આસ્પેક્ટ, એલન (Aspect, Alain) (જ. 15 જૂન 1947, એગન, ફ્રાન્સ) : ગૂંચવાયેલા ફોટૉન (entangled photon) પરના પ્રયોગો માટે, જેને કારણે બેલ અસમાનતાનું ઉલ્લંઘન પુરવાર થયું તથા ક્વૉન્ટમ માહિતી વિજ્ઞાનના પ્રારંભ માટે 2022નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે આસ્પેક્ટ એલન, એન્ટન ઝાયલિંગર તથા જ્હૉન ક્લાઉસરને એનાયત થયો હતો.

એલન આસ્પેક્ટ એકોલે નોર્માલ સુપિરિયેર દ કશન (યુનિવર્સિટી ઑવ્ પૅરિસ – સેકલે)ના સ્નાતક છે. 1971માં તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑપ્ટિક ગ્રૅજ્યુએટ સ્કૂલ, યુનિવર્સિટી ઑવ્ પૅરિસ – સૂદમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ફરજિયાત લશ્કરી સેવાના ભાગ રૂપે તેમણે કૅમરૂનમાં ત્રણ વર્ષ શિક્ષણકાર્ય કર્યું.

1980ના દાયકાના પ્રારંભમાં તેઓએ બેલ પરીક્ષણ પ્રયોગો (Bell Test experimants) હાથ ધર્યા  જ્યારે બે કણો એકબીજાથી વિશાળ અંતરે સ્થિત હોય છે ત્યારે પણ તેમની વચ્ચે ‘ઘોસ્ટલી ઍક્શન ઍટ અ ડિસ્ટન્સ’ હોય છે, અર્થાત્ કણોના તરંગ વિધેયો (wave function) વચ્ચે પારસ્પરિક સંબંધ હોય છે. આસ્પેક્ટના ઉલ્લંઘનના સિદ્ધાંતને સમર્થન મળ્યું. આ પ્રયોગો માટે તેમને 2022નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો.

એલન આસ્પેક્ટ એકોલે પોલિટૅકનિકમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા તથા ફ્રેન્ચ એકૅડેમી ઑવ્ સાયન્સીસ તથા ફ્રેન્ચ એકૅડેમી ઑવ્ ટૅકનૉલૉજીના તેઓ સભ્ય છે. 2015માં તેઓ રૉયલ સોસાયટીના વિદેશી સભ્ય તરીકે ચૂંટાયા. નૅશનલ સેન્ટર ઑવ્ સાયન્ટિફિક રિસર્ચના તેઓ સંશોધન નિયામક છે.

તેમને અસંખ્ય પ્રતિષ્ઠિત પુરસ્કારો તથા ચંદ્રકો પ્રાપ્ત થયા છે. 2010માં તેમને વુલ્ફ પુરસ્કાર તથા 2013માં નીલ્સ બૉહર આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રક તથા યુનેસ્કો નીલ્સ બૉહર ચંદ્રક પ્રાપ્ત થયા.

1998માં ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધાયેલા ઍસ્ટરૉઇડ અર્થાત્ લઘુગ્રહનું નામકરણ એલન આસ્પેક્ટ પાછળ થયું છે. 2019ના નવેમ્બરમાં આ લઘુગ્રહને માઈનર પ્લૅનેટ સેન્ટર દ્વારા ‘33163 એલનઆસ્પેક્ટ’ તરીકે ઓળખવામાં આવ્યો.

પૂરવી ઝવેરી