ટ્રામ : કૉલકાતાની 150 વર્ષ જૂની અને ઐતિહાસિક ટ્રામ. એ સેવા સંપૂર્ણપણે બંધ થઈ રહી છે એવો નિર્ણય રાજ્ય સરકારે લઈ લીધો છે. પશ્ચિમ બંગાળના પરિવહનમંત્રી સ્નેહાશીષ ચર્કવર્તીએ જણાવ્યું કે, ‘એક હેરિટેજ ટ્રામ તરીકે એસપ્લેન્ડથી ગરિયાહાટ વચ્ચેની ટ્રામસેવા ચાલુ રહેશે જેનો પ્રવાસીઓ આનંદ માણી શકશે.’
2011માં કૉલકાતાના 37 રૂટ પર 61 કિલોમીટરમાં ટ્રામસેવા ચાલુ હતી જેમાં 7000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા. કોરોના જેવી મહામારી પછી 2022માં ફક્ત બે રૂટ પર અને 12 કિલોમીટરમાં જ ટ્રામસેવા ચાલુ રહેવા પામી હતી. 2011માં 70,000થી વધુ મુસાફરો ટ્રામનો ઉપયોગ કરતા હતા તે 2022માં 5000થી 7000 સુધી આવી ગયો હતો. 2018થી રાજ્ય સરકારે ટ્રામસેવામાં મૂડીરોકાણ બંધ કરી દીધું હતું. સડકો સાંકડી થઈ જવાને લીધે અને દિન-પ્રતિદિન ટ્રાફિક વધી જવાથી તેમજ ટ્રાફિક જામ થઈ જવાથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલકાતા શહેરમાં ચાલતી ટ્રામ
ટ્રામસેવા બંધ થઈ, તેનો વિરોધ કરવાવાળા લોકોનું કહેવું છે કે જૂના દિવસોની યાદ અપાવતી એવી યાદગાર ટ્રામસેવા ચાલુ રાખવી જોઈએ. ભવ્ય ભૂતકાળની ઝાંખી સમાન આ ટ્રામસેવા ચાલુ રાખવામાં ફાયદો-નુકસાન ના જોવાં જોઈએ. કૉલકાતા ટ્રામ યૂઝર ઍસોસિયેશનના એક સભ્યએ તો બૂમબરાડા પાડીને કહેલું કે, ‘અમે લોકો સડક પર ઊતરી આવશું.’ પ્રશ્ન એ છે કે ટ્રામસેવા ચાલુ રાખવા માટે જે લોકો સમર્થન કરી રહ્યા છે એમણે છેલ્લાં દસ વર્ષમાં એક વાર પણ ટ્રામનો ઉપયોગ કર્યો નથી, કેમ કે ટ્રામ ખૂબ ધીમે ચાલે છે અને એમાં ગરમી પણ વધુ લાગે છે તેમજ ટ્રાફિકની સમસ્યાઓ પણ વધે છે.
ફેબ્રુઆરી, 2024માં કૉલકાતાની ટ્રામવેની દોઢસોમી જન્મજયંતી મનાવવામાં આવી ત્યારે જૂની-પુરાણી ટ્રામોની સૌંદર્યપરેડ જોવા મળી હતી. દુનિયાની સૌથી જૂની ટ્રામસેવા માટે કૉલકાતા અને મેલબોર્ન જાણીતાં છે. મેલબોર્નમાં ટ્રામ 1885માં શરૂ થઈ હતી જ્યારે કૉલકાતામાં ટ્રામ 1873માં શરૂ થયેલી જેને ઘોડા દ્વારા ખેંચવામાં આવતી હતી.
અશ્વિન આણદાણી