ઊના (તાલુકો) : ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ઊના 20o 49¢ ઉ. અ. અને 71o 03¢ પૂ. રે. પર આવેલું છે. તાલુકામથકની આજુબાજુ પથરાયેલા તાલુકાનો કુલ વિસ્તાર 1,568 ચોકિમી. જેટલો છે. 2011 મુજબ તાલુકાની કુલ વસ્તી 3,60,000 જેટલી છે. જ્યારે તાલુકામથકની વસ્તી 18,722 (2011)છે. તેની પૂર્વ તરફ અમરેલી જિલ્લો, ઉત્તર તરફ ગીરનો જંગલવિસ્તાર, પશ્ચિમે વેરાવળ તાલુકો તથા દક્ષિણે દીવ ટાપુ અને અરબી સમુદ્ર આવેલા છે.
તાલુકાનો મોટાભાગનો વિસ્તાર સમતળ અને ફળદ્રૂપ જમીનોવાળો છે. તે ‘ઘેડ’ વિસ્તારના નામથી ઓળખાય છે. અહીં શેરડી, મગફળી અને બાજરીની ખેતી વિશેષ પ્રમાણમાં થાય છે. ઉત્તર તરફનો કેટલોક ભાગ ડુંગરાળ છે. દક્ષિણ તરફનો ભાગ ક્ષારીય જમીનોવાળો છે. મચ્છુંદ્રી આ તાલુકાની મુખ્ય નદી છે, ઊના નગર તેને કાંઠે વસેલું છે. આ વિસ્તારમાં ઊના પાણીના કુંડ પણ આવેલા છે.
આ તાલુકામાં પ્રાથમિક તેમજ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ-સંસ્થાઓની સગવડ છે. બૅંકો, આરોગ્ય-ચિકિત્સાલયો, ખાંડનાં કારખાનાં અને તેલની મિલો અહીં આવેલાં છે. દેલવાડા-તલાલાને સાંકળતો મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. ઊના આ માર્ગ પરનું મહત્વનું રેલમથક છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસવ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે.
પ્રાચીન સમયમાં ઊના ઉન્નત દુર્ગ તરીકે ઓળખાતું હતું. તેની નજીકમાં દેલવાડા ગામ આવેલું છે. અહીં ઉનેવાળ બ્રાહ્મણોનું વર્ચસ્ હતું; પરંતુ વેજલ વાજા નામના રાજાએ બ્રાહ્મણો ઉપર આક્રમણ કરીને પ્રભુત્વ જમાવ્યું હતું. ત્યારબાદ અંગ્રેજોએ અહીં પોતાનું શાસન સ્થાપ્યું હતું.
ઇતિહાસ : મચ્છુન્દ્રી નદીકાંઠે આવેલું ઊના નગર પ્રાચીન સમયમાં ઉન્નત દુર્ગ કહેવાતું અને તે પછી ઊના-દેલવાડા નામ પ્રચલિત થયું. ત્યાં ઉનેવાલ બ્રાહ્મણોનું રાજ્ય હતું. એક વાર તેમણે વેજલ વાજાની નવવધૂનું અપમાન કર્યું. તેથી વેજલે ચઢાઈ કરીને ત્યાંના બ્રાહ્મણોની હત્યા કરીને પોતે રાજ્ય કરવા માંડ્યું. બ્રાહ્મણોની હત્યા કરવાથી ઉન્નત દુર્ગ (પ્રાચીન ઊના) ભ્રષ્ટ થયું. તેથી તેનો ત્યાગ કરીને લોકો પાસેના દેલવાડા ગામમાં જઈને રહ્યા અને તે નગર સમય જતાં ઊના તરીકે જાણીતું થયું.
ઊનામાં દામોદરરાયજી, સ્વામીનારાયણ, રામમંદિર અને શિવનાં પાંચ મંદિરો, એક જૈન દેરાસર, 300 વર્ષ જૂની જુમા મસ્જિદ તથા 250 વર્ષ જૂની મોતી મસ્જિદ, કિલ્લો અને બગીચો આવેલાં છે. ઊના તાલુકામાં મુસ્લિમ સુલતાનોનું રાજ્ય થયું ત્યારે ઊનાની દક્ષિણે દેલવાડા વસાવવામાં આવ્યું. મુસ્લિમો તેને નવાનગર કહેતા; પરંતુ બાકીના લોકો દેલવાડા નામથી જ ઓળખતા હતા. ગુજરાતના સુલતાનોના અમલ દરમિયાન, દીવનો કિલ્લાવાળો ટાપુ નજીકમાં હોવાથી, ગુજરાતના વહાણવટાના રક્ષણ વાસ્તે દેલવાડા મહત્ત્વનું સ્થળ હતું. દેલવાડાની આસપાસ મજબૂત કિલ્લો બાંધવામાં આવ્યો હતો.
નીતિન કોઠારી
જયકુમાર ર. શુક્લ