ઉબૈદા, અબૂ (જ. 728 બસરા, અ. 825 બસરા) : અરબ ભાષાવિદ્. આખું નામ અબૂ ઉબૈદા મઅમ્મર બિન અલ્ મુસન્ના. જન્મે ઈરાનના યહૂદી વંશનો, ધર્મે મુસલમાન. તેણે અરબી વ્યાકરણ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ અને સંસ્કૃતિનું અધ્યયન કર્યું હતું. તેની અરબી ભાષાની લેખનશૈલી નોંધપાત્ર છે. તેણે એકઠી કરેલી લોકકથાઓ, દંતકથાઓને આધારે પ્રાચીન અરબ જીવન વિશે જાણકારી મળે છે. તે ‘કિતાબુલ અગાની’ અને બીજાં પુસ્તકોમાં સુરક્ષિત સચવાઈને નવી પેઢી સુધી પહોંચી છે. તેણે લગભગ બસો ગ્રંથો રચ્યા કહેવાય છે. ખલીફા હારૂન અલ રશીદે અબૂ ઉબૈદાને બગદાદ બોલાવી લીધો હતો, જ્યાં તે અને અસ્મઈ એકબીજાના પ્રતિસ્પર્ધી બન્યા હતા. તેનાં જ્ઞાન અને વિદ્વત્તાની ચોકસાઈ અને ઊંડાઈને બધા સ્વીકારે છે. કુર્રાન અને હદીસ પરની તેની અનેક ભાષાશાસ્ત્રીય કૃતિઓમાં ‘ગરીબ અલ્ હદીસ’ અને ‘મજાઝઅલકુરાન’ વધુ જાણીતી છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ