ઉભયજીવીઓ
(Amphibians)
માછલીઓમાં ઉત્ક્રમણથી ઉદભવ પામેલા, જળચર તેમજ સ્થળચર એમ બંને રીતે જીવવાનું અનુકૂલન ધરાવતાં ઉભયચર પૃષ્ઠવંશીઓ. જીવકલ્પ(paleozoic era)ના ડેવોનિયન યુગ દરમિયાન ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યાં. તેમના અર્વાચીન વંશજો તરીકે દેડકાં, સાલામાંડર અને ઇક્થિયોફિસ જેવાં પ્રાણીઓ આજે જાણીતાં છે. આજે પૃથ્વી પર મુખ્યત્વે પૃષ્ઠવંશી સ્થળચરો તરીકે વાસ કરનારાં સરિસૃપો, પક્ષીઓ તેમજ સસ્તનોનાં ઉભયજીવી પૂર્વજો કરોડો વર્ષો પૂર્વે લુપ્ત પામ્યાં હતાં. ઉભયજીવીઓની ઉત્પત્તિ ડેવોનિયન યુગની ક્રોસોપ્ટેરિજિયન માછલીઓમાંથી થયેલી છે. આ માછલીઓની મીનપક્ષો (fins) માંસલ હતી અને તેમનાં હાડકાંની રચના ઉભયજીવીઓના જેવી હતી. તે કાર્યાત્મક ફેફસાં ધરાવતાં હતાં. કેટલાંક ઉભયજીવીઓમાં માથાનું છપ્પર સ્થળચર પૃષ્ઠવંશી પ્રાણીઓની જેમ નાસિકાની કોથળીઓ(nasal sacs)થી જોડાયેલું હતું. આ કોથળીઓ બાહ્ય નસકોરાં દ્વારા બહારથી અને અંત:સ્થ નસકોરાં દ્વારા અંદરની બાજુએથી એટલે કે મુખગુહામાં ખૂલતી હતી. આવી વ્યવસ્થા હેઠળ ઉભયજીવીઓનાં પૂર્વજો મોઢું બંધ રાખીને બાહ્ય વાતાવરણમાંથી હવાને મુખગુહામાં લઈને ફેફસાં દ્વારા શ્વસન કરી શકતાં હતાં.
નિર્માણાત્મક વિક્ષોભ (tectonic disturbances) માટે ડિવોનિયન યુગ જાણીતા હતો. એક પ્રચલિત માન્યતા મુજબ વિક્ષોભો તેમજ અનાવૃષ્ટિને કારણે નિર્જલ બનેલાં જળાશયોને તજીને ઉભયજીવીઓનાં પૂર્વજો માંસલ મીનપક્ષોની મદદથી જમીન પર ધીમે ધીમે ઘસડાઈને વિપુલ જળરાશિવાળાં જળાશયો સુધી પહોંચતાં હતાં.
માંસલ મીનપક્ષ ધરાવતી માછલીઓ માંસાહારી હતી. ડિવોનિયનના ઉત્તરાર્ધમાં જળાશય તેમજ તેની આસપાસની જમીન પર સંધિપાદો(arthropods – સ્તરકવચી, કીટકો અને અષ્ટપાદો)ની વસ્તી ઘણી હતી. તેથી શક્યતા છે કે માત્ર જળાશયમાં મળતા ખોરાક પર અવલંબિત રહેવાને બદલે અને હરીફાઈ ટાળવા જમીન પર સહેલાઈથી મળતા ખોરાક તરફ માછલીઓ આકર્ષિત થઈ હશે. પછી વધુ ને વધુ સમય તે જમીન પર પસાર કરવા લાગી હશે. પ્રાકૃતિક પસંદગીની અસર હેઠળ જળાશયની આસપાસ આવેલ જમીન પર રહેવા અનુકૂલન પામેલા માછલીના આ વિશિષ્ટ સંતાનોને ઉભયજીવીઓના પૂર્વજો તરીકે સંબોધી શકાય.
ગ્રીનલૅન્ડના નિક્ષેપોમાંથી મળી આવેલા અશ્મિઓ ક્રોસોપ્ટેરિજિયન અને ઉભયજીવીને જોડતી કડી જેવાં પ્રાણીનાં લક્ષણો ધરાવે છે, જેની ઉત્પત્તિ ડેવોનિયન યુગની શરૂઆતમાં થયેલી માલૂમ પડે છે. આ પ્રાચીન ઉભયજીવીઓ ઇક્થિઓસ્ટેગિડો તરીકે જાણીતાં છે.
જમીન પર જીવવામાં મહત્વનો પ્રશ્ન શરીરમાંથી પ્રવાહી સુકાઈ જવાનો એટલે કે શુષ્કન(desiccation)ને લગતો છે. પરમિયન યુગના ઉભયજીવીનાં અશ્મિઓ તપાસતાં તેમની ચામડીની જાડાઈ વધેલી જણાય છે. તેની દ્વારા તેમણે શુષ્કનનો પ્રશ્ન ઉકેલ્યો હશે.
પાણીનું ઘનત્વ શરીર કરતાં સહેજ વધારે પરંતુ હવા કરતાં અનેકગણું વધારે હોવાથી જળવાસી પ્રાણીઓ સહેલાઈથી પાણીમાં અધ્ધર તરી શકે છે. તેથી જળાશયીન પ્રાણીઓ જમીન પર આવે ત્યારે, જમીન પર શરીરને આધાર આપવા ઉપરાંત તેને અધ્ધર ઊંચકી અહીંતહીં ફેરવી શકે તેવાં અંગોની ખાસ જરૂર પડે છે. ક્રોસોપ્ટેરિજિયનના યુગ્મમીનપક્ષો (paired fins) કાળક્રમે આ કાર્ય માટે અનુકૂલિત બનીને તે મજબૂત સ્નાયુ તેમજ સ્નાયુબંધો ધરાવતાં થઈ ગયાં. સમય જતાં તેમનો વિકાસ ઉભયજીવીઓના અગ્ર અને પશ્ચપાદોરૂપે થયો. સાથે સાથે આ યુગ્મમીનપક્ષો સ્કંધ (pectoral) અને કટિમેખલા(pelvic girdle)ની મદદથી કરોડસ્તંભ દ્વારા આખા શરીરને અધ્ધર ઊંચકવા જેટલા મજબૂત થયા. દરમિયાન કશેરૂકાઓ (vertebrae) ર્દઢ બની. પછી કાળક્રમે યોજી-પ્રવર્ધો (zygapophysis) દ્વારા બે કશેરૂકા વચ્ચેના હલનને સીમિત બનાવવા ઉપરાંત બધી કશેરૂકાઓ પરસ્પર સરકતા સાંધા વડે જોડાતાં એક મજબૂત કશેરૂકાસ્તંભ (vertebral column) અથવા પીઠદંડરૂપે અસ્તિત્વમાં આવ્યો.
સ્થળચારી જીવનમાં પ્રજનનનો પ્રશ્ન પણ અતિ મહત્વનો છે. મત્સ્યો તેમનાં ઈંડાં પાણીમાં મૂકે છે ત્યાં તે સેવાય પણ છે. પ્રજનન માટે ઉભયજીવીઓએ કાં તો પાણીમાં પાછા જવું પડે અથવા તો સુરક્ષિત સ્થળે જમીન પર ઈંડાં મૂકવાં પડે. જમીન પર રહેવા માટે ટેવાયેલાં હોવા છતાં પ્રજનન માટે આ ઉભયજીવીઓ હજી પણ પાણીમાં પાછાં જાય છે. તે ઘણુંખરું પાણીમાં અને ક્વચિત્ ભેજવાળી જગાએ ઈંડાં મૂકે છે. તેમની આ વિશિષ્ટતાને કારણે આ ઉભયજીવીઓને જળસંલગ્ન સ્થળચર પ્રાણી તરીકે વર્ણવી શકાય.
ઉભયજીવી જીવન માટેનાં અનુકૂલનો
ચામડી : ઉભયજીવીઓની ઉત્ક્રાંતિની શરૂઆત તેઓએ કદાચ ચામડી પર ભીંગડાંનું આવરણ જાળવી રાખ્યું હશે. પરંતુ આધુનિક ઊભયજીવીઓ(lissamphibia)ની ચામડી પર ભીંગડાં જોવા મળતાં નથી.
ઉપાંગો : માછલીને તરવા માટે માછલીનાં મીનપક્ષો સાથે જોડાયેલા સ્નાયુઓ મીનપક્ષો ઉપર તથા નીચેની દિશામાં હલાવી શકે છે, જ્યારે ઉભયજીવીનાં ઉપાંગો સાથે સંકળાયેલા સ્નાયુઓ આ ક્રિયા ઉપરાંત ઉપાંગોને આગળ તથા પાછળની દિશામાં પણ હાલી શકાય તેવી રીતે કાર્ય કરવા માટે પણ અનુકૂલન પામ્યાં છે. આ અનુકૂલનમાં યુગ્મમીનપક્ષનાં હાડકાંએ મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ તો માંસલમીનપક્ષધારીના (crossopterygii) યુગ્મમીન પક્ષનાં હાડકાં સ્થળચર પ્રાણીઓનાં ચલનાંગોનાં હાડકાં સાથે સાર્દશતા ધરાવે છે. પછીથી ઉત્ક્રમણ દ્વારા કાર્યક્ષમ ચલન પગનાં હાડકાં તરીકે પરિવર્તન પામ્યાં.
પુચ્છ : અભિનવ ઉભયજીવીઓ પૈકી સપુચ્છી (urodela) શ્રેણીનાં ઉભયજીવીઓ તેમના કાળમાં મહદ્ અંશે પાણીમાં જ જોવા મળે છે. પૂંછડી તેમને તરવામાં મદદ કરે છે.
શ્વસન : ઉભયજીવીઓમાં શ્વસનક્રિયા મહદ્અંશે ત્વચા મારફતે થાય છે, જેને ત્વચીય શ્વસન કહે છે. આ ઉપરાંત તેમનામાં ફેફસાં અને મુખગુહા પણ શ્વસનાંગો તરીકે કાર્ય કરે છે. જાતિ અને નિવાસસ્થાનને અનુલક્ષીને ત્વચા અને ફેફસાંમાં વિવિધ પ્રકારનાં અનુકૂલનો જોવા મળે છે. દેડકાંનાં તથા ખાસ કરીને સૂકી ચામડીવાળાં ટોડનાં ફેફસાં અનેક ગડીવાળાં અને સુવિકસિત હોય છે, જ્યારે ઝરણાંમાં રહેતા ઉભયજીવીઓનાં ફેફસાં સાદી કોથળી જેવાં હોય છે. ઉભયજીવીઓનાં ફેફસાં પાણીની સપાટીની નજીક રહેવામાં એટલે કે પાણીમાં અધ્ધર રહેવામાં મદદરૂપ થાય છે. ફેફસાં વગરના અથવા અવિકસિત ફેફસાવાળા ઉભયજીવીઓની ચામડીમાં કેશવાહિનીઓનો વિસ્તૃત ફેલાવો જોવા મળે છે. એસ્ટાયલોસ્ટનેસ નામના આફ્રિકન દેડકામાં ફેફસાં અત્યંત નાનાં હોવાથી પ્રજનનકાળ દરમિયાન તેના કટિવિસ્તાર તથા જાંઘ પર શ્વસન પીટિકાઓ (papillae) જોવા મળે છે. ઉભયજીવીઓની ડિમ્ભાવસ્થામાં બાહ્ય કે આંતરિક ઝાલરો આવેલી છે, જે શ્વસનાંગોનું કાર્ય કરે છે.
કંકાલતંત્રની લાક્ષણિકતાઓ : જમીન પર પ્રચલન કરનાર ઉભયજીવીઓના શરીરને પગોની મદદથી અધ્ધર ઊંચકનાર કરોડસ્તંભની કશેરૂકા અને સંકલિત સ્નાયુઓ સધ્ધર હોય છે. પગો મેખલા સાથે લટકેલા હોય છે તેથી પગને આધાર આપનાર મેખલાઓ પણ સારી રીતે વિકાસ પામેલી હોય છે. જ્યારે પાણીમાં કાયમી વસવાટ કરનાર સપુચ્છી ઉભયજીવીઓની કશેરૂકા અને મેખલાઓ પ્રમાણમાં નબળી હોય છે.
પ્રાશન : મોટાભાગનાં પુખ્ત ઊભયજીવીઓ કીટકો, અળસિયાં, ગોકળગાય, સહસ્રપાદ, કરોળિયા વગેરેને ખાય છે. પરંતુ આ ઉભયજીવીઓ તેમની જલજીવી ડિમ્ભાવસ્થા દરમિયાન ઉભયભક્ષી (omnivorous) હોય છે. મુખ્યત્વે સૂક્ષ્મજીવોનો આહાર કરે છે અને તેઓ ખોરાકની પસંદગીની બાબતમાં જે મળે તેનું પ્રાશન કરતાં હોય છે.
રુધિરપરિવહન : ઉભયજીવીઓમાં શિરા અને ધમનીનાં રુધિર કેટલેક અંશે મિશ્ર હોય છે. કર્ણક (auricles) સંપૂર્ણ વિભાજિત હોય છે જેમાં શિરાનું રુધિર જમણી તરફના અને ધમનીનું ડાબી તરફના કર્ણકના ખંડોમાં ઠલવાય છે. ક્ષેપક (ventricle) માત્ર એક જ હોય છે. તેની દીવાલ પ્રવર્ધ જેવો પડદો ધરાવે છે, જે બંને પ્રકારનાં રુધિરને એકબીજાંમાં ભળતાં અટકાવી શકે છે. વક્ષ ધમનીકાંડ (truncus arteriosus) ક્ષેપકના જમણા ભાગમાંથી નીકળે છે. શરૂઆતમાં તેમાં શિરાનું રુધિર દાખલ થાય છે. ધમનીકાંડમાં વાલ્વ આવેલો હોય છે, જે ઑક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ અને ઑક્સિજન વગરના રુધિરને ફેફસાં તરફ મોકલવામાં અગત્યનો ભાગ ભજવે છે.
વક્ષ મહાધમની પ્રમાણમાં ટૂંકી હોય છે. સામાન્ય રીતે તેમાંથી તેની ડાબી તથા જમણી બાજુએથી ત્રણ શાખાઓ નીકળે છે. જેને અનુક્રમે સૌથી અગ્રભાગે ગ્રીવા ધમની, દૈહિક ધમની કમાન અને ફુપ્ફુસ ધમની કમાન કહી છે. કેટલાંકમાં ચામડીમાં રુધિર લઈ જતી ત્વચીય ધમની પણ જોવા મળે છે. ગ્રીવા કમાનના તલસ્થ ભાગમાં આવેલ કેરોટિડ ગ્રંથિ રુધિરદાબનું નિયંત્રણ કરતી હોય છે.
રૂપાંતરણ (metamorphosis) : ઉભયજીવીઓ એકલિંગી હોય છે. કેટલાંક ઉભયજીવીઓ પ્રજનનકાળ દરમિયાન પોતાના જળાશયની આસપાસ રહે છે. સંવનનકાળ દરમિયાન દેડકો જળાશયની આસપાસ આવીને ડ્રાઉં ડ્રાઉં એવો અવાજ કરે છે, જેને કારણે શરીરમાં વિકસિત થયેલાં ઈંડાંવાળી માદા તેના તરફ આકર્ષાય છે. હવે સંવેદનના ભાગરૂપે નર માદાના શરીર ઉપર બેસે છે એટલે કે આશ્લેષ કરે છે. આશ્લેષને અંતે માદા પાણીમાં ઈંડાં મૂકે છે, જેના પર નર પોતાના શુક્રજંતુઓનો સ્રાવ કરીને ઈંડાંને ફલિત કરે છે અને નર-માદા છૂટાં પડી જાય છે. સામાન્ય રીતે પ્રત્યેક ઈંડામાંથી ડિમ્ભ અમુક દિવસના ગાળા બાદ વિકાસ પામી તે ડિમ્ભમાં રૂપાંતર પામે છે. ડિમ્ભનો શારીરિક દેખાવ પુખ્ત પ્રાણી કરતાં તદ્દન જુદો હોય છે; સમય જતાં વિકાસથી ડિમ્ભ તે પુખ્ત પ્રાણીમાં પરિણમે છે, જેને રૂપાંતરણ કહે છે. ઉભયજીવી વર્ગની ત્રણ શ્રેણીઓમાં થતા રૂપાંતરણમાં કેટલીક વિભિન્નતા જોવા મળે છે.
ઉભયજીવીઓનાં સામાન્ય લક્ષણો : આ પ્રાણીઓમાં સામાન્યપણે બાહ્ય કંકાલતંત્ર(exoskeleton)નો અભાવ હોય છે. જો કે કેટલાંકમાં અપવાદરૂપ નાના શલ્કો (scales) જોવા મળે છે. ત્વચા કોમળ અને ગ્રંથિમય હોય છે. તેઓ પાણીમાં ઈંડાં મૂકે છે. તેને કારણે ડિમ્ભો જલવાસી હોય છે.
ઉભયજીવીઓનું વર્ગીકરણ : અધિશ્રેણી 1. ઇક્થિયોસ્ટેગાલિયા : અશ્મીભૂત ઉચ્ચડિવોનિયનથી નિમ્ન મિસિસિપિયન યુગમાં વાસ કરનાર, ઉપાંગો અને પૂંછડી માછલીના જેવાં, મુખ્યત્વે જલનિવાસી.
અધિશ્રેણી 2. ટેમ્નોસ્પોંડાયલી : અશ્મીભૂત પર્મિયનકાળનાં વતની. અગ્રપાદમાં વધુમાં વધુ ચાર આંગળીઓ. ટેમ્નોસ્પોંડાયલીઆ રેચિટોમિ, સ્ટિરિયોસ્પોંડાયલી અને પ્લેજિયોસોરિયા એમ ચાર શ્રેણીઓમાં વિભાજિત.
અધિશ્રેણી 3. લેપોસ્પોંડાયલી : મોટાભાગનાં અશ્મીભૂત. આ અધિશ્રેણીનાં આઇસ્ટોપોડા, નેક્ટ્રિડી, ટ્રેકિસ્ટોમાટા અને માઇક્રોસોરિયા શ્રેણીનાં પ્રાણીઓ લુપ્ત છે, જ્યારે નિષ્પાદ (apoda) જિમ્નોફિયોનનાં અને અપુચ્છી (anura) યુરોડેલા શ્રેણીનાં પ્રાણીઓ આજે પણ અસ્તિત્વમાં છે.
નિષ્પાદ : ઉષ્ણકટિબંધમાં નિવાસ. કૃમિ જેવું શરીર. ઉપાંગોનો અભાવ. નબળી આંખો. આંતરિક ફલન. દરનિવાસી કે જલનિવાસી. લગભગ 160 જાતિઓ અસ્તિત્વમાં છે.
સપુચ્છી : જ્યુરાસિકમાં અસ્તિત્વમાં આવેલા આ ઉભયજીવીઓ હાલમાં સર્વત્ર જોવા મળે છે. પૂંછડીયુક્ત. પગની એક અથવા બે જોડ. ત્વચા લીસી. સાચા અર્થમાં ઉભયજીવી.
અધિશ્રેણી 4. સેલિયેન્શિયા : ટ્રાયાસિકમાં અસ્તિત્વ. પૂંછડી હોય તો ટૂંકી. પાછલા પગ લાંબા. બે શ્રેણીઓમાં વિભાજિત : પ્રઅપુચ્છી (proanura) અને અપુચ્છી.
શ્રેણી પ્રઅપુચ્છી : માડાગાસ્કરના ટ્રાયાસિકયુગના નિક્ષેપોમાંથી એક અશ્મિ પ્રાપ્ત. દેડકાની જેવી ખોપરી, ટૂંકી પૂંછડી.
શ્રેણી અપુચ્છી : શરીર ટૂંકું અને મજબૂત. આશરે 1,900 જાતિઓ અસ્તિત્વમાં છે.
અધિશ્રેણી 5. એન્થ્રાકોસોરિયા : અશ્મીભૂત. અગ્ર ઉપાંગ પાંચ આંગળીવાળું. આ અધિશ્રેણીની ડેપ્લોમેરિ શ્રેણીનાં પ્રાણીઓ મોટેભાગે જમીન પર વસતાં હતાં. તેમની ખોપરી સરિસૃપોના જેવી હતી. પ્રચલિત માન્યતા મુજબ સરિસૃપોની ઉત્પત્તિ આ જૂથમાંથી થઈ છે. એમ્બોલોમેરિ શ્રેણીનાં પ્રાણીઓ જલનિવાસી હતાં, જ્યારે સેમેરિમોર્ફા શ્રેણીનાં પ્રાણીઓ જમીન પર વસતાં હતાં.
રોમર અને કૉલ્બર્ટ જેવા શાસ્ત્રજ્ઞો, આધુનિક ઉભયજીવીઓને લિસએમ્ફિબિયા સમૂહમાં મૂકે છે. તેમનાં કેટલાંક અગત્યનાં લક્ષણો નીચે મુજબ છે :
1. હાડકાંની સંખ્યામાં ઘટાડો. 2. મધ્યકર્ણમાં બે કર્ણાશ્મો. 3. અગ્રપાદ ચાર આંગળીવાળા. 4. કાનનાં સંવેદનશીલ અંગો પેપિલા એમ્ફિબિયરમનાં બનેલાં.
આ ઉભયજીવીઓ ત્રણ શ્રેણીઓમાં વિભાજિત છે : નિષ્પાદ, સપુચ્છી અને અપુચ્છી.
આધુનિક ઉભયજીવીઓનો સામાન્ય પરિચય
ક. નિષ્પાદ શ્રેણી : કેટલાંક નિષ્પાદોની માદા જમીન પર ઈંડાં મૂકી તેની આસપાસ વીંટળાઈને રહે છે અને તેમનું પૂરેપૂરું સેવન કરે છે. જ્યારે મોટાભાગનાં નિષ્પાદ પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે. મહિલા પ્રાણીશાસ્ત્રી મારવેલી વેઇકે જણાવ્યા મુજબ ટીફલોનેક્ટેસ જાતિની 500 મિ.મી. લાંબી માદાએ 200 મિ.મી.ની લંબાઈનાં નવ બચ્ચાંને જન્મ આપ્યો હતો. ડિમ્ભ તાંતણા જેવી લાંબી ઝાલરો ધરાવે છે.
ખ. સપુચ્છી શ્રેણી : આ શ્રેણીનાં મોટાભાગનાં પ્રાણીઓમાં ફલન આંતરિક હોય છે. જ્યારે હાઇનોબિડી અને ક્રીપ્ટોબ્રેન્કસ કુળના સપુચ્છીઓ બાહ્યફલનથી ગર્ભવિકાસ સાધે છે. આશ્લેષને અંતે સાલામાન્ડર જેવાં પ્રાણીમાં નર પોતાનો શુક્રગુચ્છ (spermatophores) માદાની અવસારણી(cloaca)માં પોતાના પાછલા પગ વડે દાખલ કરે છે. મોટાભાગના સાલામાન્ડર પાણીની સપાટી પર અથવા ચીકણા સ્રાવમાં ઈંડાં છૂટાછવાયાં અથવા તો સમૂહમાં આવરિત અંડસમૂહ મૂકે છે. ઈંડાંમાંથી ઝાલરવાળી ડિમ્ભાવસ્થા વિકાસ પામે છે. સાલામાન્ડરની કેટલીક જાતિઓ ભેજવાળી જગ્યાઓએ પણ ઈંડાં મૂકતી હોય છે.
સાલામાન્ડ્રા જાતિના સાલામાન્ડરો વીસ જેટલા ડિમ્ભને જન્મ આપે છે. સાલામાન્ડરની કેટલીક જાતિઓમાં રૂપાંતરણ થતું જ નથી. કેટલીકમાં અધૂરું રહી જાય છે. આ ઘટનાને બાળપુખ્તતા (paedomorphosis) કહે છે. નેકટુરસ અને એક્સોલોટલ અથવા એમ્બાયસ્ટોમા આનાં જાણીતાં ઉદાહરણો છે. આ પરિસ્થિતિ માટે કેટલાંક વારસાગત લક્ષણો તો કેટલાંકમાં પાણીની અછત જેવાં પરિબળો મુખ્યત્વે જવાબદાર હોય છે.
સાલામાન્ડરની ડિમ્ભાવસ્થા સંપૂર્ણ જલજીવી છે. ડિમ્ભોનો ખોરાક પાણીમાં અપૃષ્ઠવંશીઓનો બનેલો છે. તે દાંત વડે સીધા જ ખોરાકનું ગ્રહણ કરે છે. ઉપાંગોનો વિકાસ ખૂબ જ ધીમો હોય છે. રૂપાંતરણમાં થાયરોઇડ અને પિચ્યુટરી ગ્રંથિઓનો સ્રાવ મહત્વનો ભાગ ભજવે છે. ત્રણ મહિનાના વિકાસ પછી પુખ્ત બને છે.
ગ. અપુચ્છી શ્રેણી : આ શ્રેણીમાં દેડકાં અને ટોડ જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રજનનકાળ શરૂ થતાં નર પ્રાણીઓ જળાશયમાં સામૂહિક રીતે ડ્રાઉં ડ્રાઉં જેવો અવાજ કરીને એક પ્રકારનું સમૂહગાન કરે છે અને ત્યારબાદ નર પોતાના સાથીને પસંદ કરી આશ્લેષન કરે છે. આશ્લેષ દરમિયાન નર માદાની પીઠ પર સવાર થઈ પોતાનાં અગ્ર ઉપાંગો વડે માદાને જકડી રાખે છે. સમય જતા માદા ઈંડાંને સમૂહમાં પાણીની સપાટી પર મૂકે છે. રાના અને બુફો પ્રજાતિનાં દેડકાં અને ટોડની માદા મોટી સંખ્યામાં ઈંડાં મૂકતી હોય છે. ટોડની માદા તો એકી સાથે 10,000 જેટલાં ઈંડાં મૂકે છે અને તેમાં પોતાના શરીરની લગભગ અર્ધી શક્તિ ખર્ચે છે. ત્યારબાદ તરત જ તે જળાશયને છોડી જાય છે અને ખોરાકગ્રહણ દ્વારા ચરબી એકઠી કરીને બીજા પ્રજનનકાળ માટે તૈયારી કરવા માંડે છે. ઘણા જલજીવોનો ખોરાક દેડકાં અને ટોડનાં ઈંડાં અને તેમાંથી નીકળતાં ડિમ્ભોનો બનેલો હોવાથી મોટી સંખ્યામાં ઈંડાં મૂકીને તે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે.
વૃક્ષદેડકાં વૃક્ષોનાં પાંદડાંમાં એકઠાં થયેલા પાણીમાં ઓછી સંખ્યામાં ઈંડાં મૂકે છે. આ જગ્યા પાણીમાં વસતા ભક્ષકોથી દૂર હોવાથી પ્રમાણમાં તેનાં ઈંડાં તથા ડિમ્ભનો મૃત્યુદર ઓછો હોય છે. દેડકાંની કેટલીક જાતિઓ ફીણવાળા સંપુટ(foam nest)માં ઈંડાં મૂકે છે, જેમાં ઈંડાંનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય છે. આવાં ઈંડાંમાંથી સેવાઈને બહાર નીકળતાં ડિમ્ભ ફીણવાળા સંપુટમાંથી નીકળીને પાણીમાં તરે છે. કેટલાંક દેડકાંની જાતિઓ જળાશયની નજીકના કાદવમાં જ્વાળામુખી આકારનો કાદવનો માળો બનાવે છે, તેમાં ઉપરના ભાગે ખામણા (depression) જેવું ઊંડાણ હોવાથી વરસાદનું પાણી તેમાં ભરાઈ રહે છે. તેની અંદર ઈંડાં મુકાય છે. દેડકાંની કેટલીક જાતિઓ ભીનાશવાળી જમીનમાં ઈંડાં મૂકે છે અને ઈંડાંમાંથી સીધાં જ નાનાં અને નાજુક બાળ-દેડકાં વિકાસ પામે છે. દા.ત., એલ્યુથેરોડેકિપ્લસ અને આર્થોલેપ્ટિસ પ્રજાતિનાં દેડકાં.
બાળસંભાળ (parental care) : રાના ક્લેમિટન્સ જાતિનો નર પોતાની 2થી 3 મીટરની સરહદમાં ઈંડાંની રક્ષા કરે છે અને તે સરહદમાં અન્ય નાનાં ભક્ષકોને પેસવા દેતો નથી. કેટલીક જાતિઓમાં આવાં પ્રાણીઓ ઈંડાંની બાજુમાં કે ઈંડાંની ઉપર બેસી રહીને રક્ષણ કરે છે અને ઈંડાંને સુકાઈ જતાં પણ અટકાવે છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની દેડકાંની કેટલીક જાતિઓમાં ઈંડાંમાંથી ડિમ્ભ બહાર નીકળીને પિતૃની પીઠ પર ચૂષક અંગ દ્વારા ચોંટી રહે છે, અને વિકાસ પામે છે. યુરોપિયન મિડવાઇફ ટોડ, એલાઇટિસ ઓબ્સ્ટેટ્રીકન્સનો નર પોતાની પીઠ પર ઈંડાંનો સમૂહ સાચવીને હરે-ફરે છે અને વિકાસ પામતા ડિમ્ભને પાણીમાં છોડી મૂકે છે. આર્જેન્ટિનાનો રાઇનોડર્મા ડાર્વિની જાતિનો નર દેડકો પોતે ફલિત કરેલાં બે ઈંડાં મુખમાં ચૂસી લઈ તેમને પોતાની કોથળીઓમાં સાચવી રાખે છે અને તેમની ડિમ્ભાવસ્થા પૂરી થતાં બાળદેડકાંઓને પાણીમાં છોડે છે, કેટલીક જાતિઓના વૃક્ષદેડકાઓની માદા પોતાની પીઠ પરના નાનકડા ખાડાઓમાં પોતાનાં ઈંડાંને સાચવી રાખે છે અને વિકાસથી નિર્માણ થતાં ડિમ્ભોને છોડે છે. આવું જ અનુકૂલન સુરીનામટોડ પાઇપામાં પણ જોવા મળે છે. ઑસ્ટ્રેલિયાની હિઓબેટ્રેક્સ સાઇલસ જાતિની માદા ડિમ્ભને પોતાના જઠરમાં સાચવે છે અને રૂપાંતરણ પૂરું થયા બાદ તેમને મુખ વાટે બહાર કાઢે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જઠરમાં થતા સેવનનું આ એકમાત્ર ઉદાહરણ છે.
સામાન્ય રીતે ઈંડામાંથી ડિમ્ભમાં રૂપાંતરણ થવાનો ગાળો 10 અઠવાડિયાં જેટલો હોય છે. પરંતુ રણપ્રદેશમાં વસતાં અપુચ્છીઓમાં રૂપાંતરણનું આ કાર્ય માત્ર બેથી ત્રણ અઠવાડિયાં દરમિયાન પૂરું થઈ જાય છે. ડિમ્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે પ્રાણી વનસ્પતિઆહારી હોય છે. રૂપાંતરણ પૂરું થયા બાદ તે કીટકભક્ષી બની જાય છે. આધુનિક ઉભયજીવીઓનું નિષ્પાદ શ્રેણીનાં પ્રાણીઓનું વિતરણ આફ્રિકા, એશિયા અને અમેરિકાના ઉષ્ણકટિબંધ પૂરતું સીમિત છે. આફ્રિકામાં તેની 6 પ્રજાતિઓ અને 17 જાતિઓ જોવા મળે છે. પરંતુ માડાગાસ્કરમાં નિષ્પાદ પ્રાણીઓ જોવા મળતાં નથી. અપુચ્છી શ્રેણી પૈકી પિપિડી કુળની 3 પ્રજાતિ આફ્રિકામાં વસે છે. તે ઉપરાંત બુફોનીડી અને રેનિડી કુળના ઉભયજીવીઓ અહીં વસે છે. રેકોફોરિડી કુળનાં વૃક્ષદેડકાં આફ્રિકા અને માડાગાસ્કરમાં જોવા મળે છે. આ કુળની ઉત્પત્તિ આફ્રિકામાં જ થયેલી છે. ફ્રાઇનોમેરિડી કુળ આફ્રિકાનું અનન્ય ઉભયજીવી કુળના ઉભયજીવીઓ પણ આફ્રિકામાં વસે છે.
આફ્રિકામાં જોવા મળતાં ઉભયજીવીઓ ભારત તથા દક્ષિણ અમેરિકાનાં ઉભયજીવી પ્રાણીઓ સાથે સામ્ય ધરાવે છે.
પ્રાચ્ય પરિમંડલમાં નિષ્પાદ શ્રેણીની 6 જાતિઓ શ્રીલંકા, દ. ભારત, સિક્કિમ, ચીનનો દક્ષિણ કિનારો, સુમાત્રા, જાવા, બોર્નિયો અને ફિલિપાઇન્સમાંથી મળી આવે છે. સપુચ્છીઓ માત્ર ઇન્ડોચાઇનામાંથી મળી આવે છે; તેમાં થોડીક સાલામાન્ડરની જાતિઓનો સમાવેશ પણ થાય છે. રાના અને બુફો પ્રજાતિ અહીં વિશાળ વિસ્તરણ ધરાવે છે. રેકોફોરિડ વૃક્ષદેડકાં ચીન, ફૉર્મોસા અને ફિલિપાઇન્સમાંથી મળી આવે છે, જ્યારે હાઇલા વૃક્ષદેડકાં ઇન્ડોચાઇનાના ઉત્તરીય ભાગમાં રહે છે.
પુરોત્તરધ્રુવીય (palearctic) પરિમંડલમાં સપુચ્છી ઉભયજીવીઓ પૈકી હાઇનોબિડી કુળનાં સાલામાન્ડર મુખ્યત્વે આ પરિમંડલમાં જોવા મળે છે. મેગાલોબેક્ટ્રસ પ્રજાતિ માત્ર ચીન અને જાપાનનાં પર્વતીય ઝરણાંઓમાંથી મળી આવે છે. ટ્રાઇટુરસ અને સાલામાન્ડ્રા નામની ન્યૂટ પ્રજાતિઓ આ પરિમંડલમાં વાસ કરે છે. યુરોપમાં પ્રોટીઅસ વસે છે. અપુચ્છીઓ પૈકી ડીસ્કોગ્લોસિડી કુળની કેટલીક પ્રજાતિઓના ટોડ અહીં જોવા મળે છે. બુફો અને હાઇલા મોટા પ્રમાણમાં જ્યારે રેકોફોરસ અને બ્રેવિસેપિટિક ઓછા પ્રમાણમાં જણાય છે.
નવોત્તરધ્રુવીય (neoarctic) પરિમંડલમાં ટ્રાઇટોનની બે પ્રજાતિ ઉત્તર અમેરિકામાં વસે છે. પ્લેથોડોન અને એનિડીસ પ્રજાતિનાં સાલામાન્ડર અહીં મળી આવે છે. એમ્બિસ્ટોમા પ્રજાતિના સભ્યો અહીં મર્યાદિત પ્રમાણમાં વસે છે. એમ્બિસ્ટોમા અને સાઇરેડોન પ્રજાતિનાં એક્સોલોટલ ડિમ્ભ આ પ્રદેશમાં પ્રચલિત છે. ક્રિપ્ટોબેન્કસની એક પ્રજાતિ ઉત્તર અમેરિકામાં વસે છે. નેકટુરસ પણ ઉત્તર અમેરિકામાં મળે છે. સાઇરેન ઉત્તર અમેરિકાના દક્ષિણ-પૂર્વ ભાગ પૂરતી પરિસીમિત છે. આમ અહીં સપુચ્છીઓનું વૈવિધ્ય ખૂબ જ છે. અપુચ્છી ઉભયજીવીઓ પૈકી લિઓપેલ્મિડી કુળની એસ્કેફ્સ પ્રજાતિ ઉત્તર અમેરિકામાંથી મળી આવે છે. સૂકી અને રેતાળ ભૂમિમાં જીવતાં સ્કેફિઓપસ દેડકાં અહીં મળી આવે છે. બુફો, હાઇલા, રાના વગેરે વસતા હોય છે. આફ્રિકા તથા ભારતમાં જોવા મળતાં નિષ્પાદ ઉભયજીવીઓ નવોષ્ણ (neotropical) પરિમંડલમાં પણ વસે છે. પ્લેથોડોન્ટિડ સાલામાન્ડર ઉત્તર તરફ જોવા મળે છે. રાઇનોફ્રિનસ પ્રજાતિ મેક્સિકો પૂરતી પરિસીમિત છે. રાનાની જાતિઓનું પ્રમાણ ત્યાં ઓછું છે. જ્યારે બુફો તથા હાઇલા વિશેષ મળી આવે છે.
ઑસ્ટ્રેલિયન પરિમંડલમાં ઉભયજીવીઓનું પ્રમાણ અલ્પ છે. હાયલિડ, રાના તથા બ્રેવિસેપિટિડ અપુચ્છીઓ અહીં જોવા મળે છે. તે સિવાય નિષ્પાદ કે સપુચ્છીનો એક પણ પ્રતિનિધિ અહીં વસતો નથી.
ઉભયજીવીઓની આર્થિક અગત્ય : સાલામાન્ડર અને દેડકો એ બે પ્રાણીનો ઉપયોગ ગર્ભવિદ્યા, વૃદ્ધિ, વિકાસ, દેહધર્મવિદ્યા, શરીરરચના, જીવરસાયણ, જનીનશાસ્ત્ર, વર્તનશાસ્ત્ર વગેરેના અભ્યાસ માટે બહોળા પ્રમાણમાં થાય છે. ભારતમાં પણ શાળા તથા કૉલેજમાં શરીરરચનાના અભ્યાસ માટે દેડકો ઘણા મોટા પ્રમાણમાં વપરાય છે. સાનુકૂળ કદ, ઓછો ખોરાક અને ઉછેરવામાં સરળ હોવાથી પ્રયોગશાળાઓ માટે દેડકાને પસંદ કરવામાં આવે છે.
દેડકાના પાછલા પગ લાંબા અને પુષ્ટ હોવાથી દુનિયાના ઘણા દેશોમાં તેનો સ્વાદિષ્ટ ખાદ્ય તરીકે ઉપયોગ થાય છે. પહેલાં ભારતમાંથી પણ દેડકાના પાછલા પગની નિકાસ મોટા પાયા પર કરવામાં આવતી, જે પછીથી બંધ કરી દેવાઈ છે.
ટોડ તથા દેડકાં ઘરની આસપાસની તથા ખેતીવાડીની જીવાતને ખાઈ જઈને પાકનું રક્ષણ કરવામાં ખૂબ મદદ કરે છે. અમેરિકન-ઇન્ડિયન લોકો ટોડના ઝેરને તીરના ફણા પર લગાવે છે. આ ઝેરની દવા તરીકેના ઉપયોગની શક્યતા અંગે સંશોધનો ચાલી રહ્યાં છે.
વિનોદ સોની
મ. શિ. દૂબળે