પૂર્વ મેદિનીપુર

July, 2025

પૂર્વ મેદિનીપુર : પશ્ચિમ બંગાળ રાજ્યનો જિલ્લો. તેનું જિલ્લામથક ટામલુક (Tamluk) છે.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 21 93´ ઉ. અ. અને 87 77´ પૂ. રે. પર સ્થિત છે. મેદિનીપુર વિભાગના દક્ષિણ છેડે તે આવેલો છે. આ જિલ્લાની પશ્ચિમે અને ઉત્તરે પશ્ચિમ મેદિનીપુર જિલ્લો, પૂર્વે હાવરા જિલ્લો, દક્ષિણે અને અગ્નિએ 24 પરગણા જિલ્લા સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાની દક્ષિણે અને અગ્નિએ 65.5 કિમી. લંબાઈ ધરાવતો સમુદ્રકિનારો આવેલો છે.

પૂર્વ મેદિનીપુરનો જિલ્લો

સિંધુ-ગંગાના મેદાની પ્રદેશ અને પૂર્વ કિનારાની વચ્ચે આ જિલ્લો આવેલો છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 10 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ જિલ્લાની પશ્ચિમે, પૂર્વે અને ઉત્તરે સમતળ મેદાનો આવેલાં છે. જ્યારે દક્ષિણે સમુદ્રકિનારાનાં મેદાનો મોટે ભાગે નવા કાંપનાં મેદાનો રૂપે જોવા મળે છે. આ મેદાનો લાંબું ભવિષ્ય ધરાવતાં નથી. વૈશ્વિક તાપમાનને કારણે આ પ્રદેશની દક્ષિણે રેતીયા ઢૂવા કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોનાં મેદાનો સમતળ, કાંપનાં અને નદીના નિક્ષેપના કારણે રચાયાં છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં રચાયેલાં મેદાનોના નિર્માણમાં સમુદ્રની ભરતી અને સમુદ્રના પ્રવાહનો ફાળો અધિક રહ્યો છે. સમુદ્રકિનારાનાં મેદાનો અનેક વિભાગમાં વિભાજિત કરાયાં છે. જેમ કે મહીસડાલ, સુનાહાતા વગેરે. કિનારાનાં મેદાનોમાં રેતીનું પ્રમાણ અધિક છે. આ જિલ્લાની મુખ્ય નદીઓમાં હલ્દી, રૂપનારાયણ, રસુલપુર, બાગુઈ અને કેલેઘાટી છે. આ નદીઓનું વહેણ ઉત્તરથી દક્ષિણ છે અથવા અગ્નિ દિશા તરફનું છે. આ જિલ્લામાં સિંચાઈનો આધાર આ નદીઓ છે.

જંગલ અને વન્ય પ્રાણીઓ : આ જિલ્લાના આશરે 899 હેક્ટર વિસ્તાર ઉપર જંગલો છવાયેલાં છે. જેમાંથી કેટલાંક અનામત, રક્ષિત અને બિનવર્ગીકૃત જંગલો આવેલાં છે. આ જંગલોમાં સાલ, મહુડા, આમલી, પલાશ, ખેર, કુસુમ, ટીમરુ વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જંગલોમાં વાઘ, જંગલી બિલાડી, શિયાળ, હરણ, નીલગાય વગેરે છે.

આબોહવા : અહીંની આબોહવા ગરમ ઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળો (એપ્રિલથી મધ્ય જૂન) ગરમ અને ભેજવાળો રહે છે. દિવસ દરમિયાન તાપમાન 30 સે.થી 40 સે. અનુભવાય છે. સામાન્યતઃ દરરોજ સાંજના ચાર વાગ્યા પછી વરસાદ પડતો હોય છે જે કાળવૈશાખી અથવા ધૂળિયો વંટોળ તરીકે ઓળખાય છે. વર્ષાઋતુ(મધ્ય જૂનથી ઑગસ્ટ)ના ગાળામાં અગ્નિદિશા તરફથી વાતા પવનો વરસાદ આપતા હોય છે. અતિવૃષ્ટિની પરિસ્થિતિ અવારનવાર સર્જાતી રહે છે. સરેરાશ વરસાદ 1500 મિમી. કરતાં વધુ હોય છે.  શિયાળા (ડિસેમ્બરથી માર્ચ) દરમિયાન તાપમાન વધુ નીચું જતું નથી. મોટે ભાગે તાપમાન 8થી 14 સે. રહે છે. એટલે કે ઠંડીની તીવ્રતા વધુ રહેતી નથી. શિયાળા અને વસંતઋતુમાં હવામાં ધૂળના રજકણો વધુ રહેતા હોવાથી ત્યાં વસતા લોકોને ફ્લૂ અથવા શરદીનો ભોગ બનવું પડે છે.

કાળવૈશાખી અથવા ધૂળિયો વંટોળ

અર્થતંત્ર : આ જિલ્લો મુખ્યત્વે કૃષિપ્રધાન હોઈ મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં રોકાયેલા છે.  ખેડૂતો મોટે ભાગે ડાંગર, ઘઉં, કઠોળ, તેલીબિયાં, શેરડી, શણ તેમજ વિવિધ શાકભાજીનું વાવેતર કરે છે. આ સિવાય અહીં લોકોની મુખ્ય પ્રવૃત્તિ માછીમારી, ફળોની ખેતી, કાજુની બાગાયતી ખેતી અને પ્રવાસન ઉદ્યોગ છે. ખેડૂતોને ખેતી માટે પાણીપુરવઠો નહેરો, કૂવા, તળાવો અને ટ્યૂબવેલ દ્વારા મળી રહે છે. ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ વિકસી છે. પશુસંપત્તિમાં ભેંસ, ઘેટાં-બકરાં અને ડુક્કર છે. પશુસંપત્તિ માટે સરકારે પશુચિકિત્સક કેન્દ્રો અને પશુસંવર્ધન કેન્દ્રો પણ ઊભાં કર્યાં છે. અહીં મીઠા પાણીની અને ખારા પાણીની મત્સ્યપ્રવૃત્તિ જોવા મળે છે. આ મચ્છીમારીનો સમયગાળો ઑક્ટોબરથી માર્ચ સુધીનો ગણાય છે. ખેતીકીય પેદાશોને આધારે ખાદ્યપ્રક્રમણોનો વિકાસ પણ વિકસેલો છે.

દરિયાકિનારા નજીક પથરાયેલી ક્ષારપોપડીવાળી જમીનોમાંથી મીઠું મેળવવાનો વ્યવસાય જોવા મળે છે. કેટલાક ભાગમાંથી ચૂના ખડક પણ મળે છે. આ જિલ્લામાં લખવાના કાગળ, ક્રાફ્ટ માટેના કાગળ, છાપકામના, આદ્યોગિક વપરાશ માટેના તથા પૅકેજિંગના કાગળોનાં કારખાનાં પણ આવેલાં છે. કુટિરઉદ્યોગ, ડેરીઉદ્યોગ ગ્રામ્ય વિસ્તારમાં વિકસેલો છે. આ ઉદ્યોગમાં શણની ચીજવસ્તુ, પિત્તળનાં વાસણો, છીપલાં-શંખ અને તેની કલાત્મક વસ્તુઓ, સાદડીઓ વગેરે બનાવવામાં આવે છે.

પિત્તળનાં વાસણો બનાવવાનો ઉદ્યોગ

આ જિલ્લાનાં મુખ્ય શહેરો–નગરોમાં પાન્સકુરા, ટમલુક, નંદકુમાર, કોન્ટી, એગરા, હલ્દિયા, મેચેડા, મહીસાદલ, ઠદીધા, મંદારમની, ખેજુરી, રામનગર, પાતાસુપુર, કોલાઘાટ, નંદીગ્રામ અને ચાંદીપુર છે. 2006માં કેન્દ્ર સરકારે 250 પછાત જિલ્લાઓ જે જાહેર કર્યા હતા તેમાં આ જિલ્લાનો સમાવેશ થતો હોવાથી તેને આર્થિક સહાય મળતી રહે છે.

હલ્દિયા શહેર

પરિવહન : આ જિલ્લો રેલ, સડક અને હવાઈ માર્ગે જુદાં જુદાં મથકો સાથે સંકળાયેલ છે. આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.-2 પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ, જિલ્લા માર્ગો જે રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે સંકળાયેલ છે. આ માર્ગ રાજ્યનાં મુખ્ય શહેરો અને ભારતનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલા છે. આ જિલ્લાના રસ્તાઓ જે રીતે વ્યસ્ત રહે છે તે રીતે રેલમાર્ગો બહુ ઉપયોગી બનતા નથી. પાન્સકુરા મહત્ત્વનું રેલવેજંકશન છે. અહીંના જળમાર્ગનો ઉપયોગ મુખ્યત્વે માલસામાનની હેરફેર માટે થાય છે. આ જિલ્લામાં બસ, ટૅક્સીઓ વગેરે પણ ઉપલબ્ધ છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 56,32,980 છે. સાક્ષરતાનો દર 87.66% જ્યારે સેક્સરેશિયો દર 1000 પુરુષોએ 936 મહિલાઓ છે. તેમજ 11.63% લોકો શહેરોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિઓનું પ્રમાણ અનુક્રમે 14.63% અને 0.55% છે. આ જિલ્લાની મુખ્ય ભાષા  બંગાળી છે. જેનું પ્રમાણ 98.31% છે. અન્ય બોલાતી ભાષા કાંથી (Kanthi) છે, જે મોટે ભાગે ઊડિયા ભાષાને મળતી આવે છે. અહીં મિશ્ર વસ્તી વસે છે. જેમાં હિંદુ 85.24%, મુસ્લિમ 14.57% અને અન્ય ધર્મોની વસ્તીનું પ્રમાણ 0.17% છે.

આ જિલ્લામાં શિક્ષણ માટે આંગણવાડી, બાલમંદિર, શિશુમંદિર પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તેમજ જુનિયર શાળા, સિનિયર શાળાઓ આવેલી છે. આ સિવાય ટૅકનિકલ શાળાઓ, ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ છે. ઉચ્ચશિક્ષણના સંદર્ભમાં જોઈએ તો નર્સિંગ કૉલેજ, મૅનેજમેન્ટ કૉલેજ, ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ, પોલિટૅકનિક, મેડિકલ અને કાયદાશાસ્ત્રને લગતી કૉલેજો આવેલી છે. આ જિલ્લાનું પાટનગર ટામલુક(Tamluk) છે, જેની વસ્તી (2025 મુજબ) આશરે 92,000 છે.

પાન્સકુરા ‘Valley of Flowers’

જોવાલાયક સ્થળો : આ જિલ્લાના સમુદ્રકિનારે વિવિધ  ભૂમિસ્વરૂપો નિર્માણ પામેલાં છે. જિલ્લામાંથી હુગલી નદી વહે છે જે પ્રવાસીઓને વધુ આકર્ષે છે. આ જિલ્લાનું જિલ્લામથક અને શહેર ટામલુક છે, જે રૂપનારાયણ નદીને કિનારે વસ્યું છે. તે વનભોજનની સહેલ માટે જાણીતું છે. આ શહેર પાસે બરગાભીમા મંદિર આવેલું છે. જેની સ્થાપના 1150માં થઈ હતી. તે જૂનું કાલીમંદિર તરીકે ઓળખાય છે. આ સિવાય આર્કિયૉલૉજિકલ મ્યુઝિયમ, રાખીતબાટી સ્થળ જોવાલાયક છે. વિવિધ મંદિરો આ શહેરમાં આવેલાં છે. આ સિવાય પાન્સકુરા નગર ‘Valley of Flowers’ તરીકે જાણીતું  બન્યું છે. મહિસાદલ ખાતે મંદિર અને મ્યુઝિયમ આવેલાં છે. દીઘા ખાતે સમુદ્ર રિસોર્ટ આવેલા છે. અનેક પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. આ સ્થળ બંગાળના ઉપસાગરના ઉત્તર છેડે આવેલું છે. મંદારમની જ્યાં વસાહત નથી પરંતુ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે અને નાનું મત્સ્ય બંદર છે. આ જિલ્લાનું મુખ્ય બંદર હલ્દિયા છે.

બરગાભીમા મંદિર

નીતિન કોઠારી