હસન, રઘુ (ડૉ.) (જ. 18 જાન્યુઆરી 1954) : સ્વદેશીના પ્રચારક.
વર્ષ 2025માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત 71 વર્ષીય ડૉ. હસન રઘુ કર્ણાટકના રામનગરમાં ચાલતા સ્વદેશી લોકયુદ્ધ કલા કેન્દ્રના સ્થાપક અને નિર્દેશક છે. માત્ર 17 વર્ષની વયે 1971માં ભારત–પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તોપખાના ડિવિઝનમાં યશસ્વી કામગીરી બદલ તેમને સંગ્રામ પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1978માં પુણે ખાતેની શારીરિક શિક્ષણ અને એન.એસ.એન.આઈ.એસ. દક્ષિણના જિમ્નેસ્ટિક શિક્ષક તરીકેની કામગીરી સંભાળી. આ સમય દરમિયાન તેમણે ફિલ્મોમાં સ્ટન્ટમૅન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. 1980માં ઍક્શન ડાયરેક્ટર બનેલ ડૉ. રઘુએ બેરોજગાર યુવાનો માટે સ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ટીવી અને ફિલ્મોમાં કામ કરતા કલાકારોને પ્રોત્સાહિત કરવાનો હતો. તેમણે આ સંસ્થા દ્વારા ભારતમાં દસ હજારથી વધુ કલાકારો તથા 300થી વધુ માસ્ટરોને શિક્ષિત કરી કલાના ક્ષેત્રમાં ફિલ્મ, ટીવી, થિયેટર, મંચ પ્રદર્શનમાં પોતાની કારકિર્દી ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

રઘુ હસન (ડૉ.)
દક્ષિણ ભારતની 150થી વધુ ફિલ્મોમાં સ્ટન્ટમૅન તરીકે કામ કરી ચૂકેલ ડૉ. રઘુ વર્ષ 1986માં કર્ણાટક સરકારે કન્નડ ફિલ્મ ‘દુર્ઘટના’ માટે સર્વશ્રેષ્ઠ ઍક્શન પુરસ્કારથી સન્માનિત કર્યા. દક્ષિણ ભારતમાં તેમની સેવાઓનો લાભ રાજ્ય કામદાર વેલફેર ફંડ સમિતિના બોર્ડમાં સભ્ય તરીકે, કર્ણાટક સિને સ્ટન્ટ ડાયરેક્ટર્સ ઍસોસિયેશનના સંસ્થાપક સચિવ, ઉપાધ્યક્ષ અને એવી બીજી અનેક સંસ્થાઓને મળ્યો છે.
દિલ્હી, બૅંગાલુરુ અને વારાણસી જેવાં શહેરોની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં 1994થી વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે પણ કાર્યરત છે. આ સિવાય 2011થી અખિલ ભારત શૌર્ય કલા મહોત્સવ શૌર્ય પર્વનું આયોજન પણ કરે છે. આવા 14 રાષ્ટ્રીય ઉત્સવોનાં આયોજન પૈકી ત્રણ આયોજન તેમણે ભારત લોકકલા તથા આદિવાસી કલા મહોત્સવનાં કરેલ છે. આવાં આયોજનો ભારતનાં 18 રાજ્યોમાં યોજાયાં છે.
વર્ષ 2010થી 2017 સુધી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય લોક અને સ્વદેશી કલા સમિતિના વિશેષજ્ઞ સભ્ય તરીકે પણ સેવાઓ આપી ચૂકેલ ડૉ. રઘુએ કર્ણાટક જનપદ એકૅડેમીના સભ્ય તરીકે, કર્ણાટક લોકકથા વિશ્વ- વિદ્યાલયના સિન્ડિકેટ સભ્ય, સ્વદેશી માર્શલ આર્ટ અધ્યયન બોર્ડમાં બે વર્ષ સુધી અધ્યક્ષ તરીકે તથા ગુરુ-શિષ્ય પરંપરા યોજના અધ્યયનના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે.
ડૉ. રઘુની આવી અનેકવિધ સેવાકીય પ્રવત્તિઓથી પ્રેરાઈને કર્ણાટક ફોકલોર વિશ્વવિદ્યાલય, હવેરીએ વર્ષ 2024માં તેમને (કર્ણાટક સરકારે) માનદ્ ડૉક્ટરેટની ઉપાધિથી સન્માનિત કર્યા છે.
જગદીશ શાહ