ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ (જ. મે 1938 ઉટાકામંડ (ઊંટી), મદ્રાસ; અ. 10 મે 2012, વડોદરા) : સંગીતજ્ઞ, ચિત્રકાર અને શિલ્પી. મહારાજા રણજિતસિંહજી રાજા થવા નહિ કલાકાર થવા સર્જાયેલા.
ગાયકવાડી શાહી પરિવારના ફરજંદ મહારાજા રણજિતસિંહે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ પરિસરમાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો હતો. બાળપણમાં દેશના વરિષ્ઠ કલાકાર રાજા રવિ વર્માનાં ચિત્રો જોતાં જોતાં તેમને ચિત્રકળા પરત્વે પ્રેમ ઉપજ્યો હતો. તેમણે દેશની અગ્રેસર એમ. એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી. અહીં એમણે વિવિધ ભારતીય ચિત્ર શૈલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પ્રખ્યાત વિદ્વાન ગુરુઓ – પ્રો. એન. એસ. બેન્દ્રે, પ્રો. કે. જી. સુબ્રમણ્યમ્ અને પ્રો. શાંખો ચૌધરી પાસેથી પેઇન્ટિંગની સઘન તાલીમ પ્રાપ્ત કરી. શિલ્પ સર્જનની આંતર સૂઝને કારણે તેમણે એ કળામાં પણ સ્વબળે ખેડાણ કર્યું. તેમનો કળાનુરાગ સાતત્યપૂર્ણ રહ્યો અને શાસ્ત્રીય કંઠ્ય સંગીતની પણ તેમણે રિયાઝયુક્ત તાલીમ પ્રાપ્ત કરી. સાહિત્ય પ્રત્યે ઉદ્દામ લાગણી ધરાવતા આ રાજવીએ એમાં પણ રસરૂચિ દાખવ્યાં. એમની યુવા અવસ્થા દરમિયાન એ સમયના મહારાજાઓના ગણાતા પારંપરિક ખેલ ક્રિકેટમાં તેમણે પોતાનું ભાગ્ય અજમાવ્યું. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોતીબાગ મેદાનમાં અનેક ખેલોમાં ઉજ્જ્વળ કારકિર્દી બનાવી અસંખ્ય માનાંક સ્થાપિત કર્યાં.
1959–60માં મહારાજા રણજિતસિંહજી લંડનની પ્રખ્યાત રૉયલ એકૅડેમી ઑફ આર્ટ્સમાં ભણ્યા અને યુરોપિયન પેઇન્ટિંગમાં ડિપ્લોમા મેળવ્યો. પ્રયોગશીલ રણજિતસિંહજી જીવનનો મોટા ભાગનો સમય કલાને સમર્પિત રહ્યા. આ બહુઆયામી પ્રતિભાશાળી કલાકારે જળરંગ, તૈલરંગ, શ્યાહી, પેસ્ટલ રંગ, કોલસો, ગ્રેફાઇટ આદિ માધ્યમોમાં ઉચ્ચ વિચારોને પગલે તેઓ દાન-ધર્મ અને સમાજસેવાના ઉમદા કાર્યોમાં સતત પ્રવૃત્ત રહ્યા. 1964માં શુભાંગિની દેવી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. મોટા ભાઈ ફતેસિંહરાવ ગાયકવાડની પ્રેરણાથી તેઓ 1980માં રાજનીતિમાં પ્રવેશ્યા અને બે ટર્મ માટે ભારતીય સંસદમાં સક્રિય રહ્યા. 1988માં મહારાજા ફતેસિંહરાવજીના નિધન પછી રણજિતસિંહજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. પોતાને સામાન્ય નાગરિક ગણાવતા આ સરળ મનના રાજાને ‘મહારાજા’નું સંબોધન ગમતું નહિ તોપણ મૃત્યુપર્યંત 2012 સુધી તેઓએ આ પદભાર સુપેરે સંભાળ્યો.
અનેક વૈશ્વિક કલાઓને ચાહનારા આ રાજાએ અંગત રીતે વૈવિધ્યપૂર્ણ પાઘડીઓનો સંગ્રહ કરેલો જે આજે પણ લક્ષ્મીવિલાસ પેલેસ પરિસરના ફતેસિંહ મ્યુઝિયમમાં પ્રદર્શિત થયેલો છે જેમાં બાળકો માટેના વિભાગમાં ભરતકામ, ઝૂલ અને લેસવાળી અગણિત ટોપીઓ રસિકોનું ધ્યાન ખેંચે છે. દેશ-વિદેશમાંથી આણેલી પાઘડીઓ-હેડગિયર્સમાં કલગી, છોગાંવાળી, દરબારી, કચ્છી આદિ અધધ પાઘડીઓ અને પાઘડીબંધા રાજાઓનાં રૂપચિત્રો અહીં જોવા મળે.
મહારાજા રણજિતસિંહજીની સ્મૃતિમાં વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હૉલમાં પ્રતિવર્ષ કલામહોત્સવ યોજાય છે જેમાં સંગીતની વિવિધ પ્રસ્તુતિઓ સહ ચિત્રપ્રદર્શન ભરાય છે તથા ‘પ્રતિનિધિ કલાકારો’ને ઍવૉર્ડ્ઝ આપીને નવાજાય છે.
મહારાજા રણજિતસિંહજીએ 1960માં દેશ-વિદેશમાં ચિત્ર-પ્રદર્શનો કર્યાં. ચાર દાયકાના ગાળા પછી મુંબઈમાં એંશી નવાં ચિત્રો મૂકી એમણે વિધાન કર્યું કે, ‘હું રાજનીતિ માટે નથી જ.’ વિદ્યાર્થીઓને અનુસ્નાતક કક્ષાની ચિત્રકામની શિબિરો કરાવી. 2005માં વરિષ્ઠ ચિત્રકારો સાથે ચિત્રકલાને સમર્પિત પ્રવાસ અને શિબિરોમાં ભાગ લીધો. તેઓ ચાયના સિલ્ક રૂટ પર ફર્યા, દોર્યું અને પ્રદર્શન યોજ્યું : ‘Goats, Kings & other such thing’ – જેની ખૂબ સરાહના થઈ. લંડનની ઇન્દર પસરિચા ગૅલરીમાં ઇન્ક ડ્રૉઇંગનાં ચિત્રો અને શિલ્પો પ્રદર્શિત કર્યાં. જેની નોંધ લેવાઈ. 2009માં ‘જળવ્યય’ વિચારબીજ પર ઇંગ્લૅન્ડની દર્હામ યુનિવર્સિટીમાં ‘વેસલ્સ ઑફ લાઇફ’ શિલ્પ મૂક્યું. જેને ત્યાં કાયમી સ્થાન મળ્યું છે. આ છેલ્લા ગાયકવાડી રાજાએ અંતિમ શ્વાસ સુધી કલા-આરાધના કરી દેશભરમાં અનેક સંગીતસભાઓ ગજવી. એમનાં કલાકર્મો હવે આર્ટ ગૅલરીઝમાં પેઢીઓ સુધી જીવંત રહેશે.
ગાયકવાડ રાજ પરિવારના આ ફરજંદને 1962માં લંડનની રૉયલ એકૅડેમીએ ‘ડેવિડ મુરે સ્કૉલરશિપ’ આપી. 1965માં સોસાયટી ઑફ ઇન્ડિયા – ગુજરાત લલિતકલા અકાદમીએ નોંધ લીધી. 2005માં ‘શ્રેષ્ઠ કલા આચાર્ય ઑફ મ્યુઝિક’ અને 2008માં ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર ફોર મ્યુઝિક’ એમને પ્રાપ્ત થયા. 2009માં ‘જળવ્યય’ શિલ્પના આધારે ઇંગ્લૅન્ડમાં એમને ફેલોશિપ આપી નવાજ્યા. ઉપરાંત બૉમ્બે આર્ટ સોસાયટી, પુણેના લોકમાન્ય ટિલક ટ્રસ્ટ અને પંજાબ અકાદમીએ પણ કલાક્ષેત્રે વિપુલ પ્રદાન આપ્યા બદલ તેમનું બહુમાન કર્યું.
સુધા ભટ્ટ