રેડ્ડી, ડી. એલ. એન. (જ. 1949, નેરાડા, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને મુદ્રણક્ષમ કલાના સર્જક.

હૈદરાબાદ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરીને 1969માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં વધુ બે વરસ લગી અભ્યાસ કરી 1971માં ડિપ્લોમા ઇન પ્રિન્ટ મેકિંગ (મુદ્રણક્ષમ કલા) મેળવ્યો. 1971માં તેમને આંધ્રપ્રદેશ લલિત કલા અકાદમીની પ્રિન્ટ મેકિંગ માટેની સ્કૉલરશિપ મળી. 1971માં તેમને પ્રિન્ટ મેકિંગ માટે ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયાની સ્કૉલરશિપ મળી.

તેમણે 1971 અને 1976માં હૈદરાબાદમાં તથા 1973 અને 1977માં મુંબઈમાં પોતાની મુદ્રણક્ષમ કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં.

પોલૅન્ડના ક્રેકાઉ નગરમાં, હર્ઝેગોવિનામાં અને ફ્રાન્સમાં ઘણાં સમૂહ-પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો છે.

કેન્દ્રીય લલિત કલા અકાદમી, આંધ્રપ્રદેશ લલિત કલા અકાદમી, નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, હૈદરાબાદના સાલારજંગ મ્યુઝિયમ તથા કૉન્ટેમ્પરરી આર્ટ્સ મ્યુઝિયમના તેમજ વૉશિંગ્ટન ડી.સી.ની લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસના કાયમી સંગ્રહોમાં તેમની મુદ્રણક્ષમ કલા સંગ્રહાઈ છે. હાલમાં તેઓ હૈદરાબાદમાં રહી કલાસર્જન કરે છે.

અમિતાભ મડિયા