રેડ્ડી, દુવ્વૂર નાગેશ્વર (ડૉ.) (જ. 18 માર્ચ 1956) : એઆઈજી હૉસ્પિટલના ચૅરમૅન. ડૉ દુવ્વૂર નાગેશ્વર રેડ્ડી તબીબી સંશોધન, કરુણા અને દર્દીની સારસંભાળમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટેના અથાગ પ્રયત્નો માટે જાણીતા છે. તેઓ વિશ્વપ્રસિદ્ધ ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ છે, જેમણે ચિકિત્સીય એન્ડોસ્કોપીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને હજારો લોકોનાં જીવન બદલી નાખ્યાં છે અને ભારતને વિશ્વસ્તર પર – એન્ડોસ્કોપીનો ગઢ બનાવી દીધું છે.

દુવ્વૂર નાગેશ્વર રેડ્ડી

ડૉ. રેડ્ડીએ કુરનૂલ મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ, તે પછી મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી એમ.ડી.ની પદવી મેળવી અને પીજીઆઈએમઆર, ચંડીગઢમાંથી ગૅસ્ટ્રોએન્ટેરોલૉજીમાં વિશેષજ્ઞતા મેળવી. તેમણે 1994માં એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગૅસ્ટ્રોએન્ટેરોલૉજીની સ્થાપના કરતાં પહેલાં હૈદરાબાદમાં નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ સાયન્સીસમાં ગુંટૂર મેડિકલ કૉલેજમાં કામ કર્યું. થોડા જ સમયમાં આ સંસ્થા વર્લ્ડ એન્ડોસ્કોપી ઑર્ગેનાઇઝેશન દ્વારા ઉત્કૃષ્ટતા કેન્દ્રના રૂપમાં માન્યતા મેળવનાર ભારતની પ્રથમ સંસ્થા બની ગઈ. નૅચરલ ઑરિફિસ ટ્રાન્સલ્યુમિનલ એન્ડોસ્કોપિક સર્જરી (NOTES) પ્રક્રિયા અને એન.એ.જી.આઈ. સ્ટેન્ટ જેવી એમની અભૂતપૂર્વ શોધોએ પારંપરિક સર્જરી માટે ન્યૂનતમ ઇનવેસિવ વિકલ્પ પ્રદાન કરીને અસંખ્ય લોકોના જીવ બચાવ્યા છે.

નૈદાનિક ઉત્કૃષ્ટતાથી આગળ વધીને સસ્તી સ્વાસ્થ્યસેવા પ્રત્યે ડૉ. રેડ્ડીની પ્રતિબદ્ધતા બેજોડ છે. એશિયન હેલ્થકૅર ફાઉન્ડેશનના સંસ્થાપકના રૂપમાં એમણે ગ્રામીણ શહેરી સ્વાસ્થ્યસેવા વચ્ચેની ખાઈને ભરી દીધી છે, ભારતની પ્રથમ મોબાઇલ એન્ડોસ્કોપી યુનિટ અને સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ કરીને જીવનરક્ષક નિદાનને વંચિત સમુદાયો સુધી પહોંચાડ્યું છે. એમના જી.આઈ. એન્ડોસ્કોપી ટૅકનિશિયન પ્રોગ્રામે હજારો લોકોને પ્રશિક્ષિત કરીને દેશભરમાં કુશળ દેખભાળ સુનિશ્ચિત કરી છે. સ્વાસ્થ્યસેવા પ્રૌદ્યોગિકીમાં પણ એમનું યોગદાન છે, જ્યાં એમણે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ રોગોના ઇલાજ માટે ઘણાં નૈદાનિક અને ચિકિત્સીય ઉપકરણો વિકસિત કરવા માટે આઈ.આઈ.ટી., આઈ.આઈ.એસ.સી. અને આંતરરાષ્ટ્રીય શોધ સંસ્થાઓની સાથે સહયોગ કર્યો છે.

એક શિક્ષાવિદ અને માર્ગદર્શક તરીકે ડૉ. રેડ્ડીએ ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટની આગલી પેઢી તૈયાર કરી છે તથા તેમનાં અઢળક 1090 પ્રકાશનો અને 18 પાઠ્યપુસ્તકો, વૈશ્વિક ચિકિત્સાજ્ઞાનને સમૃદ્ધ કરે છે. કોવિડ-19 મહામારી દરમિયાન તેમણે મહત્ત્વપૂર્ણ શોધ, ઉપચાર પ્રોટોકૉલ અને સામુદાયિક પહેલોની આગેવાની કરી તથા સસ્તી કોવિડ-19 સારવાર, ફ્રન્ટલાઇન વર્કર માટે મફત ઉપચાર અને વૅક્સિન રણનીતિની સુલભતા સુનિશ્ચિત કર્યાં. એમના વૈજ્ઞાનિક નેતૃત્વ અને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રત્યે પ્રતિબદ્ધતાએ ભારતની મહામારી પ્રત્યેની કાર્યવાહીને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એ.આઈ.જી. હૉસ્પિટલ્સમાં એમના નેતૃત્વએ મહત્ત્વપૂર્ણ શોધ અને પ્રોટોકૉલ તૈયાર કર્યા, જેનાથી રાષ્ટ્રીય ઉપચાર રણનીતિઓને દિશા મળી.

ડૉ. રેડ્ડીને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમ કે અમેરિકન સોસાયટી ઑવ્ ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એન્ડોસ્કોપી દ્વારા રુડોલ્ફ શિંડલર પુરસ્કાર – આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે તથા પ્રતિષ્ઠિત એ.એ.એ.એસ. ફેલોશિપ, જે એમની વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતાનું પ્રમાણ છે. એમને અમેરિકન ગૅસ્ટ્રોએન્ટેરોલૉજી ઍસોસિયેશન દ્વારા પ્રતિષ્ઠિત એજ્યુકેટર ઍવૉર્ડ, માસ્ટર ઑવ્ દ વર્લ્ડ એન્ડોસ્કોપી ઑર્ગેનાઇઝેશન (એમડબ્લ્યુજીઓ) અને અન્ય ઘણા પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કારોમાં એમને 1995માં ડૉ. બી. સી. રૉય પુરસ્કાર, 2002માં પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પૂરવી ઝવેરી