પ્રયત્ન એટલે કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય. બાયૉફિલિકનો શાબ્દિક અર્થ થાય છે ‘કુદરત પ્રત્યેનો પ્રેમ’. માનવી કુદરતી વાતાવરણમાં વધુ તંદુરસ્ત રહી શકે, સાત્ત્વિક આનંદ મેળવી શકે અને પરિણામે તેની ક્ષમતા પણ વધુ રહે તેવી ધારણા સાથે આ પ્રકારનાં સ્થાપત્ય માટે દલીલ થતી હોય છે. કેટલાંક સંશોધન એમ પણ કહે છે કે કુદરત-સંલગ્ન સ્થાપત્યથી માનવીનું આયુષ્ય પણ વધી શકે. વર્ષ ૧૯૭૩માં ‘બાયૉફિલિયા’ શબ્દ સૌપ્રથમ મનોવિશ્લેષક એરિક ફ્રોમ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જોકે તે વખતે તેઓ સ્થાપત્યની વાત ન હતા કરતા.

કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય
આ પ્રકારની સ્થાપત્ય શૈલીમાં મકાનની અંદર ઝાડ-પાન, પાણીનું વહેણ, વરસાદી પાણી, સૂર્ય કિરણો, કુદરતી પ્રકાશ, કુદરતી રીતે વહેતી હવા તથા લાદી-મુક્ત જમીનનો સમાવેશ કરાતો હોય છે. આ ઉપરાંત આકાશ સાથે અને બહારની લીલોતરી સાથે દૃશ્ય સંપર્ક પણ દૃઢતાથી જળવાતો હોય છે. કુદરતનાં વિવિધ તત્ત્વો સાથે આ રીતે સ્થાપત્યકીય સંપર્ક સાધવા ઉપરાંત અહીં માનવસર્જિત રચનામાં પણ કુદરતી ઝાડ-પાન-ફૂલ જેવાં ઘટકોનું આલેખન થાય છે અને તેની ગોઠવણના સિદ્ધાંતો – પેટર્ન પણ પ્રયોજવામાં આવે. કુદરત-સંલગ્ન સ્થાપત્યમાં લાકડું, પથ્થર, માટી, વાંસ જેવી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ રહે. અહીં પ્રકૃતિને, પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રૂપે મકાનની અંદર હાજર રાખવાનો પ્રયત્ન થાય. આ શૈલીના સ્થાપત્યમાં ક્યારેક પ્રાણીઓની હાજરી પણ ઇચ્છનીય ગણાય છે. આ બધાને કારણે બાંધકામ- ઉદ્યોગમાં પણ પર્યાવરણનું રક્ષણ થઈ શકે.
એકંદરે એમ કહી શકાય કે કુદરત-સંલગ્ન સ્થાપત્યમાં એવાં તત્ત્વોનો સમાવેશ કરીને સ્થાપત્ય નિર્ધારિત કરાય છે કે જેનાથી માનવી પ્રકૃતિ, જીવ તથા તે બંનેથી ઉદ્ભવતા પરિણામ સાથે ભાવનાત્મક સુસંગત સંબંધ સ્થાપી શકે. માનવી અને પ્રકૃતિ વચ્ચેનાં જોડાણ માટેનો આ પ્રયાસ છે.
હેમંત વાળા