ફ્લીન, એરોલ (જ. 20 જૂન 1909, હોબાર્ટ, ટાસ્માનિયા; અ. 14 ઑક્ટોબર 1959, વાનકુવર, કૅનેડા) : 1940ના દાયકામાં હૉલિવુડનાં સાહસપ્રધાન ચલચિત્રોનો લોકપ્રિય અભિનેતા. પિતા સમુદ્રજીવશાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી હતા. 1935માં હૉલિવુડના અભિનેતા બન્યા પહેલાં 15 વર્ષની ઉંમરથી નાનીમોટી નોકરીઓ અને સોનું શોધવા જેવાં સાહસપૂર્ણ કામ કર્યાં. અખબારમાં કટારલેખન કર્યું. 1933માં ઑસ્ટ્રેલિયામાં ‘ઇન ધ વેક ઑવ્ ધ બાઉન્ટી’ નામના પૂરી લંબાઈના અર્ધદસ્તાવેજી ચિત્રમાં તેમણે ફ્લેચર ક્રિશ્ચિયનની ભૂમિકા ભજવીને અભિનયક્ષેત્રે ઝંપલાવ્યું. એ જ વર્ષે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં નૉર્ધમ્પ્ટન રિપેરટરી કંપનીમાં અભિનયની તાલીમ લીધી. વૉર્નર બ્રધર્સની લંડન શાખાએ બનાવેલ એક રહસ્યચિત્ર ‘મર્ડર ઑવ્ મૉન્ટેકાલૉર્’માં કામ કર્યું, જેણે હૉલિવુડ જવાનો માર્ગ ખોલી આપ્યો.
1935માં હૉલિવુડમાં એ સમયની લોકપ્રિય અભિનેત્રી લીલી ડમિટા સાથે લગ્ન કર્યાં. એ જ વર્ષે ‘કૅમ્ટન બ્લડ’ ચિત્ર સફળ થતાં અભિનેતા તરીકે સ્થાપિત થઈ ગયા. ઊંચા, સશક્ત અને સોહામણા એરોલ ફ્લીને સાહસપ્રધાન પોશાકચિત્રો – ‘ધ ચાર્જ ઑવ્ ધ લાઇટ બ્રિગેડ’ (1936), ‘ધી એડવેન્ચર્સ ઑવ્ રૉબિનહુડ’ (’38), ‘ધ સી હૉક’ (’41) વગેરે ચિત્રોમાં કામ કરીને ન્યાય માટે ઝૂઝતા હિંમતવાન નાયકની છબિ ઉપસાવી. આવાં ચિત્રોમાં તલવારબાજ ઉપરાંત વેસ્ટર્ન ચિત્રોમાં બંદૂકબાજ તરીકે પણ તેઓ વખણાયા. તેમણે યુદ્ધચિત્રોમાં પણ વિવિધ ભૂમિકાઓ ભજવી; પણ કમનસીબે બીજા વિશ્વયુદ્ધ વખતે યુદ્ધમાં ભાગ ન લઈ શક્યા. શારીરિક પરીક્ષણની કસોટીમાં તેઓ નાપાસ થયા. આ બાબતે તેમના અહમને મોટી ઠેસ પહોંચાડી હતી.
સાહસપ્રધાન ચિત્રોએ એરોલ ફ્લીનને લોકપ્રિયતાની ટોચે પહોંચાડી દીધા હતા; બીજી બાજુ તેમનું અંગત જીવન પણ સામયિકોને ચટપટો મસાલો પૂરો પાડતું રહ્યું હતું. 1942માં બે કિશોરીઓ પર બળાત્કાર કરવાનો તેમના પર કેસ ચાલ્યો હતો, જેમાં તેમનો નિર્દોષ છુટકારો થયો હતો. એ જ વર્ષે છૂટાછેડા લઈ 1943માં નોરા એડિંગ્ટન સાથે બીજું લગ્ન કર્યું જે 1949 સુધી ટક્યું. 1950માં અભિનેત્રી પેટ્રાઇસ વાઇમોર સાથે લગ્ન કર્યું. 1940ના દસકાનાં પાછોતરાં વર્ષમાં લોકપ્રિયતામાં ઓટ આવવા માંડી. 1952માં દેવું વધી જતાં તેઓ યુરોપ જતા રહ્યા. ત્યાં કેટલાંક ચિત્રોનું નિર્માણ કર્યું, પણ બધાં નિષ્ફળ રહ્યાં. એક મહત્વાકાંક્ષી ચિત્ર ‘વિલિયમ ટેલ’ના નિર્માણમાં પોતાની એક એક પાઈ રોકી દીધી પણ એ ચિત્ર પૂરું ન થઈ શક્યું.
1956માં ફરી હૉલિવુડ આવીને ‘ધ સન ઓલ્સો રાઇઝીઝ’માં દારૂડિયાની નોંધપાત્ર ભૂમિકા ભજવી. એ પછી ‘ટુ મચ ટુ સૂન’ અને ‘ધ રૂટ્સ ઑવ્ હેવન’માં પણ દારૂડિયાની ભૂમિકા ભજવી. અંતિમ ચિત્ર ‘ક્યૂબન રિબેલ ગર્લ્સ’ અર્ધદસ્તાવેજી હતું, જે ફિડલ કાસ્ટ્રૉને અર્પણ કરાયું હતું. તેનું લેખન, નિરૂપણ અને સહનિર્માણ એરોલે કર્યું હતું, પણ તે ચિત્ર નિષ્ફળ રહ્યું.
1958માં એક લેખકની મદદથી આત્મકથા ‘માય વિકેડ વિકેડ વેઝ’ લખવાનો પ્રારંભ કર્યો, જે 1959માં તેમના મૃત્યુ બાદ પ્રગટ થઈ. 1980માં ચાર્લ્સ રાઇધમે પ્રગટ કરેલું જીવનચરિત્ર ‘એરોલ ફ્લીન, ધી અનટોલ્ડ સ્ટોરી’ વિવાદાસ્પદ બન્યું હતું. તેમાં એરોલનું નામી એજન્ટ અને સજાતીય સંબંધો ધરાવનાર અભિનેતા તરીકે ચિત્રણ કરાયું છે.
હરસુખ થાનકી