ઊનાઈ : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાંસદા તાલુકાનું ગામ. વિસ્તાર 3.11 ચોકિમી. વસ્તી 6,104 (2011). વાંસદાથી વ્યારા જતો રાજ્ય ધોરીમાર્ગ અહીંથી પસાર થાય છે. બિલિમોરાથી વઘાઈ જતી રેલવે પર બીલીમોરાથી પૂર્વે 42 કિમી. પર સ્ટેશન છે. તે અંબિકા નદીના ડાબે કાંઠે આવેલું યાત્રાધામ છે. ઊના પાણીના ઝરા માટે તે જાણીતું છે. 2 ચોમીનો કુંડ વર્ષમાં એક દિવસ સ્નાનને લાયક ઠંડા પાણીવાળો બને છે. તે સિવાય પાણી 51o સે. જેટલું ઉષ્ણ હોય છે. પ્રાચીન કાળમાં 12,000 બ્રાહ્મણોને નાહવા માટે શ્રીરામે અહીં બાણ મારી ગરમ પાણીનો ઝરો ઉત્પન્ન કરેલો એવી દંતકથા છે. આ બ્રાહ્મણો પછીથી અનાવિલ કહેવાયા. દર વર્ષે ચૈત્રી પૂનમથી છ દિવસ માટે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ મેળામાં આવે છે. અહીં અંબા માતાનું મંદિર છે. અંબા માતાને ઊનાઈ માતા પણ ગણવામાં આવે છે. ગામમાં ટપાલકચેરી, બજાર, બસમથક, પંચાયત, શાળા, દવાખાનું, વિશ્રામગૃહ અને સહકારી મંડળી પણ છે.
કૃષ્ણવદન જેટલી