ઝાયલિંગર, એન્ટન (Zeillinger, Anton) (જ. 20 મે 1945, રિડ ઈમ ઇન્ક્રીસ, ઑસ્ટ્રિયા) : ગૂંચવાયેલા ફોટૉન (entangled photon) પરના પ્રયોગો માટે, જેને કારણે બેલ અસમાનતાનું ઉલ્લંઘન પુરવાર થયું તથા ક્વૉન્ટમ માહિતી વિજ્ઞાનના પ્રારંભ માટે 2022નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે એન્ટન ઝાયલિંગર, આસ્પેક્ટ એલન તથા જ્હૉન ક્લૉસરને એનાયત થયો હતો.
એન્ટન ઝાયલિંગરે 1963થી 1971 સુધી યુનિવર્સિટી ઑવ્ વિયેનામાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓએ અહીંથી જ 1971માં ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે વિયેનાના એટમ ઇન્સ્ટિટ્યૂટ તથા યુ.એસ.એ.ની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં સંશોધન સહાયક તરીકે સંશોધનો હાથ ધર્યાં. 1980થી 1990ના દાયકામાં પ્રાધ્યાપક તરીકે વિયેના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ મ્યુનિક, યુનિવર્સિટી ઑવ્ ઇન્સબ્રૂક તથા યુનિવર્સિટી ઑવ્ વિયેનામાં સંશોધનકાર્યો કર્યા. 2013માં ઝાયરલિંગરે યુનિવર્સિટી ઑવ્ વિયેનામાં નિવૃત્ત પ્રાધ્યાપકનું પદ સ્વીકાર્યું. 2013થી 2022 દરમિયાન તેઓ ઑસ્ટ્રિયન ઍકૅડેમી ઑવ્ સાયન્સીઝના પ્રમુખ હતા.
તેઓ સ્વતંત્ર ક્યુબિકના ક્વૉન્ટમ સ્થળાંતર(quantum teleportation)ની સૌપ્રથમ પ્રાપ્તિ માટે સૌથી વધુ જાણીતા છે. આ કાર્ય વિકસાવીને તેઓએ કૅનરી આયલૅન્ડ વચ્ચેના 144 કિમી. વચ્ચે સ્થાનાંતરિત ક્યુબિકનું વહન તથા ક્વૉન્ટમ સ્થળાંતર કરવા માટેનો સ્રોત વિકસાવ્યો. ક્વૉન્ટમ માહિતી શિષ્ટાચાર(પ્રોટોકૉલ)માં ક્વૉન્ટમ સ્થળાંતર પાયાનો અથવા મૂળભૂત ખ્યાલ અથવા સિદ્ધાંત છે. ક્વૉન્ટમ માહિતીના સ્થળાંતર ઉપરાંત ક્વૉન્ટમ કમ્પ્યૂટરોમાં દ્વારની રચનામાં તેની મહત્વની કામગીરી છે.
એન્ટમ ઝાયલિંગરને અનેક ચંદ્રકો તથા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 2004માં તેમને યુરોપિયન યુનિયન દ્વારા ડીસ્કાર્ટીસ પુરસ્કાર તથા 2005માં કિન્ગ ફેઈઝલ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા. 2007માં યુરોપિયન ફિઝિકલ સોસાયટી દ્વારા ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સ પુરસ્કાર તથા 2008માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ દ્વારા આઇઝૅક ન્યૂટન ચંદ્રક પ્રાપ્ત થયા. 2010માં વુલ્ફ ફાઉન્ડેશન દ્વારા વુલ્ફ પુરસ્કારથી તેમનું સન્માન થયું. તે ઉપરાંત તેમને અનેક ઑસ્ટ્રિયન ઇનામો અને પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે.
પૂરવી ઝવેરી