પૂર્વમીમાંસાદર્શન

January, 1999

પૂર્વમીમાંસાદર્શન : પ્રાચીન ભારતનાં છ આસ્તિક દર્શનોમાંનું એક દર્શન. પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્યમાં કર્મકાંડ અને તત્ત્વજ્ઞાન એ બે વિષયની ચર્ચા પ્રાય: જોવા મળે છે. આમાં કર્મકાંડ વિશેની સૂક્ષ્મ વિચારણા પૂર્વમીમાંસાદર્શનમાં અને તત્ત્વજ્ઞાનવિષયક સૂક્ષ્મ વિચારણા ઉત્તરમીમાંસાદર્શન કે વેદાંતદર્શનમાં પ્રાપ્ત થાય છે. પૂર્વમીમાંસાદર્શનમાં કર્મકાંડની વાત હોવાથી તેને ‘કર્મમીમાંસાદર્શન’ કહે છે. આ દર્શનમાં સૂક્ષ્મ વિચારણા હોવાથી તેને ‘મીમાંસાદર્શન’ પણ કહે છે. મનુષ્યને કર્મમાં પ્રેરણા આપનારો ધર્મ છે તેથી તેને ‘ધર્મમીમાંસા’ કહે છે. આ ધર્મ જ પૂર્વમીમાંસાદર્શનનું પ્રયોજન હોવાથી તેના પ્રથમ સૂત્રમાં  अथातो धर्मजिज्ञासा એમ કહ્યું છે. આ દર્શનમાં વેદવિહિત ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. આ દર્શનના કર્તા મહર્ષિ વ્યાસના શિષ્ય જૈમિનિ છે. આ દર્શન બાર અધ્યાયોનું બનેલું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ વૈદિક યજ્ઞમાં થતી પશુહિંસા વિશે બૌદ્ધો અને જૈનોના વિરોધોનું ખંડન કરી વેદના ધર્મને સુવ્યવસ્થિત કરવાનો અને તેને દૃઢ તર્કથી સ્થાપવાનો છે.

જૈમિનિએ બાર અધ્યાયોમાં વહેંચાયેલાં સૂત્રોની રચના ઈ. સ. પૂ. 400માં કરી છે. એને ‘મીમાંસાસૂત્રો’ એવા નામે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ અધ્યાયમાં વિધિપ્રમાણ, અર્થવાદ, મંત્રપ્રમાણ, સ્મૃતિપ્રમાણ, ઉદિભજ્ અને ચિત્ર વગેરે પ્રમાણોની વાત કરી છે. બીજા અધ્યાયમાં અપૂર્વબોધક, અપૂર્વ સદભાવ, ધાતુભેદ, પુનરુક્તિ, રથન્તર, નિત્ય અને કામ્ય વગેરે કર્મના પ્રકારો વર્ણવ્યા છે. ત્રીજા અધ્યાયમાં શ્રુતિ, વાક્ય, પ્રકરણ, લિંગ વગેરે પ્રમાણોનું સૂક્ષ્મ નિરૂપણ તથા પ્રતિપત્તિ, અધીત અને પ્રયાજ વગેરેનું વર્ણન છે. ચોથા અધ્યાયમાં આમિક્ષા વગેરે પ્રધાન, પ્રધાનપ્રયોક્તા, વત્સાપકરણ, જુહૂ, અક્ષદ્યૂત વગેરેની સાથે ગોદોહના વિધિઓના અનુષ્ઠાનની વાત કરવામાં આવી છે. પાંચમા અધ્યાયમાં શ્રુતિપાઠ, વાજપેય, પંચપ્રયાજ, ક્રમ અને તેના નિયામકોની વાત છે. છઠ્ઠા અધ્યાયમાં કર્મના અને સત્રના અધિકારી, દર્શપૂર્ણમાસના કર્તા, કામ્યના અધિકારી અને અધિકારીના ધર્મો, પદાર્થલોપ, કાલાપરાધ વગેરે દોષોનાં પ્રાયશ્ચિત્ત, દીક્ષા, ઉપનયન અને સ્થપતીષ્ટિ વગેરેનું વર્ણન છે. સાતમા અધ્યાયમાં પ્રત્યક્ષવચન, અગ્નિહોત્ર, નિર્વાપ, ઔષધ, દ્રવ્ય અને લિંગ વગેરેના અતિદેશની રજૂઆત છે. આઠમા અધ્યાયમાં સ્પષ્ટ અને અસ્પષ્ટ લિંગ વડે વિશેષ, અતિદેશ અને તેના વિધિનું નિરૂપણ છે. નવમા અધ્યાયમાં ઊહ, સામોહ, મન્ત્રોહ વગેરેનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. દસમા અધ્યાયમાં બાધ અને તેના હેતુ, નક્ષત્રેષ્ટિ, ઉપહોમ, ગ્રહ, ષોડશીગ્રહ, સામવિચાર, હવિર્ભેદ, અનુયાજમાં નઞ્-અર્થવિચાર વગેરેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. અગિયારમા અધ્યાયમાં તંત્ર અને આવાપની સોદાહરણ ચર્ચા આપી છે. બારમા અધ્યાયમાં પશુ, પુરાડોશ, સવનીયપશુતંત્ર વગેરેનું વર્ણન છે. પૂર્વમીમાંસાદર્શનમાં 12 અધ્યાયોના 48 પાદને બદલે 60 પાદ છે એ તેની વિશિષ્ટતા છે.

જૈમિનિનાં આ મીમાંસાસૂત્રો પર બીજી સદીમાં શબરસ્વામીએ શાબર ભાષ્ય રચ્યું છે. એમાં જૈમિનિનાં સૂત્રોની વિસ્તૃત સમજૂતી પ્રમાણો અને દાખલાદલીલો સાથે આપવામાં આવી છે. શાબર ભાષ્ય પાતંજલવ્યાકરણમહાભાષ્ય અને શાંકર ભાષ્ય જેટલું જ સુંદર છે. સાતમી સદીમાં શાબર ભાષ્યની સમજ આપતા સ્વતંત્ર ગ્રંથો પ્રભાકર અને કુમારિલ ભટ્ટે લખ્યા છે. એમાં કુમારિલના પ્રમાણવાર્તિક, શ્ર્લોકવાર્તિક અને તંત્રવાર્તિક અત્યંત પ્રસિદ્ધ છે. પ્રભાકર અને કુમારિલ બંને ગુરુશિષ્ય હોવા છતાં બંને વચ્ચે તીવ્ર મતભેદો છે. પ્રભાકરના અનુયાયીઓને ગુરુમતાનુયાયી કે પ્રાભાકર કહેવામાં આવે છે. જ્યારે કુમારિલ ભટ્ટના અનુયાયીઓને ભાટ્ટમતાનુયાયી કે ભાટ્ટ કહે છે. એ બંનેના મતોને બદલે ત્રીજો મત સ્થાપનારા મુરારિ મિશ્ર કુમારિલના શિષ્ય છે. કુમારિલના અભિહિતાન્વયવાદમાં આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિને લીધે અભિધા નામની શબ્દશક્તિથી પદોના વાચ્યાર્થો મળ્યા પછી તેમનો અન્વય થઈ તાત્પર્ય નામની વાક્યશક્તિથી વાક્યનો વિશેષ તાત્પર્યાર્થ મળે છે. જ્યારે પ્રભાકરના અન્વિતાભિધાનવાદમાં પદોનો અભિધાથી મળતો વાચ્યાર્થ એ જ વાક્યાર્થ છે માટે તાત્પર્યશક્તિ માનવાની જરૂર નથી. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ બંને મતો મહત્ત્વના છે.

પ્રભાકર ન્યાયદર્શનનાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણોમાં અર્થાપત્તિ નામના પ્રમાણને સ્વીકારી પાંચ પ્રમાણો માને છે. કુમારિલ પ્રભાકરનાં પાંચે પ્રમાણોમાં અભાવ કે અનુપલબ્ધિ એ છઠ્ઠું પ્રમાણ સ્વીકારી છ પ્રમાણો માને છે. ઉપરાંત, વેદોનું તાત્પર્ય નક્કી કરવા માટે (1) શ્રુતિ, (2) લિંગ, (3) વાક્ય, (4) પ્રકરણ, (5) સ્થાન અને (6) સમાખ્યા  એ છ સહાયકોને પણ આ દર્શન પ્રમાણ માને છે. મીમાંસાદર્શન વેદના (1) વિધિ, (2) મંત્ર, (3) નામધેય, (4) નિષેધ અને (5) અર્થવાદ  એવા પાંચ વિભાગો પાડે છે. મીમાંસાદર્શનનું તાત્પર્ય વિધિમાં છે. એ વિધિના ચાર પ્રકારો પ્રસ્તુત દર્શનમાં ગણાવ્યા છે : (1) ઉત્પત્તિવિધિ કે જે કર્મનું સ્વરૂપ બતાવે, (2) વિનિયોગવિધિ કે જે મુખ્ય અનુષ્ઠાનનો સંબંધ બતાવે, (3) અધિકારવિધિ કે જે ધર્મ કરવાથી ઉત્પન્ન થયેલાં ફળની માલિકી બતાવે અને (4) પ્રયોગવિધિ કે જે પ્રયોગની શીઘ્રતા જણાવે. આ વિધિ મુજબ વેદનાં લખાણના ભાગો પાડવામાં આવ્યા છે.

પૂર્વમીમાંસાદર્શનમાં કર્મ વિશેનો અભિગમ અન્ય દર્શનો કરતાં વિલક્ષણ છે. આ દર્શન નિત્ય, નૈમિત્તિક અને કામ્ય  એ ત્રણ પ્રકારનાં કર્મોને સ્વીકારે છે. એમાં સંધ્યાવંદન જેવાં રોજ કરવાનાં કર્મોને નિત્ય કર્મો કહે છે. નિત્યકર્મો કરવાનું ફળ કશું નથી, પરંતુ ન કરવાથી પ્રત્યવાય લાગે છે. દર્શપૂર્ણમાસેષ્ટિ જેવાં ચોક્કસ નિમિત્ત કે પ્રસંગ આવે ત્યારે જ કરવાનાં કર્મોને નૈમિત્તિક કર્મો કહે છે. આ નૈમિત્તિક કર્મો કરવાથી તેનું ફળ મળે છે. નિત્યકર્મોની જેમ નૈમિત્તિક કર્મો પણ અનિવાર્યપણે કરવાં પડે છે. જ્યોતિષ્ટોમ વગેરે યજ્ઞો જેવાં ચોક્કસ કામનાથી કરવામાં આવતાં કર્મો કામ્ય કર્મો છે. કામ્ય કર્મો સાચો અધિકારી કરે તો તેનું ફળ મળે છે, અન્યથા નથી મળતું.

મીમાંસાદર્શન મુજબ કર્મો અને તેમનાં ફળો વચ્ચેનો અનિવાર્ય સંબંધ સ્થાપનાર ઈશ્વર નહિ, અષ્ટ કે અપૂર્વ છે. અપૂર્વ એટલે કર્મથી ઉત્પન્ન થતી ભાવના કે જેનાથી કર્મનું ફળ ઉત્પન્ન થાય છે. પ્રભાકર અપૂર્વને નિયોગ શબ્દ વડે ઓળખે છે. કુમારિલના મતે નિત્ય આત્મામાં કર્મ થયા પછી અપૂર્વ ઉત્પન્ન થાય છે. એ પછી કર્મનું ફળ આપીને અપૂર્વ નાશ પામે છે. પ્રભાકરના મતે અપૂર્વ આત્મામાં નહિ, પરંતુ કર્મમાં નિયુજ્ય રહેતું હોવાથી તેને નિયોગ કહે છે.

સૂક્ષ્મ રીતે જોતાં પૂર્વમીમાંસામાં કર્મકાંડની વાત કરતાં કર્મવાદની વાત વધુ છે. કર્મનું ફળ આપનાર ઈશ્વર ન હોવાથી મનુષ્યે નિષ્કામ કર્મો કરવાં એ જ મહત્ત્વનું છે. કુમારિલ ભટ્ટ કર્મ અને જ્ઞાનના સમુચ્ચય પર ભાર મૂકે છે. નિષ્કામ કર્મો કરવાથી અંત:કરણ શુદ્ધ થાય છે. શુદ્ધ અંત:કરણ વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ મોક્ષપ્રાપ્તિનું મૂળ નિષ્કામ કર્મમાં રહેલું હોવાની મીમાંસાદર્શનની માન્યતા છે.

મીમાંસાદર્શનમાં વેદની ધર્મપરક વ્યાખ્યા કરીને વેદ ન માનનારા બૌદ્ધ અને જૈન મતનું ખંડન કરવામાં આવ્યું છે. પૂર્વમીમાંસા બધાં પ્રમાણોને સ્વત: પ્રમાણ માને છે તેથી બધાં પ્રમાણોને પરત: પ્રમાણ માનનારાં ન્યાય અને વૈશેષિક દર્શનોનું ખંડન મીમાંસાદર્શને કર્યું છે. ફલત: ન્યાય અને વૈશેષિક દર્શનો વેદોને પૌરુષેય માને છે, જ્યારે પૂર્વમીમાંસાદર્શન વેદોને અપૌરુષેય માને છે. ન્યાય અને વૈશેષિક દર્શનો ઈશ્વરનું વિધાન કરે છે, જ્યારે પૂર્વમીમાંસાદર્શન ઈશ્વરને સ્વીકારતું નથી એટલે નિરીશ્વરવાદી છે. પૂર્વમીમાંસાદર્શનના સ્થાપક આચાર્ય જૈમિનિ સ્પષ્ટ રીતે નિરીશ્વરવાદી છે. પ્રભાકર અને કુમારિલ ભટ્ટ જેવા સમર્થ મીમાંસકો અજ્ઞેયવાદી છે. તેઓ ઈશ્વરના અસ્તિત્વના વિરોધી નથી. આગળ જતાં 1700માં આપદેવ અને લૌગાક્ષિભાસ્કરે પૂર્વમીમાંસા-દર્શનમાં ઈશ્વરવાદનો સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કર્યો. એ પછી વેદાન્તદેશિક નામના પ્રખ્યાત લેખકે તો ‘સેશ્વરમીમાંસા’ એવા નામનો  ગ્રંથ લખ્યો અને ઈશ્વરના તત્ત્વનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો એ નોંધપાત્ર છે. પૂર્વમીમાંસાદર્શન આ રીતે સાંખ્યદર્શનની જેમ નિરીશ્વરવાદી હતું, પરંતુ પાછળથી સાંખ્યની જેમ જ સેશ્વરવાદી બન્યું એ તેની વિકાસયાત્રા ધ્યાન ખેંચે તેવી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી