ઉષ્ણતાજન્ય વિકૃતિ (thermal metamorphism) : પૃથ્વીના પોપડાના અગ્નિકૃત અને જળકૃત ખડકો ઉપર મુખ્યત્વે ઉષ્ણતાને કારણે થતી વિકૃતિ. અગ્નિકૃત કે જળકૃત ખડકો ઉપર ઉષ્ણતા અને દાબની અલગ કે સંયુક્ત અસરથી અથવા ઉષ્ણતા અને સમદાબથી પેદા થતી વિકૃતિનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય :
આવી અસરોથી પેદા થતા ખડકોને વિકૃત ખડકો કહે છે. ઉષ્ણતાજન્ય વિકૃતિ દરમિયાન ખડકો ઉપર ઉષ્ણતામાનની અસર (1) પૃથ્વીની સપાટીથી ઊંડે જતાં તાપમાનના વધારાને કારણે, (2) ઘર્ષણને કારણે, (3) મૅગ્મા(ભૂરસ)ની અંતર્ભેદનની ક્રિયાને કારણે અથવા (4) ભૂમધ્યાવરણમાં કાર્યરત ઉષ્ણતાનયનના પ્રવાહોને કારણે થતી હોય છે. પૃથ્વીની સપાટીથી 100 કિમી.ની ઊંડાઈએ આશરે 1,100oથી 1,200o સે. તાપમાન હોવાનું અંદાજાય છે. આ ઉપરથી એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ખંડીય પોપડાના તળ ભાગમાં તાપમાન આશરે 500o જેટલું હશે. ઉષ્ણતાજન્ય વિકૃતિ દરમિયાન દાબનો અભાવ હોતો નથી, પરંતુ તેની અસર ગૌણ હોય છે.
ઉષ્ણતાની અસરને કારણે ખડકોનું પુન:સ્ફટિકીકરણ થાય છે, તેથી ઉદભવતા ખડકોમાં નવી કણરચનાઓ તેમજ સંરચનાઓ અસ્તિત્વમાં આવે છે. વળી ઉષ્ણતાજન્ય વિકૃતિ દરમિયાન ખડકોમાં મૂળ ખનિજો વચ્ચે રાસાયણિક સંતુલન જળવાતું નથી. તેથી રાસાયણિક પ્રક્રિયાઓને કારણે નવાં ખનિજો ઉદભવે છે. આમ મૂળ ખનિજોને બદલે આવી વિકૃતિને પરિણામે ખડકોમાં નવાં ખનિજો જોવા મળે છે. ઉષ્ણતાજન્ય વિકૃતિને કારણે પેદા થતા મુખ્ય ખનિજો નીચે પ્રમાણે છે :
આરસપહાણ વિવિધ રંગોમાં જોવા મળે છે. તે મૂળ ચૂનાખડકમાં રહેલી અશુદ્ધિઓ તેમજ ખડકમાંના ખનિજકણો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે છે. દા.ત., આરસપહાણનો લીલો રંગ તેના બંધારણમાં રહેલ સર્પેન્ટાઇન ખનિજને કારણે હોય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે