અદાણી, પ્રીતિ ગૌતમ

September, 2024

અદાણી, પ્રીતિ ગૌતમ (જ. 29 ઑગસ્ટ 1965, મુંબઈ) : અદાણી ફાઉન્ડેશનનાં અધ્યક્ષા, અગ્રણી મહિલા શિક્ષણશાસ્ત્રી અને દાતા.

તેઓ દંતચિકિત્સક છે. તેમણે ગવર્નમેન્ટ ડેન્ટલ કૉલેજ, અમદાવાદમાંથી બી.ડી.એસ.ની પદવી મેળવી. કારકિર્દીની શરૂઆત દંતચિકિત્સક તરીકે કરી. અદાણી ગ્રૂપના ચૅરમૅન ગૌતમ અદાણી સાથે લગ્ન કર્યા પછી ૧૯૯૬માં અદાણી ફાઉન્ડેશનનાં અધ્યક્ષા બન્યાં. તેમના નેતત્વ હેઠળ અદાણી ફાઉન્ડેશન આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી આત્મનિર્ભર કરવાની પ્રવૃત્તિઓ કરે છે.

પ્રીતિ ગૌતમ અદાણી

2001માં આવેલા ભૂકંપ પછી તેમણે મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલ શરૂ કરી. જૂન, 2009માં ભદ્રેસર અને અમદાવાદમાં અદાણી વિદ્યામંદિરની સ્થાપના કરી. આ શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપવાની સુવિધા ઉપલબ્ધ છે.

તેમણે ‘ગ્રોથ વિથ ગુડનેસ’ને કેન્દ્રમાં રાખી સામાજિક પ્રવૃત્તિઓ કરી છે. તેમના નેતૃત્વમાં અદાણી જૂથનું 2018-19નું કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી (CSR) બજેટ 128 કરોડ રૂપિયા હતું. તેમના ફાઉન્ડેશને દેશનાં 19 રાજ્યોમાં 5753 કરતાં વધુ ગામડાંઓમાં વાર્ષિક 7.3 મિલિયન લોકોને મદદ કરી છે. 35000થી વધારે લોકો અને પરિવારોને આત્મનિર્ભર બનાવ્યા છે.

તેમણે કરેલી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ બદલ તેમને 2010-11માં એફ.આઈ.સી.સી.આઈ. ફ્લો મહિલા દાનવીર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ગુજરાત લૉ સોસાયટી યુનિવર્સિટી દ્વારા તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી આપવામાં આવી છે.

અનિલ રાવલ