ચાફેકર બંધુઓ : માતૃભૂમિ માટે બલિદન આપનાર ક્રાંતિકારી બંધુઓ.

પૂનાના ચાફેકર પરિવારના ત્રણ સગા ભાઈઓ – દામોદર, બાળકૃષ્ણ અને વાસુદેવ – આ ત્રણેય હરિ ચાફેકરનાં સંતાનો. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ ત્રણેય ભાઈઓની રુચિ શસ્ત્રોમાં હતી. પિતા હરિ ચાફેકર કીર્તનકાર અને બ્રાહ્મણ હોવાની સાથોસાથ શસ્ત્રપ્રેમી હતા. શસ્ત્રવિમુખ પ્રજા આપોઆપ વીરતાવિમુખ થઈ જતી હોય છે એવું તેઓ સ્પષ્ટ માનતા. તેથી તેમણે ત્રણેય દીકરાઓને શસ્ત્રવિદ્યા પણ શીખવી હતી.

આ ચાફેકર પરિવાર લોકમાન્ય તિલકના સંપર્કમાં આવવાથી રાષ્ટ્રીય રંગમાં રંગાઈ ગયો હતો. હરિ ચાફેકરના મોટા દીકરા દામોદરને થયું કે અંગ્રેજોની ગુલામીમાંથી છૂટવું હોય તો બહાદુર બનવું જોઈએ. તેથી તે ત્રણ ત્રણ વાર સેનામાં ભરતી થવા માટે ગયો પણ કોઈ ને કોઈ બહાના હેઠળ તેને નાપાસ જાહેર કરવામાં આવતો. તેમ છતાં તે હિંમત ના હાર્યો અને તેણે ‘હિન્દુ ધર્મરક્ષિણી’ એવી પોતાની જ સેના બનાવી.

એ સમયે પ્લેગના કારણે પૂના આસપાસનાં ક્ષેત્રમાં માણસો મરવા લાગ્યા હતા. ત્યારે પૂનામાં કમિશનર રેન્ડ હતા. જે બહુ કઠોર અને ક્રૂર હતા. તેણે ગામોનાં ગામો સળગાવી દીધાં હતાં જેથી પ્લેગનાં જંતુઓ નાશ પામે. જંતુઓ તો બહુ નાશ ન પામ્યાં પણ લોકો ઘરબાર વગરના થઈ ગયા અને વગર મોતે મરવા લાગ્યા હતા. એ જ વખતે મહારાણી વિક્ટોરિયાના રાજ્યારોહણનો હીરક મહોત્સવ ઊજવવાની તડામાર તૈયારી ચાલતી હતી.  રેન્ડના ત્રાસથી પ્રજા કંટાળી ગઈ હતી. દામોદરનું લોહી ઊકળી ઊઠ્યું હતું. એણે રેન્ડને ખતમ કરવા એક પછી એક યોજનાઓ બનાવી, પણ સફળતા ન મળી. તા. 22-6-1897ના રોજ રેન્ડ ચર્ચમાંથી નીકળી બહાર બગીમાં બેસીને તેના બંગલે જઈ રહ્યા હતા ત્યારે બગીના પાછળના પગથિયેથી ચઢી જઈને દામોદરે બંદૂકમાંથી ગોળીઓ છોડી અને રેન્ડ ઢળી પડ્યા. નાના ભાઈ બાલકૃષ્ણે આયરિસ્ટને ઠાર કર્યો અને બંને ભાઈઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. રેન્ડ અને આયરિસ્ટની હત્યાથી બ્રિટિશ સલ્તનત હચમચી ગઈ હતી. બંને ભાઈઓને પકડવા માટે એ સમયે રૂ. 20000/-નું ઇનામ જાહેર થયું હતું. ઇનામની લાલચમાં ચાફેકરે જે પક્ષ રચેલો તેના જ સદસ્ય અને બ્રાહ્મણ એવા ગણેશશંકર દ્રવિડ અને રામચંદ્ર દ્રવિડે દામોદરને પકડાવી દીધા. દામોદર તો પકડાયો પણ બાલકૃષ્ણ ભાગી ગયા હતા.

દામોદર ઉપર કેસ ચાલ્યો અને તેને ફાંસીની સજા જાહેર થઈ. આ સમય દરમિયાન લોકમાન્ય ટિળક તેમને બે વાર મળવા આવ્યા હતા અને દામોદરે તેમની પાસે શ્રીમદ્ ભગવદગીતા માગી હતી. તા. 18-4-1898નો એ દિવસ આવ્યો અને દામોદરને ફાંસી આપવામાં આવી. તેના પ્રાણ છૂટી ગયા હતા, પણ હાથમાંથી ગીતા છૂટી ન હતી.

દામોદરને ફાંસી મળ્યા બાદ નાનો ભાઈ બાલકૃષ્ણ જાતે જ પોલીસને હવાલે થઈ ગયો હતો અને તેને પણ ફાંસીની સજા મળી હતી.

સૌથી નાનો ભાઈ વાસુદેવ કોઈ અપરાધમાં ન હતો તોપણ તેમણે પોતાના ભાઈઓના માર્ગે જ ચાલવાનું નક્કી કર્યું હતું. હવે કોઈ ક્રૂર અંગ્રેજ નિશાન પર ન હતો પણ હવે નિશાને પર હતા પેલા બંને દ્રવિડ બંધુઓ. જેણે ગદ્દારી કરીને દામોદરની બાતમી આપી દીધેલી. વાસુદેવે એક યોજના બનાવી. બંને ગદ્દારોની રાહ જોઈને વાસુદેવ અને મહાદેવ રાનડે ઊભા રહ્યા. પેલા બંને દ્રવિડ બંધુઓ નીકળ્યા અને ધડાધડ કરતી ગોળીઓ છૂટી. ગણેશશંકર દ્રવિડ તો ત્યાં જ મૃત્યુ પામ્યા અને રામચંદ્ર દ્રવિડનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું. બંને ગદ્દારોને મોતને ઘાટ ઉતારી વાસુદેવે પોતાના બે ભાઈઓનું શ્રાદ્ધ કર્યું. બંને પકડાઈ ગયા, કેસ ચાલ્યો અને ફાંસીની સજા થઈ. વાસુદેવને 8મી મે, મહાદેવ રાનડેને 10મી મે અને બાલકૃષ્ણ ચાફેકરને 12મી મે, 1899ના રોજ ફાંસી અપાઈ હતી. ફાંસીના માંચડે લટકતી વખતે પણ તેમના મુખમાં ‘ભારત માતા કી જય’ના શબ્દો ગુંજતા હતા.

પૂરો દેશ ‘રાષ્ટ્ર’ કહેવાય જ્યારે તેનો એક નાનો પ્રાંત ‘મહારાષ્ટ્ર’ કહેવાય છે તે આવા ક્રાંતીવીરોના બલિદાનને કારણે જ.

અશ્વિન આણદાણી