ઉબૈદ ઝાકાની

January, 2004

ઉબૈદ ઝાકાની (જ. 1301 કઝવીન, ઇરાન; અ. 1371) : ઈરાનની ફારસી ભાષાના કવિ. પૂરું નામ નિઝામુદ્દીન ઉબૈદુલ્લાહ અને વતન ઈરાનના કઝવીન શહેર પાસે ઝાકાન નામનું ગામ. તેમનો ઉછેર શીરાઝમાં થયો હતો. તેમણે બાદશાહો તથા અમીર ઉમરાવોની પ્રશંસામાં ઉચ્ચ કોટિનાં ગંભીર કાવ્યો પણ લખ્યાં હતાં. ઈરાન ઉપરના મોંગોલોના હુમલા પછીની અવ્યવસ્થા તથા નૈતિક અધ:પતનના વાતાવરણમાં તેમણે અશ્ર્લીલ વ્યંગ અને કટાક્ષનો આશરો લીધો હતો. તેમની પદ્યકૃતિઓમાં ગંભીર પ્રકારનાં કસીદા(પ્રશંસા)કાવ્યો અને વ્યંગ તથા કટાક્ષથી ભરપૂર મસ્નવી (સળંગ) કાવ્યોનો સમાવેશ થાય છે. તેમની ગદ્યકૃતિઓમાં (1) ઉપહાસજનક કૃતિ – અખ્લાકુલ અશરાફ (ભદ્રલોકના આચાર), (2) ઉપદેશાત્મક કૃતિ – સદ પંદ (એકસો શિખામણો) અને (3) ટૂંકાં વ્યંગપૂર્ણ, અશ્લીલ વાક્યો ઉપર આધારિત તારીફાત(ઉક્તિઓ)નો સમાવેશ થાય છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી