ઉષ્માક્ષેપક પ્રક્રિયા : ઉષ્મા-ઊર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓમાં, નીપજની કુલ ઊર્જા પ્રક્રિયકોની કુલ ઊર્જા કરતાં ઓછી હોય છે. રાસાયણિક પ્રક્રિયામાં થતા ઊર્જાના ફેરફાર (એન્થાલ્પી ફેરફાર) હેસના નિયમ વડે નક્કી કરવામાં આવે છે; તે DH વડે દર્શાવવામાં આવે છે અને આવી પ્રક્રિયામાં તે ઋણ હોય છે. ગ્રૅફાઇટ કે કાર્બનનું દહન, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
C(s) + O2(g) → CO2(g) ΔHo = -393.509 kJ mol–1
ઇંધનનું દહન, સલ્ફ્યુરિક ઍસિડનું પાણીમાં દ્રાવણ બનાવવું, કૉસ્ટિક સોડા અને હાઇડ્રોક્લૉરિક ઍસિડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયા વગેરે આનાં ઉદાહરણો છે. આવી પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવા છતાં પ્રક્રિયા શરૂ કરવા સક્રિયતા ઊર્જા(activation energy)ની પણ જરૂર પડે છે. આ ઊર્જા કૅલરી અથવા કિ. કૅલરીમાં દર્શાવાય છે. તેનો SI એકમ જૂલ છે. આ પ્રક્રિયાને ઊર્જાક્ષેપક (exoergic) પ્રક્રિયા પણ કહેવામાં આવે છે.
જે પ્રક્રિયામાં ઊર્જા ઉત્પન્ન થતી ન હોય તેને ઉષ્મારહિત (ઉષ્માનિરપેક્ષ, athermic, ΔH = 0) પ્રક્રિયા કહેવામાં આવે છે. KNO3ના મંદ દ્રાવણનું NaBrના મંદ દ્રાવણ સાથે મિશ્રણ કરવાથી નીચેની પ્રક્રિયા પરિણમે છે, જેમાં ΔHનું મૂલ્ય શૂન્ય છે.
KNO3(aq) + NaBr(aq) → KBr(aq) + NaNO3(aq)
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ