રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન

December, 2024

રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન (Richardson, Robert Coleman) (જ. 26 જૂન 1937, વૉશિન્ગ્ટન ડી. સી., યુ.એસ.એ.; અ. 19 ફેબ્રુઆરી 2013, ઈથાકા, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : હીલિયમ-3ની અતિતરલતા(superfluidity)ની શોધ માટે 1996નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ડેવિડ લી અને ડગ્લાસ ઓશરોફ સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો (અથવા વિભાજિત થયો હતો.)

રિચાર્ડસને આર્લિન્ગટનમાં આવેલી વૉશિન્ગટન-લી શાળામાં શિક્ષણ લીધું. નોબેલ પુરસ્કાર માટે નિવેદિત જીવનવૃત્તાંતમાં તેઓએ જણાવ્યું કે જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના અભ્યાસક્રમ જૂના જમાનાના હતા. એ સમયે અદ્યતન નિયુક્તિ(advanced placement)નો ખ્યાલ અને પ્રણાલિકા અસ્તિત્વમાં નહોતા. તેઓ જ્યારે કૉલેજના દ્વિતીય વર્ષમાં હતા ત્યારે તેમણે કલન ગણિતનો અભ્યાસ કર્યો.

રિચાર્ડસને વર્જિનિયા ટૅકનૉલૉજીમાં પ્રવેશ મેળવ્યો અને 1958માં સ્નાતકની પદવી અને 1960માં અનુસ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ તેઓએ 1972માં કોર્નેલ યુનિવર્સિટીની લૅબોરેટરી ઑફ ઍટમિક ઍન્ડ સૉલિડ સ્ટેટ ફિઝિક્સમાં ડેવિડ લી અને ડગ્લાસ ઓશરોફ સાથે પોમરેન્ચક કોષ(Pomeranchuk cell)ના ઉપયોગ વડે હીલિયમ-3નું અતિ-નિમ્ન તાપમાને (નિરપેક્ષ શૂન્ય તાપમાનનો હજારમો ભાગ) સંશોધન કર્યું અને અનપેક્ષિત ઘટનાઓનું અવલોકન કર્યું. આ ઘટનાઓને તેઓએ પ્રાવસ્થા સંક્રમણ(phase transition)થી પ્રાપ્ત થતી અતિતરલ અવસ્થા (superfluid phase) તરીકે દર્શાવી. આ કાર્ય માટે તેમને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમના અન્ય સંશોધનકાર્યોમાં ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદના ઉપયોગ વડે ઘન અને પ્રવાહીના અતિ નિમ્ન તાપમાને ક્વૉન્ટમ ગુણધર્મોના અભ્યાસનો સમાવેશ થાય છે.

1998થી 2007 દરમિયાન તેઓએ કોર્નેલ યુનિવર્સિટીમાં સંશોધનકાર્યના ઉપાધ્યક્ષ (ઉપપ્રમુખ) તરીકે તથા 2007થી 2009 દરમિયાન રાષ્ટ્રપતિના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવાઓ આપી. તેમના અવસાન સમયે તેઓ કોર્નેલ યુનિવર્સિટીમાં ફ્લૉઇડ ન્યૂમૅન પ્રોફેસર ઑફ ફિઝિક્સ તરીકે નિયુક્ત હતા.

જ્યારે કેટલાક પદાર્થોને અતિ-નિમ્ન તાપમાન સુધી ઠંડા કરવામાં આવે છે ત્યારે તેઓ અતિતરલ (superfluid) બને છે, જેનું ઘર્ષણરહિત વહન થાય છે. હીલિયમ-4, જે હીલિયમનું સામાન્ય સ્વરૂપ છે, તે આવો અતિતરલ પદાર્થ (દ્રવ્ય) છે. ઘણા લાંબા સમયથી હીલિયમ-3ની અતિતરલ અવસ્થા સામે પ્રશ્નાર્થ હતો. 1972માં ડેવિડ લી, ડગ્લાસ ઓશરોફ અને રૉબર્ટ રિચાર્ડસને ચકાસ્યું કે હીલિયમ-3 પણ અતિ-નિમ્ન તાપમાને અતિતરલ બને છે.

પૂરવી ઝવેરી