ઉત્તર દિનાજપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના પશ્ચિમ દિનાજપુર જિલ્લાને બે વિભાગમાં વહેંચવામાં આવેલો : ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 25 11´ ઉ. અ.થી 26 49´ ઉ. અ. અને 87 49´ પૂ. રે. થી 90 00´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લો પૂર્વમાં બાંગ્લાદેશના પંચગર(panchagarh), ઠાકુરગાંવ, દિનાજપુર જિલ્લાની આંતરરાષ્ટ્રીય સીમા, પશ્ચિમે બિહાર રાજ્યના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જિલ્લા, ઉત્તરે દાર્જિલિંગ અને જલપાઈગિરિ જિલ્લા જ્યારે દક્ષિણે માલ્દા, દક્ષિણ દિનાજપુર જિલ્લાથી ઘેરાયેલો છે.
આ જિલ્લાની પૂર્વે આવેલી રાજમહેલની ટેકરીઓ અને મેદાની વિસ્તારોની વચ્ચેને આવેલો છે. અહીં આવેલાં મેદાનો ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ પ્લાયસ્ટોસીન યુગના સમયનાં છે. જે જૂના કાંપનાં નિક્ષેપિત મેદાનો તરીકે ઓળખાય છે. આ મેદાનો નદી તરફના સમતળ ઢોળાવ ધરાવે છે. અહીંની મુખ્ય નદીઓમાં કુલીક, નાગર, મહાનંદા વગેરે છે. નાની નદીઓ ઉપર ચેકડૅમ બનાવીને સિંચાઈ કરવામાં આવે છે.
અહીંની આબોહવા ભેજવાળી ઉષ્ણકટિબંધ પ્રકારની છે. આ જિલ્લાનું સરેરાશ તાપમાન 36.2 સે. છે જ્યારે ઉનાળાનું તાપમાન 40 સે. જ્યારે શિયાળાનું તાપમાન 22 સે. રહે છે. આ જિલ્લાનું સૌથી નીચું તાપમાન 9.9 સે. અનુભવાયેલું છે. અહીં સરેરાશ વરસાદ 1200 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : આ જિલ્લો જૂના કાંપના નિક્ષેપથી રચાયેલો છે. નદીઓ દર વર્ષે કાંપ નિક્ષેપ કરે જ છે. પરિણામે અહીંની જમીન પ્રમાણમાં વધુ ફળદ્રૂપ છે. વરસાદ અને નદીઓના પાણીની આવકને કારણે અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. મોટે ભાગે અહીં ડાંગર, ઘઉં, શણ, શેરડી, કઠોળ, તેલીબિયાં અને મેસ્ટા(mesta) (બારમાસીના ફૂલ જેવી ઔષધિ)ની ખેતી થાય છે. ખેતી સાથે પશુપાલન, મત્સ્ય અને મરઘાં-બતકાં ઉછેરની પ્રવૃત્તિ પણ થાય છે. ઉપરોક્ત ખેતીકીય પાકોમાં શ્રમિકોની જરૂરિયાત વધુ રહે છે. આ જિલ્લો પ્રમાણમાં પછાત હોવાથી કેન્દ્ર સરકાર તરફથી ‘Backward Regions Grant Fund Programme’ અન્વયે આર્થિક સહાય પ્રાપ્ત થાય છે. આ જિલ્લામાં આવેલા દાલખોલા શહેર વ્યાપાર અને વાણિજ્યનું મહત્ત્વનું મથક બન્યું છે. આ સિવાય રાયગંજ, ઇસ્લામપુર અને કાલીઆગુંજ પણ વ્યાપારનાં મુખ્ય કેન્દ્રો છે.
આ જિલ્લાનું મહત્ત્વનું રેલવેસ્ટેશન રાયગંજ છે. રાઘિકાપુર, કાલીઆગુંજ, દાલકોલ્હા અને અલુઆબારી રોડ જંકશન છે. લાંબા અંતરની ટ્રેનો માટેનું મહત્ત્વનું સ્ટેશન દાલકોલ્હા છે. રાયગંજ રેલવેસ્ટેશનથી રાધિકાપુર–કૉલકાતા એક્સપ્રેસ અને રાધિકાપુર–હાવરા કુલિક એક્સપ્રેસ જે દક્ષિણ બંગાળ માટેની મહત્ત્વની ટ્રેનો છે. આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 27 અને 12 પસાર થાય છે. રાજ્યપરિવહનના માર્ગો અને જિલ્લા માર્ગોની સુવિધા રહેલી છે. અહીં રાજ્ય પરિવહનની અને ખાનગી બસો ઉપલબ્ધ છે. ટૅક્સી અને રિક્ષાઓ પણ મળી રહે છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 3,140 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 30,07,134 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 936 સ્ત્રીઓ છે. જ્યારે સાક્ષરતાનું પ્રમાણ 59.1%, શહેરી વસ્તી 12.05%, પછાતજાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 26.87% અને 5.41% છે. ધર્મને આધારે વસ્તીનું પ્રમાણ દક્ષિણ દિનાજપુર કરતાં જુદું જોવા મળે છે. આ જિલ્લામાં મુસ્લિમોની વસ્તી હિંદુઓ કરતાં વધુ છે. તેની ટકાવારી જોઈએ તો મુસ્લિમો 49.92%, હિંદુઓ 49.30%, જ્યારે ક્રિશ્ચિયનોની વસ્તી 0.56% છે. અહીંની મુખ્ય ભાષા બંગાળી છે. ભાષાની ટકાવારીમાં બંગાળી 68.06%, સુરજાપુરી 13.22%, ઉર્દૂ 9.48%, સંતાલી 3.77%, હિન્દી 3.76%, રાજબોન્ગશી 1.03% છે.
શિક્ષણના સંદર્ભમાં જોઈએ તો 2012ના વર્ષમાં અહીં શાળાઓની સંખ્યા 3282 હતી જેમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં 3100 અને શહેરી વિસ્તારમાં 182 હતી. રાયગંજ ખાતે રાયગંજ યુનિવર્સિટી આવેલી છે. આ સિવાય ડૉ. મેઘનાદ સહા કૉલેજ, ચોપરા કમલાપુરી સ્મૃતિ મહાવિદ્યાલય, ઇસ્લામપુર ગવર્નમેન્ટ પોલિટૅકનિક, કાલીઆગંજ કૉલેજ, રાયગંજ ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ, રાયગંજ પોલિટૅકનિક વગેરે સંસ્થાઓ આવેલી છે.
જોવાલાયક સ્થળો : આ જિલ્લામાં રાયગંજ વન્યજીવ અભયારણ્ય આવેલું છે. જેનો વિસ્તાર 1.3 ચો.કિમી. જેટલો છે. આ ઉપરાંત સ્વામીનાથ મંદિર, રાજબારી ગેટ, શિવમંદિર, દાનહસોરી પીથાસ્થળ, શ્રી શ્રી મા ભાબાની દેવી થાન, સિદ્ધિ વિનાયક મંદિર વગેરે સ્થળો છે.
ઇતિહાસ : અવિભાજિત પ્રાચીન બંગાળમાં દિનાજપુર જિલ્લો પુન્દ્રા અને ગૌડ રાજ્યનો ભાગ હતો. ઈ. સ. પૂર્વે 4થી સદીમાં મૌર્ય સામ્રાજ્ય હતું તે વખતે જૈન ધર્મનો ફેલાવો વધુ થયો હતો. તે વખતે પુન્દ્રાબરધાન (હાલનું બાંગ્લાદેશ) પાટનગર હતું. ત્યારબાદ પુન્દ્રા ઉપર ગુપ્તવંશજોનું પ્રભુત્વ હતું. ઈ. સ. 750થી પાલાઓનું સામ્રાજ્ય હતું. જે 1143 સુધી ટકી રહ્યું હતું. 1204માં ખીલજી વંશજોનું આધિપત્ય રહ્યું હતું. 1586માં મોગલોને હસ્તક બંગાળ આવ્યું હતું. 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સત્તા પ્રાપ્ત કરી હતી. 1947માં બ્રિટિશરોએ ભારતના ભાગલા પાડ્યા. પરિણામે દિનાજપુર બે ભાગમાં વહેંચાયું. પૂર્વ દિનાજપુર (પૂર્વ પાકિસ્તાન) અને પશ્ચિમ દિનાજપુર ભારત હસ્તક આવ્યું. 1992માં ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર એમ બે જિલ્લા બનાવાયા.
રાયગંજ (પાટનગર) : ઉત્તર દિનાજપુર જિલ્લાનું જિલ્લામથક અને પાટનગર.
ભૌગોલિક સ્થાન : તે 25 37´ ઉ. અ. અને 88 32´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રસપાટીથી તે આશરે 40 મીટર ઊંચાઈ ધરાવે છે. કુલીક નદીને કિનારે વસેલું આ શહેર આંતરિક જળમાર્ગનું મથક છે. પૂરને નિયંત્રિત કરવા 1970માં નદી ઉપર બંધ બંધાતાં વેપાર અર્થે ઉપયોગમાં આવતા આ જળમાર્ગની ક્રમશઃ પડતી થઈ રહી છે. પરિણામે આ વિસ્તારમાં પછાતવસ્તીની વસાહત વધી ગઈ છે.
અહીંની આબોહવા ભેજવાળી ઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળામાં જુલાઈ માસનું તાપમાન 39 સે. અને શિયાળામાં જાન્યુઆરી માસનું તાપમાન 26 સે. જેટલું રહે છે. વર્ષ દરમિયાન અહીં 1430 મિમી. જેટલો વરસાદ પડે છે. મહત્ત્તમ વરસાદ જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન અનુભવાય છે. પાછા ફરતા મોસમી પવનો એટલે કે ઈશાનકોણીય પવનો વરસાદ આપે છે જેની માત્રા લગભગ 5 મિમી. જેટલી હોય છે.
આ શહેર વ્યાપારનું મુખ્ય કેન્દ્ર છે. દરરોજ આશરે 60 હજાર જેટલી વિવિધ ચીજ-વસ્તુઓનો વેપાર થાય છે. વેપાર અર્થે આ શહેરમાં રોજના બે લાખ લોકો મુલાકાત લેતા હોય છે. અહીં કોઈ મોટા ઔદ્યોગિક એકમો આવેલા નથી. પરા વિસ્તારમાં સરકાર દ્વારા સંચાલિત સ્પિનિંગ મિલ આવેલી છે. ખેતપેદાશોનું મોટું કેન્દ્ર છે. આ જિલ્લામાં ઉત્પાદિત થતી વિશિષ્ટ ખુશબૂદાર ડાંગર ‘તુલાઈપંજી’(Tualaipanji)નું મોટું બજાર છે. આ બાસમતી ડાંગરને GI(Geographical Indication) મળેલ છે. જેની વિવિધ દેશોમાં નિકાસ થાય છે. આ જિલ્લામાં વિશિષ્ટ પ્રકારનાં રીંગણ ઉત્પન્ન થાય છે. જે સામાન્ય રીંગણ કરતાં મોટાં અને સ્વાદિષ્ટ હોય છે. આ જિલ્લાનું બીજું મોટું વ્યાપારી શહેર સિલિગુરી છે.
આ શહેર પરિવહનનું મુખ્ય મથક છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 12 અને રાજ્ય ધોરી માર્ગ નં. 10A જે આ શહેરની જીવાદોરી છે. રાજ્ય ધોરી માર્ગ 10A જે કાલીઆગંજ, બલુરઘાટ અને હીલ્લી શહેરને સાંકળે છે. આ સિવાય બલુરઘાટ, સિલીગુરી, જલપાઈગુરી, કૂચબિહાર, માલ્દા વગેરે શહેરોને સાંકળતા માર્ગો આવેલા છે. કૉલકાતા અન ધુબરી શહેરને સાંકળતી લાંબા માર્ગની બસો ઉપલબ્ધ છે. રાજ્ય પરિવહનની બસો તેમજ ખાનગી બસો, ટૅક્સી પણ ઉપલબ્ધ છે. આ શહેરમાં મોટે ભાગે રિક્ષા અને મોટરસાઇકલનો ઉપયોગ વિશેષ થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 34 જે રાયગંજ પાસેથી પસાર થાય છે, જે કૉલકાતાને સાંકળે છે. રાયગંજ રેલવેસ્ટેશન બારસોઈ–રાધિકાપુરની શાખા રેલમાર્ગ ઉપર આવેલું છે. આ રેલમાર્ગ 150 વર્ષ જૂનો છે. 1971ના યુદ્ધ પછી આ રેલમાર્ગનો ઉપયોગ થતો નથી. ફક્ત રાધિકાપુર ઍક્સપ્રેસ ટ્રેન કાર્યરત છે જે કૉલકાતાને સાંકળે છે. રાધિકાપુર–આનંદવિહાર ઍક્સપ્રેસ જે ન્યૂ દિલ્હીને સાંકળે છે. લોકલ ટ્રેનો અને DMUની સગવડ આ સ્ટેશને છે. આ શહેરને કોઈ હવાઈ મથક મળ્યું નથી. નજીકનું હવાઈ મથક સિલિગુરી પાસે બાગડોગરા છે. જે 166 કિમી. દૂર છે. અહીં ઇન્ડિગો અને સ્પાઇસજેટ વિમાની સેવા ઉપલબ્ધ છે. જે મુંબઈ, ચેન્નાઈ, બૅંગકોક, પારો, ચંડીગઢ અને બલુરઘાટ હવાઈ મથકની સાથે સંકળાયેલ છે.
આ શહેરનો વિસ્તાર 36.51 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 1,83,612 છે. મેટ્રો શહેરની વસ્તી (2011 મુજબ) 1,99,758 છે. અહીં હિન્દુઓની વસ્તી 97.37% છે. જ્યારે મુસ્લિમ, ક્રિશ્ચિયન, જૈન, શીખ, બૌદ્ધ લોકોની વસ્તી અનુક્રમે 2.16%, 0.13%, 0.16%, 0.05%, 0.05% છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 75% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 905 સ્ત્રીઓ છે.
આ શહેરમાં આવેલી શાળાઓએ અંગ્રેજી અને બંગાળી માધ્યમને મહત્ત્વ આપેલું છે. હિન્દી ભાષાનો પ્રારંભ કરાયો છે. અહીં ICSE, CBSE અથવા તો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલ અભ્યાસક્રમની શાળાઓ આવેલી છે. 1911માં સ્થપાયેલી ‘રાયગંજ કોરોનેશન હાઈસ્કૂલ’ આવેલી છે. સેંટ ઝેવિયર્સ શાળા પણ છે. અહીં અનેક કૉલેજો આવેલી છે. રાયગંજ કૉલેજમાંથી રાયગંજ યુનિવર્સિટી સ્થપાયેલી છે જે સ્વાયત્ત છે. રાજ્ય સરકાર હસ્તકની યુનિવર્સિટી પણ આવેલી છે, જે ‘યુનિવર્સિટી ઑફ બૅંગાલ’ સંલગ્ન છે. રાયગંજ સુરેન્દ્રનાથ મહાવિદ્યાલયનું મહત્ત્વ આજે વધુ છે. રાયગંજ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ આવેલી છે. આ સિવાય રાયગંજ જિલ્લા હૉસ્પિટલો પણ છે.
અહીં પ્રવાસનના સંદર્ભમાં ‘રાયગંજ પક્ષી અભયારણ્ય’ જેનો વિસ્તાર 13 હેક્ટર છે. સ્વદેશી અને યાયાવર પક્ષીઓ વધુ વસવાટ કરે છે. આ અભયારણ્યનો વિકાસ કુલિક નદીને કારણે થયો છે. આ સિવાય રાયગંજ ચર્ચ, જૈન મંદિર, ભૈરવી મંદિર, કાલીમાતાનું મંદિર, કરનાજોરા મ્યુઝિયમ, સોની મંદિર વગેરે આવેલા છે. અહીં ટેરાકોટા અને શણની બનાવેલી વિવિધ ચીજવસ્તુઓનું બજાર પણ છે.
દિનાજપુરના રાજાઓના વંશજોની અટક રાય હશે તે ઉપરથી આ શહેર રાયગંજ તરીકે ઓળખાય છે. કેટલાકનું માનવું છે કે રાયગંજ એટલે ‘રાય’નો અર્થ રાધિકા અને કાલીગંજ શહેર તેની નજીક આવેલું છે. ‘કાલી’ એટલે ક્રિષ્ણા. જે બંને પાત્રો મહાભારતમાં આવે છે એટલે કે રાય ગંજ રાયગંજ નામ પડ્યું હશે.
નીતિન કોઠારી