પરીખ, ધીરુ (ભાઈ) (. 31 ઑગસ્ટ, 1933, વીરમગામ; . 9 મે, 2021, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર અને સાહિત્યિક પત્રકાર. પિતાનું નામ ઈશ્વરલાલ, જેઓ ગાંધીવાદી વિચારસરણીને વરેલા હતા અને વીરમગામમાં ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા. તેમણે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. માતાનું નામ ડાહીબહેન. પત્ની કમળાબહેન અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી વિભાગનાં વડાં હતાં. ધીરુભાઈનું પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ વીરમગામમાં. આગળ પડતા તેજસ્વી વિદ્યાર્થી. તે ગાળામાં ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખવાની શરૂઆત કરેલી.  આઝાદીની લડતમાં પણ સક્રિય રહેલા. ૧૯૫૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. અને 1958માં એમ. એ. થયેલા. 1966માં ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. થયા. ૧૯૫૯થી અધ્યાપન-ક્ષેત્રે કાર્યની શરૂઆત. પ્રારંભમાં મૉડર્ન હાઈસ્કૂલ, અમદાવાદમાં, બાદમાં સી. યુ. શાહ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલજમાં. 1967–69 દરમિયાન વઢવાણની મહિલા કૉલેજમાં આચાર્યપદે રહેલા. 1969–1977 દરમિયાન સી. યુ. શાહ સાયન્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં કાર્યરત હતા. 1977માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં પ્રોફેસર અને અંતે વિભાગના વડા તરીકે સેવા આપ્યા બાદ ૧૯૯૩માં નિવૃત્ત થયા. ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપકોમાં તેમનું સ્થાન.

ધીરુ પરીખ

તેમની પાસેથી વૈવિધ્યપૂર્ણ સાહિત્ય મળ્યું છે. જેમકે આઠ કાવ્યસંગ્રહો, બે વાર્તાસંગ્રહો, બે જીવનચરિત્રો, તેર જેટલા વિવેચનસંગ્રહો, તેર જેટલાં સંપાદનો, બે અનુવાદો અને એક એકાંકીસંગ્રહ મળ્યાં છે. ‘ઉઘાડ’, ‘આગિયા’ અને ‘અંગપચીસી’ (1982) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ઋતુસંહાર’ (1992, કાલિદાસ) અને ‘ફૉર ક્વોટેર્ટ’ (1999, ટી. એસ. એલિયટ) અનુવાદ છે. તુલનાત્મક સાહિત્ય અને ગુજરાતી અર્વાચીન કવિતાના ક્ષેત્રમાં તેમની કામગીરી ઉલ્લેખનીય છે.

તેઓ અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. તેઓ સાહિત્ય અકાદેમી, દિલ્હીની ભારતીય સાહિત્યનો ઇતિહાસની સમિતિના(ભાગ 7 અને 8 માટે) સભ્ય હતા, બિરલા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલ ‘એન્સાઇક્લોપીડિયા એશિયન’ના ગુજરાતી સાહિત્યના સંપાદક હતા, અનેક સાહિત્યિક અને શૈક્ષણિક-સંશોધન સંસ્થાના સભ્ય તરીકે સક્રિય હતા, ‘વિશ્વકવિતા કેન્દ્ર’ના સહ-આયોજક છે, ગુજરાતીના અધ્યાપક સંઘના તથા ગુજરાતી સાહિત્ય પરિષદના (2014) પ્રમુખપદે રહી ચૂકેલા છે. ગુજરાતી કવિતાના દ્વિમાસિક ‘કવિલોક’ના તથા ‘કુમાર’ સામયિકના તંત્રી હતા. તેઓ ગુજરાતી કવિતા માટેની ‘બુધ-કવિસભા’નું સંચાલન કરતા હતા.

તેમને 1971માં કવિતા માટે ‘કુમાર ચંદ્રક’, 1980માં ચરિત્રલેખો માટે ગુજરાત સરકારનું પારિતોષિક, 1982માં કવિતા માટેનું ‘જયંત પાઠક પારિતોષિક’, 1989માં કવિ શ્રી રાજેન્દ્ર શાહનાં કાવ્યોનાં સંપાદન માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘સચ્ચિદાનંદ સન્માન’ મળેલ છે. પ્રેમાનંદ સાહિત્યસભા તરફથી 2006માં ‘પ્રેમાનંદ સુવર્ણચંદ્રક’ અને 2008માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેમને એનાયત કરવામાં આવેલ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

શ્રદ્ધા ત્રિવેદી