અલ્લુ અર્જુન

January, 2025

અલ્લુ અર્જુન (જ. 8 એપ્રિલ 1982, ચેન્નાઈ) : તેલુગુ સિનેમાના પ્રસિદ્ધ કલાકાર.

તેલુગુ સિનેમામાં ‘સ્ટાઇલિશ સ્ટાર’ અને ‘આઇકોન સ્ટાર’ તરીકે પ્રસિદ્ધિ મેળવ્યા પછી હાલ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ‘પુષ્પા – ઝુકેગા નહીં સાલા’ તરીકે પ્રસિદ્ધ અલ્લુ અર્જુનનો જન્મ ચેન્નાઈમાં દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ નિર્માતા અને વિતરક અલ્લુ અરવિંદ અને નિર્મલાને ત્યાં થયો. પ્રાથમિક શિક્ષણ ચેન્નાઈની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં મેળવ્યું. 1990ના દાયકામાં પિતા અને પરિવાર હૈદરાબાદમાં સ્થળાંતરિત થયા પછી હૈદરાબાદની એમજીઆર કૉલેજમાં બીબીએની ડિગ્રી મેળવી.

1985માં વિજેતા નામની ફિલ્મમાં બાળકલાકારની ભૂમિકા અને 2001માં ડાન્સરની ભૂમિકા અદા કરી. નાયક તરીકે પ્રથમ ફિલ્મ ‘ગંગોત્રી’ 2003માં રજૂ થઈ. 2004માં સુકુમારની ક્લાસિક આર્યમાં તેને નૅશનલ સ્પેશિયલ જ્યૂરી ઍવૉર્ડ મળ્યો. 2008માં રોમૅન્ટિક ડ્રામા પરુગુ માટે તેને તેલુગુ ભાષાની ફિલ્મો માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ એનાયત થયો. 2004થી 2018 સુધી તેલુગુ ફિલ્મોમાં અભિનય કરીને તેણે પ્રાદેશિક ભાષામાં પોતાનું સ્થાન મજબૂત કરી દીધું. વર્ષ 2021થી ‘પુષ્પા : ધ રાઇઝ’ સાથે અલ્લુ અર્જુનને રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મળી. લાલ ચંદનની દાણચોરીના વિષય પર આધારિત આ ફિલ્મ ડિસેમ્બર, 2021માં રિલીઝ થઈ અને રૂ. 350 કરોડથી વધારે કમાણી કરીને એ વર્ષે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. આ ફિલ્મ માટે અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો. આ ફિલ્મની સીક્વલ ‘પુષ્પા : 2 ધ રુલ’ 5 ડિસેમ્બર, 2024માં રિલીઝ થઈ, જેણે અત્યાર સુધી રૂ. 1,000 કરોડની કમાણી કરી લીધી છે.

6 માર્ચ, 2011ના રોજ અલ્લુ અર્જુને હૈદરાબાદમાં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યાં. દંપતીને બે સંતાનો છે – પુત્ર અયાન અને પુત્રી આર્હા. ફિલ્મો ઉપરાંત અલ્લુ અર્જુન વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ કાર્યરત છે અને 2016માં એમ કિચન્સ અને બફેલો વાઇલ્ડ વિંગ્સ સાથે 800 જ્યૂબિલી નામની નાઇટક્લબ શરૂ કરી છે.

સાથે સાથે અર્જુને આંધ્રપ્રદેશમાં પોતાના વતન પલાકોલ્લુના વિકાસ અને ક્ષીરા રામલિંગેશ્વરા મંદિરનો જીર્ણોદ્ધાર કરવા સારી રકમ આપવાની જાહેરાત પણ કરી છે. વળી તેણે 2019ની લોકસભાની ચૂંટણીમાં પલાકોલ્લુમાં કાકા પવન કલ્યાણની જન સેના પક્ષ માટે રાજકીય પ્રચાર પણ કર્યો હતો.

કેયૂર કોટક