સોમૈયા, ભાવના  (જ. 7 સપ્ટેમ્બર 1950, મુંબઈ) : પ્રસિદ્ધ ફિલ્મપત્રકાર, વિવેચક અને લેખિકા.

ભાવના સોમૈયાનું શાળેય શિક્ષણ સાયનની અવર લેડી ઑવ્ ગુડ કાઉન્સેલ હાઈસ્કૂલમાં થયું હતું. તેઓ મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં. મુંબઈ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી એલએલ.બી.નો અને પછી મુંબઈની કે. સી. કૉલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો. તેમણે અંધેરીના વલ્લભ સંગીતાલયમાંથી ભરતનાટ્યમની તાલીમ પણ લીધી હતી.

તેમણે 1978માં ફિલ્મપત્રકાર અને કટારલેખક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ફિલ્મસાપ્તાહિકમાં ‘કેઝ્યુઅલી સ્પીકિંગ’ કટાર શરૂ કરી. પછી તેમણે જન્મભૂમિ, ધ હિન્દુસ્તાન ટાઇમ્સ, ધ ઑબ્ઝર્વર, ધ હિન્દુ, આફ્ટરનૂન અને ઇન્ડિયન એક્સપ્રેસમાં કટાર લેખન કર્યું છે. ‘સુપર’ સામયિકમાં કામ કર્યા પછી તેઓ ‘મૂવી’ સામયિકમાં સહસંપાદિકા તરીકે જોડાયાં. 1989માં ‘જી’ સામયિકનાં સંપાદિકા બન્યાં. 2002થી 2007 સુધી ફિલ્મસાપ્તાહિક ‘સ્ક્રીન’નાં સંપાદક તરીકે તેમણે સુપેરે કામ કર્યું. તે પછી તેમણે ‘કામયાબ’, ‘ભાવના’, ‘આજ કા એમએલએ રામાવતાર’ અને ‘મૈં આઝાદ હું’ ફિલ્મોમાં અભિનેત્રી શબાના આઝમીના કૉસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું.

1999  તેમણે ‘ Amitabh Bachchan : The Legend’ પુસ્તક લખી લેખિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. એ પછી તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘Salaam Bollywood : The Pain and the Passion’, ‘Take 25 : Star Insights & Attiudes’, ‘The Story So Far’, ‘Lata Mangeshkar,  Hema Malini : The Authorized Biography, Bachchanalia : The Films and Memorabilia of Amitabh Bachchan’, ‘ Amitabh Lexicon’ વગેરે મુખ્ય છે. તેમનાં પુસ્તકો મનીપાલ યુનિવર્સિટી અને જે.એન.યુ. યુનિવર્સિટીમાં સિનેમાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંદર્ભ પુસ્તકો તરીકે સ્થાન પામ્યાં છે.

2008માં તેઓ ટેલિવિઝન પ્રોડક્શન કંપની ‘સ્વસ્તિક પિક્ચર્સ’માં જોડાયાં. ટીવી શ્રેણી ‘અંબરધારા’માં મીડિયા સલાહકાર બન્યાં. તેમણે બિગ એફએમ 92.7 રેડિયો સ્ટેશનમાં કામ કર્યું. તેમણે ફિલ્મ સેન્સર બોર્ડની સલાહકાર પૅનલમાં પણ કામ કર્યું છે.

ભારત સરકાર દ્વારા તેમને 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

અનિલ રાવલ