ઉંગારેત્તિ, જ્યુસેપ (જ. 10 ફેબ્રુઆરી 1888, ઍલેક્ઝાન્ડ્રિયા; અ. 1 જૂન 1970, મિલાન) : ઇટાલિયન કવિ. સાહિત્યના નોબેલ પારિતોષિકવિજેતા ઇટાલિયન કવિઓ યૂજેન મોન્તાલે અને ક્વાસીમોદો સાથે ઉંગારેત્તિ આધુનિક નવીન ઇટાલિયન કવિતા અને ‘હર્મેટિક’ આંદોલનના ઘડવૈયા ગણાય છે. તે 24 વર્ષના થયા ત્યાં સુધી ઍલેક્ઝાંડ્રિયામાં વસતા હતા. 1912માં તે પૅરિસ આવ્યા અને સોબોર્નમાં અભ્યાસ કરતાં એપોલીનેઇર ગીલોમ, ચાર્લ્સ પેગુઇ અને પૉલ વાલેરી જેવા કવિઓ અને પાબ્લો પિકાસો, બ્રાક જેવા કલાકારોના સંપર્કમાં આવ્યા. ફ્રેંચ કવિ માલાર્મેની પ્રતીકવાદી કવિતાનો તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો હતો.
પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) શરૂ થતાં તે ઇટાલિયન લશ્કરમાં જોડાયા અને રચનાતારીખ સાથે કાવ્યો લખ્યાં. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ બરિડ પૉર્ટ’ 1916માં પ્રગટ થયો. આ કાવ્યોમાં પ્રાસ કે વિરામચિહનો નથી. તેમજ તે પરંપરાવાદી સ્વરૂપમાં નથી. તેમાં મુક્તિ, તાજગી અને તીવ્રતા છે. ‘ગે શિપરેકસ’(1919)નાં કાવ્યોમાં ઇટાલિયન કવિ લિયૉપાર્દીનો પ્રભાવ છે. ‘ધ ફીલિંગ ઑવ્ ટાઇમ’(1933)માં 1919થી 1932 દરમિયાન લખેલ કાવ્યો છે અને તેમાં ભાષા અને પ્રતીકો દુર્બોધ છે. 1936થી 1942 સુધી તે દક્ષિણ અમેરિકા ગયા અને બ્રાઝિલમાં ઇટાલિયન સાહિત્યના અધ્યાપક બન્યા. અહીં તેમનો નવ વર્ષનો પુત્ર મૃત્યુ પામ્યો તેની વેદના અને નાઝીવાદના જુલ્મો પ્રતિ આક્રોશ તેમણે ‘ઇલ હોલોરે’ (1947) કાવ્યસંગ્રહમાં વ્યક્ત કર્યો છે. તેમણે ‘પોએઝિયા પ્યૉરા’નો પ્રચાર કર્યો. કવિતામાં કવિના અંતરમાં જન્મતી ઊર્મિ કે વિચારધારા તેમણે તાત્કાલિક વ્યક્ત કરવી જોઈએ એમ તેમનું કહેવું હતું. 1942થી 1957માં નિવૃત્ત થતાં સુધી તેમણે યુનિવર્સિટી ઑવ્ રોમમાં સમકાલીન ઇટાલિયન સાહિત્યના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ‘ધ પ્રોમિસ્ડ લૅન્ડ’ (1950) ‘ઍન ઓલ્ડ મેન્સ નોટબુક’ (1960), ‘ડેથ ઑવ્ ધ સિઝન્સ’ (1967) તેમના મહત્વના કાવ્યસંગ્રહો છે.
તેમણે રાસિનના ફ્રેન્ચ નાટક ‘ફ્રેદે’નો ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો તેમજ અંગ્રેજીમાંથી શેક્સપિયરનાં સૉનેટોનો, સ્પૅનિશમાંથી લુઈ દે ગોન્ગોરા ય આર્ગોતની કૃતિઓનો અને માલાર્મે તથા વિલિયમ બ્લૅકનાં કાવ્યોનો અનુવાદ કર્યો. ‘ધ લાઇફ ઑવ્ એ મૅન’(અં.ભા. 1958)માં ‘ધ બરિડ પૉર્ટ’ અને ‘જોય’નો સમાવેશ થાય છે. 1968માં તેમની કૃતિ ‘ડાયલૉગો’ પ્રગટ થઈ હતી. મૅન્ડલબૉમે તેમનાં કેટલાંક કાવ્યોનો ‘સિલેક્ટેડ પોયેમ્સ’(1975)માં અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
કૃષ્ણવદન જેટલી