ઉલ્કા અને ઉલ્કાશ્મ (meteors and meteorites) : રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતા તેજસ્વી લિસોટા અને પૃથ્વીના પટ પર પડેલી ઉલ્કાઓના ધાત્વિક કે પાષાણિક પિંડો. ઉલ્કા એ અંધારી રાત્રે દેખાતા પ્રકાશિત લિસોટા છે. લોકભાષામાં તેમને ‘ખરતા તારા’ (shooting stars) પણ કહે છે. ધાત્વિક કે પાષાણિક અવકાશી પિંડો પોતાના મૂળ સ્થાનેથી મુક્ત થઈને જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રચંડ વેગ સાથે એકાએક પ્રવેશે ત્યારે ઉદભવતા ઘર્ષણથી સળગી ઊઠે છે અને પસાર થતા તેજલિસોટારૂપે દેખાય છે. પૃથ્વીના વાતાવરણમાં દરરોજ અનેક ઉલ્કાઓ પ્રવેશે છે; પણ તે બધી, તેજરેખાઓ દાખવતી નથી. ખરતી ઉલ્કાઓ જો મોટા કદની હોય તો તેમના તેજસ્વી લિસોટા લાંબા સમય સુધી દેખાતા હોય છે. આવી ઉલ્કાઓનો પ્રકાશ એટલો બધો હોય છે કે તે ‘અગ્નિ-ઉલ્કા’ (અગ્નિપિંડ – fire balls) તરીકે ઓળખાય છે. ક્યારેક તે દિવસના સમયે પણ દેખાય છે અને ઘણી વાર મોટી ગર્જના સાથે તેમનો સ્ફોટ થતો હોય છે.
મોટાભાગની ઉલ્કાઓ સામાન્યત: તો સૂક્ષ્મ કણોની બનેલી હોય છે. આવો કોઈ સૂક્ષ્મ કણ જ્યારે ગુરુત્વાકર્ષણને કારણે 65 કિમી./સેકન્ડ જેટલી પ્રચંડ ઝડપથી પૃથ્વીના વાતાવરણમાં ખેંચાઈ આવે ત્યારે હવા સાથેના ઘર્ષણને કારણે સળગી ઊઠે છે અને અલ્પ સમય માટે તેજલિસોટારૂપે દેખાય છે. ર્દશ્ય અને અર્દશ્ય ઉલ્કાકણોનો આશરે 900 મેટ્રિક ટન જેટલો જથ્થો રોજ પૃથ્વી પર પડતો રહે છે, જે પૃથ્વીના વજનમાં ઉમેરાતો જાય છે. ઉલ્કાઓના ર્દશ્ય તેજલિસોટા તે જ્યારે પૃથ્વીથી 100 કિમી. અંતરે હોય ત્યારે દેખાવા શરૂ થાય છે. વાતાવરણમાં પ્રવેશ થવાની સાથે તે ગરમ થાય અને સળગી ઊઠે ત્યારે તેની આજુબાજુની હવા લગભગ 2,200o સે. જેટલા તાપમાને ગરમ થાય છે. પરિણામે 80થી 48 કિમી.ની ઊંચાઈના સ્તરે આવતા સુધીમાં તો તે બળીને ખાખ થઈ જાય છે.
મોટાભાગના ઉલ્કાપિંડો મૂળ તો સૂર્યમંડળના એક ભાગરૂપ જ હોય છે. સૂર્ય આજુબાજુની તેમની ભ્રમણકક્ષા તથા ભ્રમણવેગ તેમના પોતાના મૂળ સ્થાનભેદે જુદાં જુદાં હોય છે. જે વધુ ઝડપી હોય તેમનો ભ્રમણવેગ 40 કિમી./સેકન્ડનો હોય છે. તેની તુલનામાં પૃથ્વીનો ભ્રમણવેગ 30 કિમી./સેકન્ડ જેટલો હોય છે. આથી પોતાના મૂળ સ્થાનેથી છૂટો પડી કોઈ પણ ઉલ્કાપિંડ (કણ) પૃથ્વીના વાતાવરણના ઉપલા સ્તરમાં પ્રવેશે ત્યારે બંનેનો ભ્રમણવેગ ભેગો થતાં 70 કિમી./સેકંડ જેટલો થઈ જાય છે. ઉલ્કાપિંડ જો પૃથ્વીની ભ્રમણદિશાને સમાંતર પ્રવેશ પામી ગતિ કરે તો તેનો વેગ ધીમો રહે છે, ઊલટી દિશામાં તે વધી જાય છે. સળગી ઊઠતી ઉલ્કાનો સળગતા રહેવાનો સમયગાળો સામાન્ય રીતે તો થોડીક જ સેકંડો પૂરતો રહેતો હોય છે, પરંતુ ક્યારેક તેજલિસોટો થોડીક મિનિટો સુધી પણ ચાલુ રહે છે. મોટાભાગના ઉલ્કાકણો ટાંકણીના માથા કે રેતીના કણકદના હોય છે.
સૂક્ષ્મ ઉલ્કાકણો પૃથ્વી તરફ ખેંચાઈ તો આવે છે, પરંતુ અત્યંત હલકા હોવાને કારણે તે પૃથ્વીના વાતાવરણમાં તરતા રહે છે અને પછી ધીમે ધીમે પૃથ્વીની સપાટી પર ઊતરી આવે છે. આવા ઉલ્કાકણોને અલગ તારવવાનું કામ કઠિન છે. સમુદ્રજળમાં ઊતરી પડતા ઉલ્કાકણો ઊંડાઈના સ્થળભેદે તળ પર પહોંચી એક પ્રકારનું પડ બનાવે છે, આવાં પડ સરળતાથી ઓળખી શકાય છે.
ઉલ્કાઓના બે પ્રકાર જોવા મળે છે : (1) એકલ-ઉલ્કા (sporadic meteor) અને (2) ઉલ્કાવર્ષા (meteor showers). એકલ-ઉલ્કાનું કોઈ ખાસ ઉદગમસ્થાન નથી. આકાશમાં ગમે તે ભાગમાંથી તે ખરતી દેખાય છે. તે ઋતુ અનુસાર દિવસ કે રાત્રિના વહેલા-મોડા સમયે વધઘટ દાખવે છે. રાત્રિના બાર પહેલાં દેખાય તેના કરતાં મધ્યરાત્રિ પછી તે લગભગ બમણી સંખ્યામાં દેખાય છે. તેમની મહત્તમ સંખ્યા વસંતઋતુમાં હોય છે. એકલ-ઉલ્કાઓ ઉલ્કાગર્તોની જનેતા ગણાય છે.
વર્ષમાં અમુક ચોક્કસ સમયે કેટલીક રાત્રિઓમાં ઉલ્કાઓનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જેને ઉલ્કાવર્ષા કહે છે. આકાશમાંના કોઈ ચોક્કસ સ્થાનમાંથી તે આવતી હોય તેમ જણાય છે. આવા સ્થાનને ઉલ્કોદગમ (ઉલ્કામૂળ) કહે છે. દર વર્ષે સંખ્યાબંધ ઉલ્કાપિંડોની વૃષ્ટિ થતી હોય છે. એવે ટાણે આકાશમાં જાણે કે તણખાઓની ઝડી વરસતી હોય એવું ર્દશ્ય પણ ઊભું થાય છે. ઉલ્કાઓનાં આવાં વૃષ્ટિ-ર્દશ્ય ધૂમકેતુ જેવાં લાગે છે. 1833ના નવેમ્બરની 13મી તારીખે તથા 1966માં પણ આ પ્રકારનું ખૂબ જ ઝળહળતું ર્દશ્ય જોવા મળેલું. ઉપલબ્ધ લેખિત નોંધ મુજબ, આવી વૃષ્ટિ 902માં પણ થયેલી. ઉલ્કાવર્ષાનું સર્વપ્રથમ વ્યવસ્થિત વૈજ્ઞાનિક નિરીક્ષણ 1913માં કરવામાં આવેલું. ઉલ્કાવર્ષાનો આ સ્રોત, સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી ઉલ્કાધારાઓનો હોય છે. આવા વિભિન્ન સ્રોતોમાંથી પૃથ્વી તેની પ્રદક્ષિણા દરમિયાન પસાર થાય ત્યારે ઉલ્કાધારાની ઉલ્કાઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ખેંચાઈ આવે છે. મહદ્અંશે આ ઉલ્કાધારાઓ ધૂમકેતુના ભાંગી ગયેલા અવશેષોની બનેલી હોય છે. જે તે ધૂમકેતુની કક્ષામાં, સૂર્યની આસપાસ ભ્રમણ કરતી તે પૃથ્વીની નજીક આવે છે ત્યારે વર્ષમાં એક કે બે વાર ઉલ્કાવર્ષા ઉદભવે છે. આકાશનાં વિવિધ સ્થાનોમાંથી આવી ઉલ્કાવર્ષા થયાં કરે છે, તે પૈકી ભૂતેશ (bōōtes), કુંભ (aquarius), મૃગ (orion), વૃષભ (taurus), યયાતિ (perseus) અને સિંહ (leo) મંડળમાંથી થતી ઉલ્કાવર્ષા મુખ્ય છે. ખગોળવિદો ઉલ્કાવર્ષાને જે નક્ષત્રમાંથી તે છૂટી પડીને આવી હોય તેનું નામ આપે છે. દર વર્ષે અમુક ચોક્કસ સમયે થતી રહેતી ઉલ્કાવર્ષાની યાદી તેમની વિશેષ પ્રક્રિયાની તારીખો સહિત નીચે મુજબ છે :
મહત્વની ઉલ્કાવર્ષા
ઉદગમસ્થાન | સમય | ઉદગમસ્થાન | સમય |
ક્વૉડ્રેન્ટિડ | જાન્યુઆરી-3 | ઓરિયૉનિડ | ઑક્ટોબર-22 |
લીરિડ | એપ્રિલ-21 | ટૉરિડઉત્તર | નવેમ્બર-1 |
ઇટા એક્વારિડ | મે-4 | ટૉરિડદક્ષિણ | નવેમ્બર-16 |
ડેલ્ટા એક્વારિડ | જુલાઈ-29 | લિયોનિડ | નવેમ્બર-17 |
પરસિડ | ઑગસ્ટ-12 | જેમિનિડ | ડિસેમ્બર-12 |
જુલાઈ 17થી ઑગસ્ટ 15 દરમિયાન થતી યયાતિ ઉલ્કાવર્ષા ઉત્તમ પ્રકારની ગણાય છે. તે વખતે દર કલાકે 50 જેટલી ઉલ્કાઓને ખરતી જોઈ શકાય છે. આવી એક ઉલ્કા 28 જાન્યુઆરી, 1976ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ધજાળા ગામે પડી હતી. (જુઓ : ઉલ્કા – ધજાળા.)
ઉલ્કાઓનું નિરીક્ષણ મેનિસ્કસ શ્મિટ વડે અને તેમના દ્વારા ઉત્પન્ન થતા આયનોનો અભ્યાસ રડાર દ્વારા કરવામાં આવે છે. આ બધી ઉલ્કાઓ સૂર્યમંડળ પૂરતી સીમિત છે.
ઉલ્કાશ્મ : પૃથ્વી પર આવીને અથડાતી ઉલ્કાઓને ઉલ્કાશ્મ (meteorite); ઉલ્કાપાષાણ કે ઉલ્કાપિંડ કહે છે. તે નાના કાંકરા જેવડા કદથી માંડીને મોટી શિલા સુધીના કદમાં હોય છે. વજનની ર્દષ્ટિએ તે થોડાક ગ્રામથી અમુક ટન સુધીના હોય છે. આવા મોટા ઉલ્કાપિંડો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઘર્ષણ અને ગરમીને કારણે પ્રચંડ અવાજ સહિત સ્ફોટ પામે છે. 1908માં સાઇબીરિયામાં તુંગુસ્કા ઉલ્કાનો સ્ફોટ થયેલો. જ્યાં આ ઉલ્કાપિંડ પડેલો ત્યાંથી 750 કિમી.ના અંતર સુધી લોકોએ તેને દિવસના પ્રકાશમાં ઝળહળતા સ્વરૂપે જોયેલો. તેનો અવાજ 80 કિમી. સુધી સંભળાયેલો. આ ઉલ્કાનું વજન સેંકડો ટનનું અંદાજવામાં આવેલું. તેનાં અથડામણ અને આઘાતને પરિણામે 32 કિમી. જેટલો વિસ્તાર શેકાઈ ગયેલો અને નજીકનો જંગલવિસ્તાર સમતળ થઈ ગયેલો. 1947માં એક ઉલ્કા પૂર્વ સાઇબીરિયામાં સિખોત-અલીન (Sikhote-Alin) પર્વત પર પડેલી. પડતી વખતે તેનો સ્ફોટ થવાથી તે ટુકડાઓમાં વિભાજિત થઈ ગયેલી, તેણે 200થી વધુ ઉલ્કાગર્ત પૃથ્વીની ત્યાંની સપાટી પર બનાવેલા.
પૃથ્વી પર ઉલ્કાશ્મો ઘણે સ્થળે મળી આવેલા છે, જેમાં ઍન્ટાર્ક્ટિકા ખંડમાં તેનું પ્રમાણ વિશેષ જોવા મળેલું છે. ઉલ્કાશ્મોનું એક સંગ્રહસ્થાન ન્યૂયૉર્ક(યુ.એસ.)માં આવેલું છે. ખગોળવિદો માટે ઉલ્કાશ્મ ઘણા જ મહત્વના છે, કારણ કે આ એક જ એવું પાર્થિવેતર દ્રવ્ય (extra terrestrial material) છે, જેનો અભ્યાસ પ્રયોગશાળામાં કરી શકાય છે. ઉલ્કાશ્મો અવકાશજનિત હોવાથી અભ્યાસની ર્દષ્ટિએ તેમનું મહત્વ વિશેષ છે.
બંધારણની ર્દષ્ટિએ ઉલ્કાઓના બે પ્રકારો છે : પાષાણ-ઉલ્કા અને લોહ-ઉલ્કા. પાષાણ-ઉલ્કાઓ લોહકણો સહિતનાં ઘણાં ખનિજોથી બનેલી હોય છે. કેટલીક ઉલ્કાઓ જ્વાળામુખીજન્ય ખનિજોને મળતી આવે છે. લોહ-ઉલ્કાઓ નિકલ સહિતના લોહકણોથી બનેલી હોય છે. તેના બંધારણમાં કોબાલ્ટ, તાંબું, ફૉસ્ફરસ, કાર્બન અને ગંધક પણ હોય છે.
દ્રવ્યસંપત્તિ અનુસાર ઉલ્કાશ્મના ત્રણ પ્રકારો પડે છે : (1) લોહ-નિકલ પ્રકાર, (2) પાષાણ પ્રકાર અને (3) લોહપાષાણ પ્રકાર. આ સિવાય સિલિકેટ પ્રકારના ઉલ્કાશ્મ ગોલકો પણ મળે છે, જે ચંદ્રમણિ નામે ઓળખાય છે.
વૈજ્ઞાનિકો અભ્યાસ અર્થે ઉલ્કાકણો એકઠા કરતા હોય છે. ઉલ્કાઓના બંધારણ પરથી ગ્રહો અને ચંદ્રના દ્રવ્યનો તાગ મેળવી શકાય છે. મોટામાં મોટી ઉલ્કા નામિબિયા(દક્ષિણ આફ્રિકા)ના હોબા વેસ્ટ ખાતે પડેલી. તેનું વજન લગભગ 60 મેટ્રિક ટન જેટલું હતું. 31 મેટ્રિક ટન વજનની એક નિકલ-લોહ ઉલ્કા ઍહનીઘીટો હેયડન પ્લૅનિટેરિયમમાં મૂકેલી છે. આ ઉલ્કાને 1897માં આર્ક્ટિક તરફ ગયેલો આરોહક રૉબર્ટ ઈ. પિયરી પશ્ચિમ ગ્રીનલૅન્ડમાંથી યુ.એસ. ખાતે લઈ આવેલો. ઍન્ટાર્ક્ટિકામાં નાની-નાની હજારો ઉલ્કાઓ પડેલી જોવા મળેલી છે. ત્યાંથી અભ્યાસ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય છે.
1950–60ના ગાળામાં વૈજ્ઞાનિકોએ કૅનેડામાંના હડસનના અખાતના પૂર્વ કાંઠા પર 640 કિમી. પહોળું વિશાળ ગર્ત શોધી કાઢેલું, જે સંભવત: પૃથ્વી પર પડેલી મોટામાં મોટી ઉલ્કાને કારણે હોઈ શકે. આ સિવાય કૅનેડામાં બીજાં ચાર ઉલ્કાગર્ત પણ જોવા મળેલાં છે. સસ્કેચવાનના ડીપ બે ખાતે 11થી 13 કિમી. પહોળું એક ગર્ત આવેલું છે. ઉનગાવા દ્વીપકલ્પ પર 3.2 કિમી. પહોળું ચબ્બ ગર્ત છે. એવું જ બીજું ગર્ત 3.2 કિમી. પહોળું ઑન્ટેરિયોના બ્રેન્ટ ખાતે પણ છે. ઑન્ટેરિયોના હોલફર્ડ ખાતે 2.4 કિમી. પહોળું ગર્ત પણ છે. ઍરિઝોના (યુ.એસ.) ખાતે આવેલું આશરે 1,250 મીટર પહોળું અને 174 મીટર ઊંડું ઉલ્કાગર્ત જોવા મળે છે. તેની બાહ્ય ધાર આજુબાજુના ભૂમિતળથી 45 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. ભારતનાં લોનાર અને કોયના સરોવરને પણ ઉલ્કાગર્ત ગણાવેલાં છે.
છોટુભાઈ સુથાર
દીપક ભદ્રશંકર વૈદ્ય
નીતિન કોઠારી
ગિરીશભાઈ પંડ્યા