પરીખ, નટુભાઈ જેઠાલાલ (જ. 14 જાન્યુઆરી 1931, બાંધણી, જિલ્લો ખેડા; અ. 16 માર્ચ, 2024 અમદાવાદ) : આધુનિક કળાના લોકપ્રિય કલાકાર અને કળાગુરુ.

દેશભરમાં ‘જળરંગોના જાદુગર’ તરીકે જાણીતા ગુજરાતના લાડીલા, અગ્રગણ્ય અને પીઢ-વરિષ્ઠ કલાકાર નટુભાઈ પરીખનું પ્રાથમિક શિક્ષણ વતન બાંધણી ગામે થયું હતું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્યપ્રેમ તથા હસ્તકલાપ્રેમને કારણે ઘરમાં તેમને સાહિત્ય તથા કલાના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. તેમને સંગીત, નાટક, ચિત્ર, નૃત્ય, શિલ્પ, ફોટોગ્રાફી આદિ કળાઓમાં પણ રસ જાગ્યો. ગુજરાતના કલાગુરુ શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રવિશંકર રાવળ પાસેથી એમને ચિત્રકળાની તાલીમ મળી. સાથે સાથે શ્રી ‘સ્નેહરશ્મિ’ જેવા સાહિત્યકાર પાસેથી માર્ગદર્શન પણ મળ્યું. આમ, કળા અને સાહિત્યક્ષેત્રે તેમનો સમાંતર રસ જાગ્યો.

સામાન્ય પ્રવાહમાં સ્નાતક થયા પછી નટુભાઈએ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ‘આર્ટ એજ્યુકેશન કોર્સ’માં પ્રવેશ લીધો. ત્યાં લઘુબંધુ જયંતભાઈ પરીખ સાથે એમને કલાગુરુ એન. એસ. બેન્દ્રે તથા પ્રો. આંબેરકરના કલાચિંતનયુક્ત અધ્યાપનનો લાભ મળ્યો. રસિકલાલ પરીખના આગ્રહથી તેઓ અમદાવાદના સી. એન. કલા મહાવિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા. અહીં, ટોચના ખ્યાતનામ કલાકારોના સંપર્કને કારણે ચિત્રકલાના વિપુલ વિષયોનો  ઉઘાડ પણ થયો. વિદ્યાર્થીઓને રૂપચિત્રોનું નિદર્શન આપતાં આપતાં તેઓ તેમાં ખૂંપી જતા. તેમની વિશિષ્ટ શૈલીએ તેમને કલાવિશ્વમાં માનભર્યું સ્થાન અપાવ્યું.

નટુભાઈ લૅન્ડસ્કેપના પિતામહ હતા. પ્રસ્તુતિમાં પારદર્શકતા, રંગોની ઝાંયની કમાલ, જળરંગો અને તૈલરંગો પર પ્રભુત્વ, પ્રકૃતિનાં સૂક્ષ્મ નિરીક્ષણની ટેવ, ધ્યાનાકર્ષક આબેહૂબ આલેખન અને એકાગ્રતા નોંધનીય હતાં. તેમનાં ચિત્રોમાં પ્રાકૃતિક તત્ત્વો, માનવીય પાત્રો, દરિયાનાં મોજાંની મસ્તીભરી રમત તાદૃશ થતી લાગે. તેમના પ્રિય રંગો હતા લીલો, જામલી, આકાશી ભૂરો – જેના લસરકામાં ગાંભીર્ય ડોકાતું. આ કલાકાર અઠંગ પ્રવાસી પણ હતા. સ્થળ પર તો ચિત્રોનાં રેખાંકનો કરતા જ, પરંતુ તસવીરો પાડીને સ્ટુડિયોમાં પણ વૈવિધ્યપૂર્ણ ચિત્રોનાં સર્જનો કરતા. તેઓ કોઈ એક શૈલી કે વિષય સાથે કદી બંધાયેલા ન રહ્યા.

તેઓ એક ઊર્મિશીલ કલાકાર હતા. ચિત્રકળા ઉપરનાં તેમનાં પુસ્તકો ‘કળાસંસ્કાર’, ‘કળાસર્જન’, ‘કલાવૃત્ત’ તથા ‘કલાયાત્રી’ ખૂબ આદર પામ્યાં. કલાના દિવ્ય પંથના આ પ્રવાસીએ અનેક નોંધપાત્ર રૂપચિત્રો બનાવ્યાં. ગુજરાતના રાજભવનમાં પૂજ્ય ગાંધીબાપુનું પૉર્ટ્રેટ, ગુજરાત કૉલેજમાં કવિ ન્હાનાલાલનું પૉર્ટ્રેટ, ટાગોર હૉલમાં રવીન્દ્રનાથ ટાગોરનું પૉર્ટ્રેટ અને સાબરમતી આશ્રમમાં ‘સાગર તટે ગાંધી’ અને સરદાર પટેલનાં પૉર્ટ્રેટ્સ ઉપરાંત અન્ય કલાકર્મોની પણ નોંધ લેવાઈ. એમનાં રૂપચિત્રોમાં રેનેસાં સમયની કલાક્રાંતિની અને પુખ્તતાની ઝાંખી થાય છે.

ખેડા જિલ્લાની ગ્રામ્ય કળા ‘ભીંતચિત્રો’ ઉપર સંશોધનકાર્ય કરવા બદલ તેમનું ગુજરાત સરકારે શિષ્યવૃત્તિ આપી બહુમાન કર્યું હતું. કલાશિક્ષકોને તાલીમ અર્થે અને કલાવિદ્યાર્થીના સંદર્ભ અભ્યાસ માટે શ્રી નટુભાઈને ગુજરાત-રાજસ્થાનમાં અનેક સ્થળોએ શિબિરોના સંચાલન માટે આમંત્રણો મળ્યાં હતાં. ‘કુમાર’ સામયિકમાં આ કલાગુરુએ નિયમિત લખીને આપણી આદિ કલા અને પરંપરાને જીવંત રાખી. આ સંવાદપ્રેમી પ્રયોગશીલ કલાકારનો જીવનમંત્ર હતો ‘એકાગ્રતા થકી કસબ.’ ઉત્સવ અને કલાના દરેક ક્ષેત્રના ચાહક નટુભાઈ પરીખ ઉપર ‘પૉર્ટ્રેટ ઑફ અ પેઇન્ટર’ અને  ‘ટચ ઑફ અ બ્રશ ઍન્ડ ટૉક’ નામની બે ટીવી ફિલ્મોનું નિર્માણ થયું હતું.

સતત કળાવિશ્વમાં રમમાણ રહેનારા શ્રી નટુભાઈને 1961માં ગુજરાત રાજ્ય લલિતકળા અકાદમીએ ઍવૉર્ડ આપ્યો હતો. 1970 ‘માયસોર દશેરા પ્રદર્શન’માં તેમને સન્માનિત કરાયા હતા. 2010ની સાલમાં તેમને ગુજરાત લલિતકલા અકાદમીએ ‘ગૌરવ પુરસ્કાર’થી નવાજ્યા હતા. 1972થી લઈને 2012 સુધીમાં આ સન્નિષ્ઠ કલાકારનાં ચિત્રોનાં અનેક સોલો અને ગ્રૂપ શોનાં આયોજનો  થયાં. જહાંગીર આર્ટ ગૅલરી – મુંબઈ સહિત એમનાં ચિત્રો ભાવનગર, અમદાવાદ, ગોવા, દિલ્હી, બૅંગાલુરુ આદિની ગૅલરીમાં પ્રદર્શિત થતાં રહ્યાં.

સુધા ભટ્ટ