ઉલ્મસ (અલ્મસ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઉલ્મેસી કુળની એક પ્રજાતિ. તે ‘એલ્મ’ કે ‘મીઠા એલ્મ’ તરીકે ઓળખાવાતી પર્ણપાતી (deciduous) વૃક્ષ-જાતિઓની બનેલી છે અને તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 5 જાતિઓ થાય છે અને હિમાલયની ગિરિમાળા તેમજ સિક્કિમમાં તે મળી આવે છે.
Ulmus lanceifolia Roxb. (બં. અને ને. લાપી; ગરો. – બોરસુઈ, સેલ્સુઈ; ખાસી – ડીએંગ – તાયર્સન; આસામ – માનુક) 21 મી. જેટલી ઊંચાઈવાળું વિશાળ વૃક્ષ છે અને કુમાઉંથી સિક્કિમ સુધી 300 મી.થી 1,500 મી.ની ઊંચાઈએ અને મેઘાલયની ખાસી અને ગરોની, અને મિઝોરમની લુશાઈની ટેકરીઓ ઉપર મળી આવે છે. તેની છાલ ભૂખરી-બદામી અને ત્વક્ષીય (corky) હોય છે અને પતરીઓ-સ્વરૂપે તેનું અપશલ્કન (exfoliation) થાય છે. પર્ણો સાદાં, સખત, ભાલાકાર કે અંડ-ભાલાકાર (ovate-lanceolate) અને કુઠદંતી (crenate) હોય છે. પુષ્પો સફેદ હોય છે અને ટૂંકી કલગી ઉપર ગોઠવાયેલાં હોય છે. સપક્ષ ફળો (samaras) 2.5 સેમી. જેટલાં લાંબાં અને તેમના ખંડો સામાન્યત: અંતર્વક્ર (incurved) હોય છે.
તેનું કાષ્ઠ આછા લાલ રંગથી માંડી આછું ભૂખરું-લાલ કે આછું બદામી કે અખરોટિયા રંગનું, મધ્યમ-સૂક્ષ્મ અને સુરેખ ગઠનવાળું, સખતથી અતિ સખત અને ભારે (વિ. ગુ. 0.82; વજન 849 કિગ્રા./ઘમી.) હોય છે. તેને વહેરવું કેટલીક વાર મુશ્કેલરૂપ હોય છે, છતાં તેની સપાટી ચળકતી અને લીસી બનાવી શકાય છે. તેનો ઉપયોગ ખાસ થતો નથી; છતાં સામાન્ય સુથારીકામ અને ઘર-બાંધકામમાં વપરાય છે. પર્ણોનો ઢોરોના ચારા માટે ઉપયોગ થાય છે.
U. wallichiana Planch. (હિં. મોરેડ, પાબુના, ચંબુર માયા; કુમાઉં – મરલ, મરીન, ઇમ્રોઇ, મૈરુ, ચંબરમોવા.) લગભગ 33 મી.ની ઊંચાઈ અને 2.7 મી.નો ઘેરાવો ધરાવતું વૃક્ષ છે અને હિમાલયમાં કાશ્મીરથી ઉત્તર પ્રદેશ અને નેપાલમાં 900 મી.થી 3,000 મી.ની ઊંચાઈએ થાય છે. ઘણી વાર તેનું ગામની નજીક વાવેતર કરવામાં આવે છે, જેથી તેનાં પર્ણો ઢોરોને ખવડાવી શકાય. તેની છાલ ખૂબ ખરબચડી હોય છે અને હીરા-આકારની પતરીઓ સ્વરૂપે તેનું અપશલ્કન થાય છે. પર્ણો મોટાં, તિર્યકપણે (obliquely) ઉપવલયી અને તલ પ્રદેશે સાંકડાં હોય છે. પુષ્પો રતાશ પડતાં બદામી અને ટૂંકી કલગી સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ સપક્ષ પ્રકારનું અને 12 મિમી.થી 16 મિમી. લાંબું, કેટલીક વાર પ્રતિહૃદયાકાર (obcordate), પાંખો ગોળ અને જાલમય હોય છે.
આ વૃક્ષ સિલ્વર ફર (Abies pindrow), ઇંડિયન હૉર્સ-ચેસ્ટનટ (Aesculus indica) અને Juglans negiaની સાથે મિશ્રપણે ભેજવાળાં સ્થાનોએ વેર-વિખેર જોવા મળે છે. તે પ્રકાશાપેક્ષી (light-demanding) હોવા છતાં તે તરુણ અવસ્થામાં આછો છાંયડો સહન કરી શકે છે. તે મૂલ-અંત:ભૂસ્તારી (root-sucker) ઉત્પન્ન કરતું નથી. તેની વૃદ્ધિ અત્યંત ધીમી (2.6 સેમી./વર્ષ) થાય છે.
તેનું રસકાષ્ઠ (sapwood) આછા બદામી-સફેદથી આછું ભૂખરું-બદામી હોય છે અને વિશિષ્ટ વાસ ધરાવે છે. અંત:કાષ્ઠ (heart-wood) ભૂખરું બદામી કે આછું બદામી હોય છે અને ઉંમર વધતાં ચેસ્ટનટ-બદામી બને છે. તેમાં ઘેરા પટ્ટાવાળી અનિયમિત રેખાઓ જોવા મળે છે અને ચળકતું, સુરેખ કે છીછરું અને અનિયમિતપણે અંતર્ગ્રથિત (interlocked) દાણાદાર, હલકું કે મધ્યમસરના વજનવાળું (વિ. ગુ. 0.61; વજન 624 કિગ્રા./ઘમી.) હોય છે. કાષ્ઠનું સંશોષણ (seasoning) કોઈ પણ મુશ્કેલી વિના થાય છે અને તે ચિરાતું નથી. સંશોષિત કાષ્ઠ આવરણ (cover) હેઠળ કે પાણીની નીચે પણ ટકાઉ હોય છે. તેનું 23 માસનું જીવન હોય છે. તે ઉચ્ચતાપસહ (refractory) હોય છે અને તેની લીલી અવસ્થામાં ઉપયોગ કરવામાં આવે તો તેના ઉપર કીટક-આક્રમણ થઈ શકે છે. તે સહેલાઈથી વહેરી શકાય છે. સાગના કાષ્ઠની સાથેની તેના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા (ટકાવારીમાં) આ પ્રમાણે છે : વજન 75 %; પાટડાની મજબૂતાઈ 45 %; પાટડાની દુર્નમ્યતા (stiffness) 45 %; સ્તંભ તરીકેની ઉપયુક્તતા 40 %; આઘાત-અવરોધક ક્ષમતા 85 %; આકારની જાળવણી 60 %; અપરૂપણ (shear) 70 % અને કઠિનતા 45 %.
તેનો રાચરચીલામાં ઉપયોગ થાય છે. જો કાળજીપૂર્વક વહેરવામાં આવે તો તે રૂપેરી-દાણાદાર અને સુંદર દેખાય છે અને સારી પૉલિશ ધારણ કરે છે. સ્થાનિક રીતે તેનો દેવદાર (cedrus deodara) અને ચીલ(pinus excelsa)ની જગાએ ઉપયોગ થાય છે. તે હલકાં બાંધકામ, કાષ્ઠ-પૃષ્ઠ (plank), સંવેષ્ટન (packing), રાચરચીલું, બૉબિન અને રીલ વગેરે બનાવવામાં ઉપયોગી છે.
તેની છાલ મજબૂત રેસાવાળી હોવાથી તેનો દોરડાં, સૅડલો અને દોરીઓ બનાવવામાં ઉપયોગ થાય છે. તે સ્ફોટક પદાર્થોને પ્રજ્વલિત કરવામાં ઉપયોગી છે. છાલમાં 0.76 % ટેનિન હોય છે. પુષ્પ-દંડોમાંથી પણ રેસા ઉત્પન્ન થાય છે.
ગુજરાતમાં U. integrifolia Roxb. syn. Holoptelia integrifolia (Roxb.) Planch (સં. ચિરબિલ્વ; મ. વાવળા; હિં. ચિરમિલ, ચિલબિલ, પાપરી, કરંજી; ગુ. કણઝો, કણઝી, વાવળા, પલપલિયા, ચરેલ; અં. ઇંડિયન એલ્મ) નામની જાતિ મળી આવે છે. તે 15 મી.થી 20 મી. જેટલું ઊંચું વિશાળ પર્ણપાતી વૃક્ષ છે અને ભારતમાં 600 મી.ની ઊંચાઈ સુધી બધે જ થાય છે. તેને કેટલીક વાર રસ્તાની બંને બાજુએ વાવવામાં આવે છે. તેની છાલ ભૂખરી અને સ્ફોટપૂર્ણ (pustular) હોય છે અને તેનું અપશલ્કન કેટલેક અંશે ત્વક્ષીય શલ્ક(corky scales)-સ્વરૂપે થાય છે. તેનાં પર્ણો ઉપવલયી-અંડાકાર (elliptic-ovate) અને અણીદાર હોય છે. તેનો તલ ગોળાકાર કે ઉપહૃદયાકાર (subcordate) હોય છે. પુષ્પો નાનાં, લીલાશ પડતાં પીળાં, બહુસંગમની (polygamous) અને ટૂંકી કલગી કે ગુચ્છા(fascicles)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પર્ણ ખરી પડતાં જે ડાઘ (scar) રહી જાય ત્યાં પુષ્પોનાં ઝૂમખાં ઊગે છે. વજ્ર ચાર વજ્રપત્રોનું બનેલું અને બીજાશય એકકોટરીય હોય છે. ફળ સપક્ષ, ઉપવલયાકાર (suborbicular) અને ખાદ્ય હોય છે. તેની પાંખ ત્વચીય અને બીજ ચપટાં હોય છે. છાલ કાપતાં કે પર્ણો અને શાખાઓને કચડતાં ખરાબ વાસ આવે છે.
તે સારા નિતારવાળી ઊંડી છિદ્રાળુ મૃદામાં સારી રીતે ઊગે છે અને હલકી, છીછરી મૃદામાં તે કુંઠિત બની વાંકીચૂંકી વૃદ્ધિ સાધે છે. તે મધ્યમ પ્રકાશાપેક્ષી છે અને હિમ-સહિષ્ણુ (frost-hardy) નથી. તેનું ઝાડી-વન (coppice) સારી રીતે બને છે. પ્રસર્જન બીજ દ્ધારા થાય છે. વૃદ્ધિનો દર (ઘેરાવામાં વધારો 2.6 સેમી./વર્ષ) ઝડપી હોય છે.
તેનું તાજું કાપેલું કાષ્ઠ આછું પીળું અને અણગમતી વાસ ધરાવે છે. તે ચમકીલું, કેટલેક અંશે અંતર્ગ્રથિત દાણાદાર, મધ્યમ અને સુરેખ ગઠનવાળું, મધ્યમસરનું ભારે (વિ. ગુ. 0.63; વજન 640 કિગ્રા./ઘમી.) અને મજબૂત હોય છે. તે સ્પષ્ટ અંત:કાષ્ઠ ધરાવતું નથી.
તેનું સંશોષણ સારી રીતે થતું હોવા છતાં તે વિકૃતિ અને સડો પામી શકે છે. તેનું ભઠ્ઠી-સંશોષણ (kiln-seasoning) સફળતાપૂર્વક થાય છે અને તેનો ચળકાટ અને રંગ જળવાય છે. તેને સારી રીતે વહેરી શકાય છે; તે પૉલિશ ગ્રહણ કરી શકે છે અને તેના પર ખરાદીકામ થઈ શકે છે.
સાગના સંદર્ભમાં તેના કાષ્ઠના ગુણધર્મોની તુલનાત્મક ઉપયુક્તતા (ટકાવારીમાં) આ પ્રમાણે છે : વજન 85 %; પાટડાની મજબૂતાઈ 65 %; પાટડાની દુર્નમ્યતા 65 %; સ્તંભ તરીકેની ઉપયુક્તતા 65 %; આઘાત-અવરોધક ક્ષમતા 100 %; આકારની જાળવણી 80 %; અપરૂપણ 95 %; અને કઠિનતા 80 %. તેનું ઉષ્મીય મૂલ્ય ઊંચું હોય છે અને તે બળતણ માટે સારું કાષ્ઠ ગણાય છે.
તેનું કાષ્ઠ બ્રશના હાથા, સસ્તાં રાચરચીલાં, કબાટ, બૉબિનો, ભૌમિતિક સાધનો, કાંસકા, જોડાની એડીઓ, પ્લાયવૂડ, દીવાસળીની પેટીઓ, રીલ, હોડી, સંવેષ્ટન, સ્લેટનાં ચોકઠાં, પેટીઓ અને કાગળનો માવો બનાવવામાં ઉપયોગી છે.
છાલના માવામાંથી હાર્ડ બૉર્ડ અને વીજરોધક-બૉર્ડ બનાવવામાં આવે છે. તે લિગ્નિન 36.2 %; સૅલ્યુલોસ 41.1 %; પેન્ટોસન 12.5 % અને ભસ્મ 6.34 % ધરાવે છે. તે શ્લેષ્મી હોય છે અને સંધિવામાં લગાડવામાં આવે છે.
બીજમાંથી 37.4 % જેટલું પીળા રંગનું તેલ ઉત્પન્ન થાય છે. બીજનું મીંજ ખવાય છે અને બદામ જેટલી પૌષ્ટિકતા ધરાવે છે. પર્ણો અને કાચાં ફળો ઢોરને માટે ખાદ્ય છે, છતાં તેમને માટે ઢોરને અભિરુચિ હોતી નથી. પર્ણોનું (શુષ્ક) રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 13.71 %; ઈથર-નિષ્કર્ષ 1.86 %; કુલ કાર્બોદિતો 69.91 %; ભસ્મ 14.52 %; કૅલ્શિયમ 4.25 % અને ફૉસ્ફરસ 0.15 %.
આયુર્વેદ અનુસાર તે કરંજની જેમ શોથહર, વિદાહી અને કીટાણુનાશક છે. તેનો ઉપયોગ ગૂમડાં, વાયુની ગાંઠો, બદ બેસી જવા માટે અને વાળા ઉપર થાય છે.
ઉલ્મસની અન્ય જાતિઓમાં U. parviflora Jacq. અને U. villosa Brandis syn. U. laevigata Royleનો સમાવેશ થાય છે.
મીનુ પરબિયા
બળદેવભાઈ પટેલ