અગ્રવાલ, ડૉ. શ્યામબિહારી

July, 2025

અગ્રવાલ, ડૉ. શ્યામબિહારી (જ. 1942, પ્રયાગરાજ, સિરસા, ઉત્તરપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ભારતની બશોલી, કાંગડા, મેવાડ ચિત્રપરંપરા તથા આધુનિક બંગાળ શૈલીની ચિત્રકલાનો સમન્વય કરી ચિત્રસર્જન કરવા માટે જાણીતા ચિત્રકાર.

શ્યામબિહારી અગ્રવાલ

ઇલાહાબાદ યુનિવર્સિટીમાંથી ચિત્રકલાના આરંભિક પાઠ શીખ્યા પછી તેઓ કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાંથી કલાના સ્નાતક થયા. ત્યારબાદ ઇલાહાબાદ યુનિવર્સિટીમાં ચિત્રકાર ક્ષિતીન્દ્રનાથ મજુમદાર હેઠળ ફ્રેસ્કો (ભીંતના પ્લાસ્ટર પર સીધું ચિત્રણ કરવાની કલા) શીખ્યા, ઉપરાંત શિલ્પકલા પણ શીખ્યા. મેવાડ શૈલીમાં તેમણે આલેખેલ ચિત્ર ‘વેણીગૂંથન’ માટે 1965ના વર્ષનો ‘ઇંદુરક્ષિતા’ ઍવૉર્ડ તેમને મળ્યો. 1968માં કૉલકાતા ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાની અનુસ્નાતક પદવી મેળવી. 1984થી 2004 સુધી તેમણે ઇલાહાબાદ યુનિવર્સિટીના લલિતકલા વિભાગમાં ચિત્રકલાના પ્રાધ્યાપક પદ પર સેવા આપીને અનેક ચિત્રકારોને તૈયાર કર્યા. ‘ભારતીય ચિત્રકલામાં રીતિકાલીન સાહિત્યની અભિવ્યક્તિ’ વિષય પર તેમણે તૈયાર કરેલા મહાનિબંધને 1979માં પીએચ.ડી.ની ઉપાધિ મળી. ઇલાહાબાદ  પ્રયાગ સંગીત સમિતિમાં તેમણે દૃશ્યકલા-સંકુલની સ્થાપના કરી. ખેરાગઢ ખાતે ઇન્દિરા કલાસંગીત વિશ્વવિદ્યાલયમાં ચિત્રકલાના મુલાકાતી પ્રોફેસર તરીકે સેવા આપી. ઉત્તરપ્રદેશ લલિતકલા એકૅડેમી(લખનઉ)ના કલા ત્રૈમાસિકનું વર્ષો સુધી સંપાદન કર્યું. ક્ષિતીન્દ્રનાથ મજુમદાર વિશે એક પુસ્તક લખ્યું. ઉપરાંત ‘ભારતીય ચિત્રકલા ઔર કાવ્ય’ તથા ‘ભારતીય ચિત્રકલા કા ઇતિહાસ’, ‘આકૃતિચિત્રણ ઔર રચના’ હિંદી ભાષામાં પુસ્તકો લખ્યા.

2025માં ભારત સરકારે તેમને પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજ્યા.

અમિતાભ મડિયા