કોવિડ-19 : Corona VIrus Disease -19 (COVID-19)એ SARS CoV 2 વાયરસને કારણે થતો ચેપી રોગ. તેનો પ્રથમ જાણીતો કેસ ચીનના વુહાન પ્રાંતમાં મળ્યો હતો. શરૂઆતમાં તે ‘વુહાન ન્યુમોનિયા’, ‘વુહાન કોરોના વાઇરસ’ જેવા નામથી ઓળખાતો હતો. 11 ફેબ્રુઆરી, 2020ના દિવસે વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) તેનું ‘કોવિડ-19 અને SARS KoV 2’ તરીકે નામકરણ કર્યું. જોકે લોકોમાં ‘કોવિડ-19 વાઇરસ’ અને ‘કોવિડ-19 માટે જવાબદાર વાઇરસ’ જેવા શબ્દ પ્રયોગો પણ થવા લાગ્યા.

આ રોગ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ ગયો અને તેણે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું. કોવિડ-19નાં લક્ષણો બદલાતાં રહે છે પરંતુ વારંવાર તાવ, ઉધરસ, માથાનો દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ અને ગંધ અને સ્વાદની પરખ ન થઈ શકવી તેનાં મુખ્ય લક્ષણો છે. વ્યક્તિના વાઇરસ સંક્રમિત થયા પછી એકથી ચૌદ દિવસ દરમિયાન  રોગનાં લક્ષણો દેખાઈ શકે છે. સંક્રમિત લોકોમાંથી ઓછામાં ઓછા ત્રીજા ભાગના લોકોમાં COVID-19ના લક્ષણો દેખાતાં નથી. એમાંથી  81% દર્દીઓમાં  હળવા ન્યુમોનિયા સુધીનાં હળવાથી મધ્યમ લક્ષણો જોવા મળે છે, 14% દર્દીઓને  ઝડપી શ્વાસોચ્છ્વાસ (Dyspnea), માંસ પેશીઓમાં ઑક્સિજનની ઊણપ (Hypoxia) અથવા તો 50% જેટલી ફેફસાં પર અસર દેખાય છે જ્યારે 5% દર્દીઓ શ્વસનની નિષ્ફળતા, ચેપને લીધે ખૂબ જ નીચું રક્તચાપ (Blood pressure) અને અંગોને હાનિ પહોંચાડતા સેપ્ટિક શોક (Septic Shock) અથવા ઘણા અવયવોની નિષ્ક્રિયતા જેવાં ગંભીર લક્ષણો દર્શાવે છે. આ કિસ્સામાં દર્દીની  ICUમાં સારવાર કરવી પડે છે. રોગના અતિરેકમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. ચેપગ્રસ્ત 20થી 30% દર્દીઓના યકૃતને  (liver) પણ નુકસાન થતું જોવા મળ્યું છે. વૃધ્ધ લોકોમાં ગંભીર લક્ષણોનું જોખમ વધારે રહે છે. સાજા થયા પછી પણ કેટલાક લોકોને મહિનાઓ સુધી શ્રેણીબદ્ધ અસરો રહે છે તેમજ અંગોને નુકસાન થાય  છે. કોઈ પણ વ્યક્તિને ચેપ લાગે અને રોગનું  પહેલું લક્ષણ દેખાય તેમાં થોડો સમય લાગે છે. કોઈ પણ ચેપ માટે આ એક સામાન્ય વાત છે. કોવિડ-19 સંદર્ભે શરૂઆતનો આ વિલંબ સરેરાશ ચારથી પાંચ દિવસનો હોય છે. આ દિવસોમાં તે ચેપ ફેલાવી શકે છે. ચેપી વ્યક્તિમાં મોટાભાગનાં  લક્ષણો બેથી સાત દિવસમાં દેખાય છે અને દરેક ચેપી વ્યક્તિમાં બાર દિવસમાં ઓછામાં ઓછું એક લક્ષણ તો દેખાય જ છે.

વાઇરસનું પ્રસારણ વાઇરસયુક્ત પ્રવાહીકણો અથવા ટીપાંથી થાય છે. આ કણો શ્વસન માર્ગમાં સંક્રમિત થાય છે.  વાઇરસ સંક્રમિત ચેપી વ્યક્તિ ઉચ્છ્વાસમાં, છીંક કે ઉધરસ દ્વારા, વાત કરતી વખતે કે ગાતી વખતે વાઇરસયુક્ત ચેપીકણોનું વાતાવરણમાં પ્રસારણ કરે છે. નાના  હવાજન્ય કણો હવામાં તરે છે. હવાજન્ય નાના ચેપીકણો કોઈ સપાટી પર ગોઠવાઈ જાય તે પહેલાં તેનું બાષ્પીભવન થાય છે. તેને પરિણામે વાઇરસના ગુણધર્મો ધરાવતું Nuclei બને છે. તે લાંબા અંતરની મુસાફરી પણ કરી શકે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. સ્વસ્થ વ્યક્તિ દ્વારા આ નાના ચેપીકણો કે પછી Nuclei  શ્વાસમાં લેવાથી કે આંખો, નાક કે મોંના સંપર્કમાં આવવાથી કોવિડ-19 પ્રસારિત થાય છે. જ્યારે લોકો નજીક નજીક હોય ત્યારે સંક્રમણનું જોખમ વધારે હોય છે. ખાસ કરીને બંધિયાર જગ્યામાં આ જોખમ વધુ હોય છે. જો ચેપીકણોનું કહો કે ચેપી ટીપાંનું કદ એક ચોક્કસ કદ કરતાં મોટું હોય તો તેનું ઝડપથી બાષ્પીભવન થતું નથી અને આસપાસની સપાટી તે પર ગોઠવાઈ જાય છે. તેને પ્રતાપે સપાટી દૂષિત થાય છે. જ્યારે લોકો વાઇરસ દૂષિત સપાટી અથવા વસ્તુઓને સ્પર્શ કર્યા પછી પોતાની આંખો, નાક અથવા મોંને સ્પર્શ કરે ત્યારે પણ ચેપ ફેલાઈ શકે છે. લોકો 20 દિવસ સુધી ચેપગ્રસ્ત રહે છે. અરે હા, તેઓમાં રોગનાં લક્ષણો ન દેખાય તો પણ તેઓ વાઇરસ ફેલાવી શકે છે.

વાઇરસને એટલે કે વાઇરસના ચાવીરૂપ ગુણધર્મો ધરાવતા ન્યુક્લિક ઍસિડને (Nucleic Acid) શોધવા માટેની પરીક્ષણ પદ્ધતિઓમાં RT-PCR (Real – Time Reverse Transcription Polymerase Chain Reaction), TMA (Transcription-mediated amplification) અને RT-LAMP (Reverse Transcription loop-mediated isothermal amplification)નો સમાવેશ થાય છે. આ માટે નાક અને ગળામાંથી ફાયા વડે લીંટનો/ગળફાનો નમૂનારૂપ અંશ લેવામાં આવે છે. ફેફસાં પર ચેપની અસર તપાસવા માટે CT સ્કેનની મદદ લેવામાં આવી.  રોગને ફેલાતો રોકવા માટે ઘણી રસીઓ (vaccines) વિકસાવવામાં આવી. તેને વિવિધ દેશોમાં વિતરિત કરી સામૂહિક રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. રોગનું પ્રસારણ અટકાવવા માટે અનેક વ્યક્તિગત સાવચેતીઓ લેવામાં આવી. તેમાં શારીરિક અને સામાજિક અંતર, એકલવાસ (Quarantining), ઘરની અંદરની જ્ગ્યાનું વાતાયન (Ventilation), મુખવટાનો (Face Mask) ઉપયોગ, જાહેરમાં ખાંસી કે છીંક આવે ત્યારે મોં કે નાક ઢાંકવું, સમયાંતરે સાબુથી હાથ ધોવા, ચહેરાથી હાથ દૂર રાખવા, બહારથી લાવેલી વસ્તુઓ/ખાદ્ય પદાર્થને વિષાણુમુક્ત કરવા જેવા કેટલાંક પગલાંઓનો સમાવેશ થાય છે. થોડા સમય માટે ‘લૉક ડાઉન’, સામૂહિક રસીકરણ, પરદેશથી અથવા તો ચેપગ્રસ્ત વિસ્તારમાંથી આવતા મુસાફરોને ફરજિયાત ચૌદ દિવસનો એકલવાસ જેવાં પગલાંઓ રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવ્યાં. માનવશરીરની બહાર સપાટી પર કોરોના વાઇરસનો નાશ કરવા માટે આલ્કોહોલ, ગરમી,  આયોડિનયુક્ત વિષાણુ નાશક, પાર જાંબલી (UV) કિરણો જેવી પધ્ધતિઓ અસરકારક છે. રાષ્ટ્રીય સ્તરે થોડા સમય માટે ‘લોક ડાઉન’, આંતરરાષ્ટ્રીય મુસાફરોને પ્રવેશ સમયે ચૌદ દિવસનો એકલવાસ, નિયમોનું ચુસ્ત પાલન, વધુ સંક્રમિત દેશોના મુસાફરો પર રોક, મુસાફરોની સંખ્યા ઓછી થાય તેવા પગલાં વગેરે અમલમાં મૂકવામાં આવ્યાં.  કેટલાક અભ્યાસ પરથી નિષ્ણાતો માને છે કે તેનું ઉદ્ભવસ્થાન ચામાચીડિયામાં છે.

વિષાણુશાસ્ત્ર (Virology) મુજબ થોડા થોડા સમયે વાઇરસ પોતાનું રૂપ (Variant) બદલતો હોય છે. આમ વાઇરસના ગુણધર્મો અને તેના ચેપથી માનવશરીરને થતી અસરોમાં પણ બદલાવ આવે છે. નિષ્ણાતોએ વિશ્વ આરોગ્ય સંસ્થા પાસે પ્રસ્તાવ મૂક્યો કે વાઇરસના જુદા જુદા રૂપોને ગ્રીક મૂળાક્ષર આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગૅમાથી ઓળખવામાં આવે. 2020-21 દરમિયાન SARS-CoV-2ના કેટલાંક રૂપો ઓળખાયાં હતાં જેમાંના મુખ્ય છે: લંડન અને કેંટ, યુકેમાં દેખાયેલું આલ્ફા રૂપ, દક્ષિણ આફ્રિકામાં ઉદ્ભવેલું બીટા રૂપ, બ્રાઝિલમાં અવતરેલું ગૅમા રૂપ, ભારતમાં જ્ન્મેલું ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વાઇરસ રૂપ તો વિશ્વના 57 દેશોમાં ફેલાઈ ગયું.

કોવિડ-19 – વૈશ્વિક રોગચાળો (2019-2022):

પ્રાણીઓને વાઇરસનું કુદરતી મૂળ માનવામાં આવે છે. પ્રાણીઓમાં વધારે પડતા ચેપને કારણે વાઇરસ ફેલાય છે. ચીન અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 2021માં હાથ ધરવામાં આવેલા સંયુક્ત અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે પ્રસ્તુત વાઇરસ જંગલી ચમચીડિયાને ચેપ લગાડતા કોરોના વાઇરસમાંથી ઊતરી આવ્યો છે. સંભવ છે કે અન્ય વન્યજીવના માધ્યમ દ્વારા તે માનવોમાં ફેલાયો હોય. પ્રથમ નિશ્ચિત રોગી ક્યાં ઓળખાયો અને રોગચાળાની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે અંગે મતમતાંતર છે પરંતુ તે જૈવિક હથિયાર તરીકે પ્રયોગશાળામાં વિકસાવવામાં આવ્યો ન હતો તે વાત સાથે વિજ્ઞાનીઓ સર્વસંમતિ ધરાવે છે. રોગચાળા પહેલાં કોઈ પણ પ્રયોગશાળામાં આ વાઇરસના અસ્તિત્વના કોઈ પુરાવા મળ્યા નથી. ‘Science’ સામયિકના જુલાઈ 22ના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ પ્રાણીઓમાં વધારે પડતા ચેપની બે ઘટનાઓને લીધે આ વાઇરસનું સંક્રમણ માનવમાં થયું હતું. આ બંને ઘટનાઓ ચીનના વુહાન શહેરની તાજું માંસ વેચતી હુઆનન બજારમાં (Huanan Wet Market) જીવંત વન્યજીવોના વેપારને કારણે બની હતી. વિજ્ઞાનીઓનું અનુમાન છે કે  SARS-CoV-2 વાઇરસ ઑક્ટોબર-નવેમ્બર, 2019માં વુહાનમાં ઉદ્ભવ્યો ત્યાર પહેલાં તે ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં (Guangdong) ફરતો હશે. મોટા ભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે અગાઉના રોગચાળા SARS-CoV-1 અને MERS-CoVની જેમ જ આ વખતે પણ રોગિષ્ટ પ્રાણીઓમાંથી વિષાણુઓ માનવમાં પ્રવેશ્યા હશે. આબોહવા પરિવર્તન અંગેના  આંતર-સરકારી મંડળ મુજબ આબોહવા પરિવર્તન, કુદરતી ઇકોસિસ્ટમનો વિનાશ અને વન્ય જીવના વેપાર જેવા અનેક સામાજિક તેમજ પર્યાવરણીય પરિબળોને કારણે રોગિષ્ટ પ્રાણીઓમાંથી વિષાણુઓના  માનવપ્રવેશની શક્યતાઓ વધી જાય છે. યુરોપમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ આબોહવા પરિવર્તને ચામાચીડિયાની પ્રજાતિઓના જુદી જુદી જગ્યાઓએ ફેલાવાને પ્રભાવિત કર્યું છે જેને લીધે રોગચાળાની સંભાવનામાં વધારો થયો.

વાઇરસના માનવ સંક્રમણનો  પ્રથમ કિસ્સો વુહાનમાં જોવા મળ્યો હતો. જાન્યુઆરી, 2020માં યુકેથી પ્રકાશિત સાપ્તાહિક ‘The Lancet’ના હેવાલ મુજબ 1 ડિસેમ્બર, 2019ના રોજ 41 દર્દીઓમાં કોવિડ-19નું સંક્રમણ જ જોવા મળ્યું હતું. WHOના અધિકૃત પ્રકાશનોમાં 8 ડિસેમ્બર, 2019ના રોજ રોગનાં લક્ષણોની શરૂઆતની જાણ કરવામાં આવી હતી. 20 જાન્યુઆરી, 2020 સુધીમાં WHO અને ચીની સત્તાધીશોએ વાયરસના માનવ – માનવ સંક્રમણની પુષ્ટિ કરી. અલબત્ત, 18 ડિસેમ્બર, 2019ના રોજ ઈટલીના મિલાન અને તૂરિનમાંથી મેળવેલા ગંદા પાણીમાં પણ વાઇરસના અંશો મળી આવ્યા હતા.

આ રોગચાળો ફેલાતા ચીનના હૂબઇ (Hubei) પ્રાંતમાં 20 ડિસેમ્બર સુધીમાં 60 અને 31 ડિસેમ્બર સુધીમાં 266 કિસ્સાઓ કોવિડ-19ના જોવા મળ્યા. રોગચાળાના શરૂઆતના તબક્કામાં દર અઠવાડિયે (180 કલાક) સંક્રમિતોની સંખ્યા બમણી થતી હતી. મધ્ય જાન્યુઆરી સુધીમાં ચીનના અન્ય પ્રાંતોમાં પણ રોગચાળો ફેલાવા લાગ્યો. વુહાન રેલવેનું મોટું જંકશન છે. 25 જાન્યુઆરી, 2020 ચીનના નવા વર્ષનો દિવસ હતો. તેને અનુલક્ષીને મોટે પાયે લોકોની અવરજવર થઈ હતી. આ ઘટનાથી રોગચાળાની ગતિને વેગ મળ્યો. 30મી જાન્યુઆરીએ WHOએ તેને જાહેર આરોગ્યની કટોકટી જાહેર કરી ત્યાં સુધીમાં તો રોગચાળો 100થી 200 ગણો વધારે ફાટી નીકળ્યો હતો.

અન્ય દેશોમાં રોગચાળાનો પગપેસારો મહદઅંશે આંતરરાષ્ટ્રીય મુસાફરોના માધ્યમથી થયો. 31 જાન્યુઆરી, 2020ના રોજ ચીનથી આવેલા બે પ્રવાસીઓ  ઇટલીમાં કોવિડ-19 સંક્રમિત જણાયા હતા. ઇટલીમાં રોગચાળો ફેલાવા લાગ્યો અને 19 માર્ચ, 2020ના રોજ રોગચાળાથી ઇટલીમાં ચીન કરતાં વધુ મૃત્યુ થયાં હતાં. 26 માર્ચ સુધીમાં યુ.એસ.એ.માં વિશ્વના સૌથી વધુ સંક્રમિત લોકો હતા. સંશોધન દ્વારા જાણવા મળ્યું કે ન્યુયૉર્કના મોટાભાગના કોવિડ-19ના દર્દીઓ યુરોપિયન પ્રવાસીઓને લીધે હતા. અગાઉ લીધેલા નમૂનાઓનું પુન:પરીક્ષણ કરતાં ફ્રાંસમાં 27 ડિસેમ્બર, 2019ના રોજ અને યુ.એસ.એ.માં 6 ફેબ્રુઆરી 2020ના રોજ કોવિડ-19ના વાઇરસના અસ્તિત્વને પુષ્ટિ મળી.  2020ના વર્ષમાં કોવિડ-19 રોગચાળો વિશ્વના લગભગ બધા જ દેશોમાં ફેલાઈ ગયો. 1 ઑક્ટોબર, 2021ના રોઈટરના હેવાલ પ્રમાણે રોગચાળાને લીધે વિશ્વમાં 50 લાખથી પણ વધારે લોકોનાં મૃત્યુ થયાં. worldometers.infoની સાઇટ મુજબ વિશ્વના 230 દેશોમાં રોગચાળો ફેલાઈ ગયો હતો. નીચેના કોઠામાં સૌથી વધુ અસરગ્રસ્ત પંદર દેશો દર્શાવ્યા છે.

ક્રમાંક દેશ કુલ વસ્તી કોવિડ-19 દર્દીઓ કોવિડ-19ને લીધે મૃત્યુ
વિશ્વ 8021407192 704753890 7010681
1 યુ.એસ.એ. 334805269 111820082 1219487
2 ભારત 1406631776 45035393 533570
3 ફ્રાંસ 65584518 40138560 167642
4 જર્મની 83883596 38828995 183027
5 બ્રાઝિલ 215353593 38743918 711380
6 દક્ષિણ કોરિયા 51329899 34571873 35934
7 જાપાન 125584838 33803572 74694
8 ઇટલી 60262770 26723249 196487
9 યુ.કે. 68497907 24910387 232112
10 રશિયા 145805947 24124215 402756
11 ટર્કી 85561976 17232066 102174
12 સ્પેન 46719142 13914811 121760
13 ઑસ્ટ્રેલિયા 26068792 11853144 24414
14 વિએટનામ    98953541 11625195 43206
15 તાઇવાન 23888595 10241523 19005
92 ચીન 1448471400 503302 5372

એપ્રિલ, 2020માં  44,297 લોકો વિશ્વમાં કોવિડ-19થી સંક્રમિત હતા. નવા સંક્રમિત દર્દીઓમાં  દિવસે ને દિવસે વધારો થતો ગયો. રોજનો મૃત્યુ આંક પણ વધવા લાગ્યો. 20 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વમાં સૌથી વધુ 38,48,199 સંક્રમણના દર્દીઓ નોંધાયા. 21 જાન્યુઆરી, 2022ના રોજ સૌથી વધુ 17,049 મૃત્યુ કોવિડ-19ના સંક્રમણને લીધે થયાં હતાં. ત્યારબાદ મહામારીનો પ્રકોપ ઓછો થવા લાગ્યો. આમ એપ્રિલ, 2020માં 44,297 સંક્રમણના કિસ્સા હતા જે ચરમ સીમાએ પહોંચ્યા પછી મે, 2023માં 68,757 થયા. આ સમયગાળો કોવિડ-19 રોગચાળાનો વૈશ્વિક કાળખંડ કહી શકાય.

ભારતમાં કોવિડ-19નો પ્રવેશ અને ફેલાવો:

જાન્યુઆરી, 2020માં રોગચાળાના કેન્દ્ર વુહાનથી ત્રણ ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પાછા ફર્યા. તેઓ વાઇરસ સંક્રમણનું માધ્યમ બન્યા અને 30 જાન્યુઆરી, 2020ના રોજ કેરળના ત્રિસુર શહેરમાં કોવિડ-19નો પહેલો કેસ નોંધાયો જે 3 ફેબ્રુઆરી  સુધીમાં વધીને ત્રણ થયા. આ સિવાય રોગ સંક્રમણમાં કોઈ નોંધપાત્ર વધારો ફેબ્રુઆરી મહિનામાં જોવા મળ્યો નહીં. ઇટાલિયન પ્રવાસી જૂથના 14 સંક્રમિત સભ્યોને કારણે 4 માર્ચે, 22 નવા કેસ નોંધાયા. સાઉદી અરેબિયાની મુસાફરી કરીને આવેલા એક 76 વર્ષીય વૃધ્ધનું ભારતમાં કોવિડ-19ને કારણે પ્રથમ મૃત્યુ 12મી માર્ચે થયું હતું. ઇટાલી અને જર્મનીનો પ્રવાસ કરીને આવેલી એક વ્યક્તિએ માર્ચ મહિના દરમ્યાન પંજાબના એક ધર્મોત્સવમાં હાજરી આપી  અને તે વિશાળ માત્રામાં સંક્રમણના ફેલાવા માટે નિમિત્ત બની. સંક્રમણનો ફેલાવો રોકવા માટે 27 માર્ચે, પંજાબના 20 ગામોમાં 40 હજારથી વધુ લોકોએ એકલવાસ ભોગવ્યો. બીજો એક ધાર્મિક કાર્યક્ર્મ માર્ચ મહિનાની શરૂઆતમાં દિલ્હીમાં યોજાયો હતો. 31 માર્ચના રોજ આ સ્થળ કોવિડ-19ના ‘હોટ સ્પોટ’ તરીકે ઊભરી આવ્યું. એક અન્ય કિસ્સામાં મહારાષ્ટ્રથી લગભગ 4,000 શ્રદ્ધાળુઓ 2 મેના રોજ  પંજાબ પરત ફર્યા. તે પ્રવાસના 27 બસ ડ્રાઇવર અને કંડક્ટર ઉપરાંત ઘણાં શ્રદ્ધાળુઓ કોવિડ-19 સંક્રમિત હતા. આમ કેરળ ઉપરાંત અન્ય રાજ્યોમાં રોગચાળો ઝડપથી ફેલાવા લાગ્યો. ગુજરાતમાં સંક્રમણના બે કેસ 19 માર્ચે રાજકોટ અને સૂરતમાં મળ્યા હતા.  એક અનુમાન મુજબ જુલાઈ, 2020માં મુંબઈની ઝૂપડપટ્ટીમાં રહેલાં 57 ટકા લોકો કોવિડ-19 સંક્રમિત હતા. કોવિડ-19 પરની ભારત સરકારની પૅનલે ઓક્ટોબર, 2020માં જણાવ્યુ કે રોગચાળો ચરમસીમાએ પહોંચ્યો હતો અને ફેબ્રુઆરી, 2021 સુધીમાં નિયંત્રણમાં આવી શકે. આ માટે અનુમાન કરવામાં આવ્યું હતું કે ભારતમાં રોગચાળો ‘હર્ડ ઇમ્યુનિટી’ના  (ટોળાની રોગ પ્રતિકારક શક્તિ) સ્તરે પહોંચી ગયો છે. પરંતુ આ જ મહિનામાં દેશમાં SARS-CoV-2ની નવી આવૃત્તિ (Varient – Lineage) B.1.617એ દેખા દીધા. આમ 2020નું વર્ષ કોવિડ-19ના આક્રમણનું વર્ષ રહ્યું.

ભારતમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત 16 જાન્યુઆરી 2021થી થઈ. સહેલાઈથી સંક્રમિત થઈ શકે તેવી વ્યક્તિઓને રસીકરણ કાર્યક્રમમાં પ્રાથમિકતા આપવામાં આવી. ભારતમાં પ્રથમ કેસ નોંધાયો તેના લગભગ એક વર્ષ પછી લક્ષદ્વીપમાં પહેલો કેસ નોંધાયો અને ભારતનો એ છેલ્લો પ્રદેશ હતો જ્યાં રોગચાળાએ દર્શન દીધાં. ફેબ્રુઆરી, 2021 સુધીમાં દૈનિક કેસ ઘટીને 9000 થઈ ગયા અને લોકોને હાશકારો થયો. ત્યાં તો એપ્રિલ, 2021ની શરૂઆતમાં દેશમાં કોવિડ-19ની બીજી લહેર આવી. બીજી લહેર તેના પુરોગામી કરતાં વધુ વિનાશક હતી. 9 એપ્રિલ સુધીમાં તો ભારતમાં 10 લાખથી વધુ સક્રિય કેસો થઈ ગયા. જોતજોતામાં 12 એપ્રિલ સુધીમાં તો ભારતે બ્રાઝિલને પાછળ છોડી દીધું અને વિશ્વમાં કોવિડ-19ના સૌથી વધુ સક્રિય કેસ ધરાવતો બીજા ક્રમનો દેશ બની ગયો. એપ્રિલ અંત સુધીમાં તો ભારતમાં 25 લાખ કેસ નોંધાયા હતા. દરરોજ સરેરાશ 3 લાખ નવા કેસ અને 2 હજાર મૃત્યુ! 30 એપ્રિલ, 2021ના રોજ ભારતમાં એક દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ અને 3500થી વધુ મૃત્યુ નોંધાયાં હતાં.

નિષ્ણાતોના મત મુજબ વાઇરસનું નવું સ્વરૂપ વધુ ચેપી હોવા ઉપરાંત અચાનક રોગચાળો વકરવા માટેનાં બીજાં ઘણાં કારણો છે. પહેલી લહેરની અસર ઓછી થતાં જ તે વખતે લીધેલા સાવચેતીનાં પગલાં પ્રત્યે ઉદાસીનતા રાખવામાં આવી. નવી સુવિધાઓ તો તૈયાર કરવામાં ન આવી પણ કેટલીક અસ્થાયી હૉસ્પિટલોને પણ તોડી નાખવામાં આવી. આ દરમિયાનમાં આવેલા લગ્નગાળો, વિવિધ મેળાઓ, હોળીનો તહેવાર જેવા પ્રસંગોએ ગંભીરતાથી સાવચેતી દાખવવામાં આવી ન હતી. IPL જેવા રમતગમતના કાર્યક્રમો, રાજ્ય અને સ્થાનિક ચૂંટણીઓ દરમિયાનની જાહેર સભાઓએ પણ રોગચાળાની બીજી લહેરને વેગ આપ્યો. દેશ આર્થિક મંદી તરફ સરકતો હતો જેને કારણે પણ સરકાર પર રોગચાળા અંગેના સાવચેતીનાં પગલાં હળવા કરવાનું દબાણ આવ્યું.

ભારતમાં કોવિડ-19 વૈશ્વિક રોગચાળાની બીજી લહેર દરમિયાન આરોગ્યસંભાળ પ્રણાલી પર ખૂબ ભીંસ વધી ગઈ. અલબત્ત, સામાન્ય રીતે આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ન હોય તેવા અનેક નાગરિકો, સંસ્થાઓ મદદ કરવા લાગ્યાં. જેથી આરોગ્યસંભાળ ટીમના સભ્યોને આંશિક રાહત મળી. મુખ્ય સમસ્યા હતી પ્રવાહી મેડિકલ ઑક્સિજનની અછત, તેના પરિવહન માટે ક્રાયોજેનિક ટેન્કરનો અભાવ, તેના સુચારુ પરિવહન અને પુરવઠાની વ્યવસ્થાની. આ કટોકટીને પહોંચી વળવા માટે DRDO સહિત દેશના નામી ઉદ્યોગગૃહો મદદે આવ્યાં. નવા ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા. યોગ્ય પુરવઠો જળવાઈ રહે તે માટે રેલ અને હવાઈ પરિવહનના વિકલ્પો પણ સ્વીકારવામાં આવ્યા. સંખ્યાબંધ દેશોએ ભારતને ઑક્સિજન પુરવઠો, દવાઓ, રસી, વેન્ટિલેટર માટે કાચો માલ વગેરેના રૂપમાં સહાય મોકલી. બધાના સહિયારા પ્રયત્નોથી  મે મહિનાના અંત સુધીમાં નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થવા લાગ્યો. મે-2021માં WHOએ જાહેર કર્યું કે ભારતમાં પ્રથમ વખત જોવા મળેલા વાઇરસના બે સ્વરૂપોને  (Varients) ‘ડેલ્ટા’ અને ‘કપ્પા’ તરીકે ઓળખવામાં આવશે. આમ 2021નું વર્ષ કોવિડ-19ની બીજી લહેરને કારણે ખૂબ જ અજંપાભરી સ્થિતિમાં ગયું. સૌના સહિયારા પ્રયાસથી રોગચાળાને હંફાવવામાં સફળતા મળી.

માર્ચ, 2022 સુધીમાં સમગ્ર દેશમાં માત્ર 22,487 સક્રિય કેસ હતા. 58.8% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી અને 70% વસ્તીએ ઓછામાં ઓછો એક ડોઝ રસીનો મેળવ્યો. ત્યારબાદ રોગચાળાની સ્થિતિ સ્થિર રહી. માસ્ક અને સામાજિક અંતર સિવાયના તમામ કોવિડ-19 નિયંત્રણો સમાપ્ત કરવાની ભલામણ કરવામાં આવી. લગભગ બે વર્ષના ગાળા પછી 27 માર્ચે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી. 2022માં કોવિડ-19નો ઉપદ્રવ ઓછો થયો પણ નિર્મૂળ તો ન જ થયો. વાઇરસના નવા સ્વરૂપ XBB.1.16ને લીધે આવનારી સંભવિત મુસીબત સામે બાથ ભીડવા રાષ્ટ્રે માર્ચ, 23માં સજ્જતા મેળવી લીધી. ઑગસ્ટ 23માં વાઇરસના સ્વરૂપ ઓમિક્રોનમાંથી વિકસેલા સ્વરૂપ એરિસે મહારાષ્ટ્રમાં દેખા દીધી  હતી. તેને લીધે કેટલાંક શહેરોમાં કેસ જોવા મળ્યા હતા. ઓમિક્રોન સ્વરૂપમાંથી વિકસેલા BA.2.86 અથવા પિરોલા સ્વરૂપના વંશજ મનાતા વાઇરસના JN.1 પ્રકારનો ડિસેમ્બર, 23માં કેરળ રાજ્યમાં ઉદ્ભવ થયો હતો. નિષ્ણાતોના મત મુજબ ભારતમાં કોરોના વાઇરસ સંપૂર્ણ નાશ પામવાને બદલે સર્દી, મલેરિયા, પોલિયો, ઓરી વગેરેના વાઇરસની જેમ સ્થાનિક સ્તરે પહોંચી જશે અને લોકો તેની સાથે જીવવાનું પણ શીખી જશે.

ભારતમાં કોવિડ-19ના નિયંત્રણ માટે પ્રબંધ:

સમગ્ર વિશ્વમાં કોવિડ-19 રોગચાળાએ પહેલી વખત પ્રકોપ વરસાવ્યો માટે તેને નાથવા માટે કોઈ પૂર્વાનુભવ ન હતો કે ન હતી તેને રોકવા માટેની રસી. હવા દ્વારા અથવા તો માનવી-માનવી વચ્ચેના સંસર્ગથી રોગચાળો ફેલાતો હતો. માનવીય સંસર્ગ ટાળવા માટે આખા દેશમાં 22 માર્ચ, 2020ના દિવસે સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ‘જનતા કર્ફ્યૂ’ જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન પોલીસ, સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ, પ્રચાર માધ્યમ, અગ્નિ શામક જેવી આવશ્યક સેવાઓના કર્મચારીઓને તેમાથી મુક્તિ આપવામાં આવી હતી. તે દિવસે સાંજે 5 વાગ્યે દરેક નાગરિકે પોતપોતાની બારી, રવેશ કે દરવાજામાં આવીને ઘંટડી, તાળી કે થાળી વગાડીને આવશ્યક સેવાના કર્મીઓનું અભિવાદન કર્યું અને તેમને પ્રોત્સાહિત કર્યા. આ વખતે શિસ્ત જાળવવામાં NCC અને NSSના સભ્યોએ પોલીસને મદદ કરી. અલબત્ત, આ તો આવનારા ‘લૉકડાઉન’ની એક ઝલક હતી. 24 માર્ચ, 2020ની સાંજે સરકારે 21 દિવસ માટે લૉકડાઉન જાહેર કર્યું જે 140 કરોડ લોકોને અસરકર્તા રહ્યું. આ સમયે દેશમાં કોરોના વાઇરસ સંક્રમિત કેસોની સંખ્યા લગભગ 500ની હતી. સામાન્ય સંજોગોમાં લોકો બીજા રાજ્યમાં કે પ્રદેશમાં કામધંધા માટે જતા હોય છે અને અસ્થાયી રૂપે ત્યાં વસવાટ પણ કરતા હોય છે. લૉકડાઉનને લીધે આ પ્રકારના લોકોના કામધંધા બંધ થઈ જતાં આવકનો સ્રોત પણ બંધ થઈ ગયો. આ સંજોગોમાં તેમણે પોતાના વતન પાછા જવાનું આવશ્યક માન્યું અને 1947ના દેશના ભાગલાના સમય પછીનું લોકોનું સૌથી મોટું સ્થળાંતર શરૂ થયું. વધારાની બસો અને ટ્રેનો દોડાવીને આ સ્થળાંતર સુપેરે પાર પડ્યું. લૉકડાઉન પહેલાં દર છ દિવસે કોવિડ-19ના કેસ બમણા થતા હતા જે લૉકડાઉનને લીધે દર આઠ દિવસે બમણા થવા લાગ્યા. આમ લોક ડાઉનથી સારાં પરિણામ મળ્યાં જેને પગલે ઓડિશા અને પંજાબ સરકારે લૉકડાઉનને 1 મે, 2020 સુધી લંબાવ્યું. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગણા રાજ્યો તેને અનુસર્યાં. લૉકડાઉન અવધિનો અંત જેમ નજીક આવ્યો તેમ રાજ્ય સરકારો અને અન્ય સલાહકાર સમિતિઓએ લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી અને 14 એપ્રિલના રોજ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન 3 મે સુધી લંબાવ્યું. અલબત્ત, જે પ્રદેશોમાં રોગચાળાનો ફેલાવો ઓછો હતો ત્યાં 20 એપ્રિલ, પછી શરતી છૂટછાટો આપવામાં આવી હતી. વળી પાછું 1 મેના દિવસે લૉકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું. આ વખતે રોગચાળાની તીવ્રતાના આધારે દરેક રાજ્યના તમામ  જિલ્લાઓને લીલા, લાલ અને નારંગી ક્ષેત્રમાં વર્ગીકૃત કર્યા અને તે મુજબ લૉકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી. 17 મેના રોજ નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅંટ ઑથૉરિટી દ્વારા લૉકડાઉનને 31 મે સુધી લંબાવવામાં આવ્યું. હા, ત્યાર પછી પણ સંક્રમિત વિસ્તાર (Containment Zones) તરીકે વર્ગીકૃત કરેલા વિસ્તારમાં લૉકડાઉનનો અમલ ચાલુ રહ્યો હતો. જૂન મહિનાથી લૉકડાઉનમાં તબક્કાવાર છૂટછાટ આપવાની શરૂ થઈ. ડિસેમ્બર સુધીમાં તમામ મર્યાદાઓ સંપૂર્ણ હટાવી લેવામાં આવી. 2021માં રોગચાળાની વધુ ભયાનક લહેરને લીધે ઉત્તરપ્રદેશ અને દિલ્હી જેવાં કેટલાંક રાજ્યોએ એપ્રિલ, 2021માં લૉકડાઉન જાહેર કર્યું હતું.

રોગચાળાના પ્રાથમિક તબક્કામાં સ્થાનિક વહીવટી સંસ્થા દ્વારા ગામની શેરીઓને દવાનો છંટકાવ કરીને વિષાણુમુક્ત કરવાની તરકીબ અજમાવવામાં આવી. બહારથી આવેલાં અનાજ, શાકભાજી, દૂધની થેલી વગેરે વાઇરસમુક્ત કર્યા સિવાય લોકો ઉપયોગમાં લેતા ન હતા. તેને વિષાણુમુક્ત કરવા માટે ઘરેલુ નુસખાઓ અપનાવવા લાગ્યા-જેમ કે અનાજના પડીકાંને દશેક દિવસ અલગ રાખીને પછી ખોલવાં, દૂધ વગેરેની સીલબંધ થેલીઓને સાબુ અથવા સોડાના પાણીથી બરાબર ધોવી, શાકભાજી અને ફળોને ખાવાના સોડાના પાણીમાં થોડી વાર પલાળી રાખવા વગેરે. તદુપરાંત રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે લોકો પોતાની રીતે આયુર્વેદિક ઔષધિઓનું સેવન કરવા લાગ્યા.

નિષ્ણાતોના મતે કોવિડ-19ને નાથવા માટે યોગ્ય ઉપાય તો રસીનો  જ હતો. રસીને વિકસાવવા માટે વિજ્ઞાનીઓ અને ઉદ્યોગોએ કમર કસી અને સાથ મળ્યો AI અને કમ્પ્યૂટર સિમ્યુલેશન જેવી આધુનિક ટૅક્નૉલૉજીનો. ખૂબ ટૂંકા ગાળામાં કોવિડ-19 વિરોધી રસી તૈયાર થઈ ગઈ અને તેનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું. ભારતમાં  રસીકરણનો કાર્યક્રમ 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયો. ત્યારે એસ્ટ્રોઝેનેકા રસી (કોવિશિલ્ડ) અને સ્વદેશી રસી કોવૅક્સિન ઉપયોગમાં લેવાતી હતી. પછીથી રશિયન રસી સ્પૂતનિક-V અને અમેરિકન કંપની મૉડર્ન દ્વારા નિર્મિત રસી સ્પાઇકવૅક્સને કટોકટીના સમયમાં મંજૂરી આપવામાં આવી હતી. સરકારી આંકડા મુજબ 20 જાન્યુઆરી, 2022 સુધીમાં સરકારે 1.7 અબજ રસીના ડોઝનું સંચાલન કર્યું અને 72 કરોડથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું.

કોવિડ-19ની સમાજ પર અસર:

વિશ્વના લગભગ બધા જ દેશોની જેમ ભારત દેશ પણ આર્થિક મંદીનો શિકાર બની ગયો. જાન્યુ–માર્ચ, 2018માં GDP વૃદ્ધિ દર જે 8.2% હતો તે જાન્યુ–માર્ચ, 2020માં ઘટીને 3.1% થઈ ગયો હતો. જ્યારે એપ્રિલ–જૂન, 2020 દરમિયાન તે નકારાત્મક એટલે કે -23.9% હતો જે અત્યાર સુધીનો સૌથી ખરાબ હતો. ઉત્પાદન, બાંધકામ, વેપાર, હોટેલઉદ્યોગ જેવા નિર્ણાયક પરિમાણોમાં ઘટાડાને લીધે તે નકારાત્મક તરફ સરકી ગયો. ઘરગથ્થુ દેવાના સંદર્ભમાં લૉકડાઉનની અસર ખૂબ ખરાબ રહી.

રોજગાર માટે કામદારો આંતરરાજ્ય સ્થળાંતર કરતા હોય છે. કોવિડ-19ને લીધે કારખાનાંઓ અને કાર્યસ્થળો બંધ થતાં લાખો સ્થળાંતરિત કામદારોની આવક બંધ થઈ ગઈ, ખોરાકની અછત વર્તાવા લાગી અને તેમને પોતાનું ભવિષ્ય અનિશ્ચિત લાગ્યું. ઘણા પરિવારોને ભૂખ્યા સૂવાના દિવસો આવ્યા. આ સમયે સરકારે ગરીબોને વધારાનું રાશન આપવાની યોજના અમલમાં મૂકી. કામ અને પૈસા વિનાના હજારો સ્થળાંતરિત કામદારો તેમના વતનમાં પાછા જવા માટે સેંકડો કિલોમીટર ચાલતા અથવા સાઇકલ પર નીકળી પડ્યા. લૉકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ ઘણા કામદારોની ધરપકડ કરવામાં આવી. જ્યારે  કેટલાક થાકીને કે  રસ્તાઓ પરના  અકસ્માતને કારણે મૃત્યુ પામ્યા હતા.

રોગચાળાના પરિણામે ઊભી થયેલી લૉકડાઉનની સ્થિતિના કેટલાંક સારાં પરિણામો પણ મળ્યાં. લૉકડાઉન દરમિયાન કારખાનાંઓ, બાંધકામપ્રવૃતિઓ અને વાહનવ્યવહાર બંધ હતાં જેને કારણે હવા અને પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના હેવાલ મુજબ હવામાં દૂષિત કણો, નાઇટ્રોજન ડાયૉક્સાઇડ અને સલ્ફર ડાયૉક્સાઇડનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું થઈ ગયું હતું. આપણે જાણીએ છીએ કે સરકારના અનેક પ્રયત્નો છતાં ઉદ્યોગો દૂષિત પાણીને  નદીમાં ઠાલવે છે અને નદીનું પાણી દૂષિત થાય છે. ઉત્તરપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ કોવિડ-19ના લૉકડાઉનના સમયગાળા દરમિયાન ગંગા અને યમુના નદીના પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો હતો. આ જ વાત દેશની અન્ય નદીઓ માટે પણ તેટલી જ સાચી છે. હિમાચલ પ્રદેશની ધૌલાધર પર્વત શ્રેણી ત્યાંથી 200 કિમી. દૂર જલંધરથી દેખાવા લાગી તે હવાપ્રદૂષણમાં ઘટાડાનો પુરાવો છે. લગભગ 30 વર્ષ પછી લૉકડાઉન દરમિયાન નાગરિકોએ સિલીગુડીથી માઉન્ટ કંચનજંઘા અને બિહારના કેટલાક ભાગમાંથી માઉન્ટ એવરેસ્ટનાં દર્શન કર્યાં. આ દર્શાવે છે કે આપણે કેવા ગંભીર વાયુ પ્રદૂષણ સામે લડી રહ્યા છીએ. અરે! રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન મોટાં શહેરોમાં દૈનિક ઘન કચરાની પેદાશમાં 25થી 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

લૉકડાઉન દરમિયાન અને ત્યારપછીના  સમયગાળામાં લોકોમાં ભયનો માહોલ હતો. લોકોને મુસાફરી કરવાનો, જાહેરમાં લોકોને મળવાનો, ઘરથી લાંબા સમય સુધી દૂર રહેવાનો ડર લાગતો હતો. આ પરિસ્થિતિમાં કામધંધા બંધ હતા પણ  તેને લાંબા સમય સુધી બંધ રાખવા ઉભય પક્ષે હિતાવહ ન હતા. તેના ઉપાય તરીકે 1970ના દાયકામાં નાને પાયે શરૂ થયેલી પ્રથાને વ્યાપકપણે અમલમાં મૂકવામાં આવી. તે પ્રથા છે ‘વર્ક ફ્રોમ હોમ’. ઑફિસને બદલે ઘરેથી જ કામ કરવાની શરૂઆત થઈ. ક્લાઊડ કમ્પ્યુટિંગ, વીડિયો ટેલિફોની, કૉન્ફરન્સ કૉલિંગ જેવી ઇન્ટરનેટ તકનીકોના સહયોગથી કામ સરસ ચાલવા લાગ્યું. અલબત્ત આ માટે કામના પ્રકારની ભૂમિકા પણ મહત્ત્વની છે. લોકો ઘરેથી કામ કરતાં થયા તેને લીધે ઑફિસ જાળવણી ખર્ચમાં ઘટાડો થયો, કર્મચારીઓના કામના સમયમાં લવચીકતા આવી, મુસાફરી ઓછી થવાથી પર્યાવરણીય નુકસાન ઘટ્યું જેવા અનેક લાભ થયા. કોવિડ-19 અંગેના પ્રતિબંધો હટાવી લીધા પછી પણ કામની આ પ્રથા ઘણી ઑફિસોમાં આંશિક રીતે ચાલુ છે.

ચિંતન ભટ્ટ