સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્ (જ. 7 ઑગસ્ટ 1925, કુમ્બાકોનમ, તમિલનાડુ; અ. 28 સપ્ટેમ્બર 2023, ચેન્નઈ) : ભારતીય કૃષિવિજ્ઞાની, વનસ્પતિ આનુવંશિક અને હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા.
પિતા એમ. કે. સાંબાસિવન અને માતા પાર્વતી થંગમ્મલ સાંબાસિવન. તેમના પિતા જનરલ સર્જન હતા. તેઓ કેરળના અલપ્પુઝા જિલ્લાના વતની હતા. સ્વામીનાથન જ્યારે 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. સ્વામીનાથનનું શિક્ષણ સ્થાનિક હાઈસ્કૂલમાં અને બાદમાં કુમ્બકોનમની કેથોલિક લિટલ ફ્લાવર હાઈસ્કૂલમાં થયું હતું. તેમના જીવનમાં ગાંધી અને રમણ મહર્ષિનો પ્રભાવ હતો. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ સ્વામી વિવેકાનંદને અનુસરતા હતા. તેમણે વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞ માટે તેમના પરિવારની માલિકીની 2000 એકર જમીનમાંથી એક તૃતીયાંશ જમીનનું દાન આપ્યું હતું.
તેમણે પ્રાણીશાસ્ત્ર સાથે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1943માં બંગાળના દુષ્કાળની અસરો અને સમગ્ર ઉપ-ખંડમાં ચોખાની અછતની અસરો જોયા પછી તેમણે ભારતને પૂરતો ખોરાક મળે તે માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. તેમણે કેરળના ત્રિવેન્દ્રમમાં મહારાજા કૉલેજ (હવે કેરળ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી કૉલેજ, તિરુવનંતપુરમ) ખાતે પ્રાણીશાસ્ત્રમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરી. ત્યારબાદ તેમણે 1940થી 1944 દરમિયાન યુનિવર્સિટી ઑફ મદ્રાસ (મદ્રાસ એગ્રીકલ્ચર કૉલેજ, હવે તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી)માં અભ્યાસ કર્યો અને કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ જીનેટિક્સ અને છોડના સંવર્ધનનો અભ્યાસ કરવા નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા(IARI)માં ગયા. તેમણે 1949માં સાયટોજેનેટિક્સમાં ઉચ્ચ વિશિષ્ટતા સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. સામાજિક દબાણને કારણે તેમણે સિવિલ સર્વિસીસ માટેની પરીક્ષા આપી. પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં ભારતીય પોલીસ સેવામાં તેમની પસંદગી કરવામાં આવી. જો કે તે જ સમયે તેમને નેધરલૅન્ડમાં જિનેટિક્સમાં યુનેસ્કો ફેલોશિપની તક મળી એટલે તેમણે જિનેટિક્સ પસંદ કર્યું. 1950માં તેઓ યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ સ્કૂલ ઑફ એગ્રીકલ્ચરની પ્લાન્ટ બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા ગયા. તેમણે 1952માં પીએચ. ડી.ની પદવી મેળવી. તેમણે યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન, લેબોરેટરી ઑફ જિનેટિક્સ ખાતે પોસ્ટ-ડૉક્ટરલ સંશોધન એસોસિએટશિપ સ્વીકારી. તેમને ફેકલ્ટી પદની ઓફર કરવામાં આવી હતી પણ તેમણે ના પાડી.
તેઓ 1954માં ભારત પાછા ફર્યા. તેઓ કટકની સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મદદનીશ વનસ્પતિવિજ્ઞાની તરીકે જોડાયા. પછી તેઓ ઑક્ટોબર 1954માં નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)માં મદદનીશ કોષ-જનીનવિજ્ઞાની (સાયટોજેનેટીસ્ટ) તરીકે જોડાયા. તેમણે 1961-66 દરમિયાન વનસ્પતિવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને 1966-71 દરમિયાન ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના નિયામક તરીકે કાર્ય કર્યું. ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી જાતો રજૂ કરવામાં અને વધુ વિકસાવવામાં તેમના યોગદાન માટે તેમને ભારતમાં હરિયાળી ક્રાંતિના મુખ્ય આર્કિટેક્ટ કહેવામાં આવે છે. સ્વામીનાથને સાયટોજેનેટિક્સ, આયનાઇઝિંગ રેડિયેશન અને રેડિયોસેન્સિટિવિટી જેવાં ક્ષેત્રોમાં બટાકા, ઘઉં અને ચોખા સંબંધિત મૂળભૂત સંશોધનમાં યોગદાન આપ્યું હતું. 1950 અને 1960ના દાયકામાં તેમણે હેક્સાપ્લોઇડ ઘઉંના સાયટોજેનેટિક્સમાં મૂળભૂત સંશોધન કર્યું હતું. તેમણે 1966માં પંજાબની સ્થાનિક જાતો સાથે મેક્સિકોના બીજનું મિશ્રણ કરીને ઉચ્ચ ઉપજ આપતી ઘઉંની સંકર જાતનો વિકાસ કર્યો. તેમણે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI) ખાતે C4 કાર્બન ફિક્સેશન ક્ષમતાઓ સાથે ચોખા ઉગાડવાના પ્રયાસો કર્યા હતા. તેમણે વિશ્વની પ્રથમ ઉચ્ચ ઉપજ આપતી બાસમતીના વિકાસમાં પણ ભૂમિકા ભજવી હતી.
તેમણે રેડિયેશન મ્યુટેશનનો અભ્યાસ કરવા માટે ‘કોબાલ્ટ-60 ગામા ગાર્ડન’ની સ્થાપના કરી. 1972-80માં તેઓ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના મહાનિયામક(ડિરેક્ટર જનરલ) હતા. 1979-80 દરમિયાન UNના પ્રોટીન સલાહકાર જૂથના ઉપપ્રમુખ રહ્યા. આ જ સમયે તેઓ ભારત સરકારના કૃષિ મંત્રાલયના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયા. તેઓ 1976માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશનના અધ્યક્ષ હતા. 1980-81માં ભારત સરકારના આયોજન પંચના સભ્ય બન્યા. 1982માં તેમને ફિલિપાઈન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI)ના પ્રથમ એશિયન મહાનિયામક(ડિરેક્ટર જનરલ)બનાવવામાં આવ્યા હતા. 1981થી 85 સુધી તેઓ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ના અધ્યક્ષ હતા. 1989માં ચેન્નાઇના સેન્ટર ફોર રિસર્ચ ઑન સસ્ટેનેબલ એગ્રિકલ્ચરલ અને રૂરલ ડેવલપમેન્ટના નિયામક તરીકે જ્વલંત કામગીરી કરી. તેઓ 1984થી1990 સુધી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર એન્ડ નેચરલ રિસોર્સીસ(IUCN)ના અને 1988થી1996 સુધી તેઓ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર-ઈન્ડિયાના પ્રમુખ હતા. તેમણે 2004માં નેશનલ કમિશન ઓન ફાર્મર્સ (NCF)ની અધ્યક્ષતા કરી હતી. 2007માં તેમને રાજસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. 2001માં તેઓ સુંદરવન વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જૈવવિવિધતા વ્યવસ્થાપન માટે ભારત-બાંગ્લાદેશ સંયુક્ત પ્રોજેક્ટ માટે પ્રાદેશિક સંચાલન સમિતિના અધ્યક્ષ હતા.
તેમણે ક્રમશ: વિકસતી વૈજ્ઞાનિક કૃષિની પદ્ધતિઓ, ટૅક્નૉલૉજી, સુધારેલાં બિયારણ અને જંતુનાશક દવાઓ પ્રત્યે સ્વામીનાથને પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના માર્ગદર્શન અને સઘન કૃષિ-સંશોધનને કારણે 1960થી 1982ના સમયગાળામાં હરિયાળી ક્રાંતિ (green revolution) થઈ. આથી સમયગાળામાં ભારતમાં અનાજની તંગી તો દૂર થઈ અને અમુક અનાજની નિકાસ કરવાની ભારતે ક્ષમતા પ્રાપ્ત કરી. તેમણે વનસ્પતિ(છોડવાઓ)ની આનુવંશિક (genetic) સમ્પદાના સંરક્ષણ વિશે ઘણું મોટું સંશોધન કર્યું છે. ઘઉં, ચોખા અને બટાટાની ગુણવત્તા અને જથ્થો વધારવા માટે જનીન (gene)-પરિવર્તન ઉપર સઘન સંશોધન કર્યું છે. ભારતમાં વામણો ઘઉં (dwarf wheat) દાખલ કરવા માટે તે ખાસ જાણીતા છે. આ સાથે સાથે ખૂબ વધારે પેદાશ આપે એવા વિવિધ કાર્યક્રમો(High Yielding Varieties Programme)ની પહેલ તેમણે કરી. આ બધાના સંદર્ભમાં તેમણે 100થી વધુ સંશોધન-લેખો પ્રસિદ્ધ કર્યા છે. સ્વામીનાથને પૌષ્ટિક આહાર તથા અનાજના વિપુલ ઉત્પાદન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે પીવાના શુદ્ધ પાણી માટે અનુરોધ અને સૂચનો કર્યાં છે. તે ઉપરાંત તેમણે કૃષિવિજ્ઞાનીઓ તથા કૃષિ-ઇજનેરોનો સારો એવો કાફલો તૈયાર કર્યો છે. હરિત ક્રાંતિને 2007–08 સુધીમાં ‘એવરગ્રીન’ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને તે રીતે, ભારતને ભૂખમરામુક્ત બનાવવાની તેમની નેમ છે. બાયોટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી ચોખા અને ઘઉંની બાબતે ભારતને સ્વનિર્ભર બનાવવામાં તેમને સફળતા મળી છે. બિયારણની ફળદ્રૂપતા વધારવા માટે જનીનમાં ફેરફારો(genetically modified)ની દિશામાં કામ કર્યું છે.
તેઓ પુગવોશ કોન્ફરન્સ અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર (IUCN)ના પ્રમુખ રહી ચૂક્યા છે.તેમણે નેશનલ બ્યુરો ઑફ પ્લાન્ટ, એનિમલ અને ફિશ જિનેટિક રિસોર્સ ઑફ ઇન્ડિયાની રચના કરી. વિવિધ પુરસ્કારો અને સન્માનો સાથે મળેલી રકમથી તેમણે ચેન્નાઈમાં ‘એમ. એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. તેમણે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) ખાતે પરમાણુ સંશોધન પ્રયોગશાળા (NRL)ની સ્થાપના કરી. તેમણે ભારતમાં આંતરરાષ્ટ્રીય પાક સંશોધન સંસ્થા (ICRISAT)ની સ્થાપનામાં ભૂમિકા ભજવી હતી. ઇટાલીમાં ઇન્ટરનેશનલ બોર્ડ ફોર પ્લાન્ટ જિનેટિક રિસોર્સિસ (IBPGR) (હવે બાયોવર્સિટી ઇન્ટરનેશનલ) અને કેન્યામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન એગ્રો-ફોરેસ્ટ્રી (ICRAF)તેમજ ચીન, વિયેતનામ, મ્યાનમાર, થાઈલેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન, ઈરાન અને કંબોડિયામાં સંખ્યાબંધ સંસ્થાઓના નિર્માણ અને વિકાસમાં મદદ કરી છે. તેમણે 2002થી 2005 દરમિયાન યુનાઈટેડ નેશન્સ મિલેનિયમ પ્રોજેક્ટની સહ-અધ્યક્ષતા કરી. તેઓ 2004માં રચાયેલા નેશનલ કમિશન ઓન ફાર્મર્સના અધ્યક્ષ હતા. સ્વામીનાથન દક્ષિણ એશિયાની જવાબદારી સાથે પર્યાવરણ ટૅક્નૉલૉજી ક્ષેત્રે યુનેસ્કોમાં પદ પણ સંભાળી ચૂક્યા છે. તેઓ ‘વર્લ્ડ એકેડમી ઑફ સાયન્સ’ના સ્થાપક સભ્યોમાંના એક છે.
ફિલિપાઇન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(IRRI)ના ડિરેક્ટર જનરલ તરીકેના તેમના નેતૃત્વને કારણે તેમને 1987માં પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામે તેમને ‘ફાધર ઑફ ઇકોનોમિક ઇકોલૉજી’ કહ્યા છે. 1999માં તે TIME સામયિકની 20મી સદીના 20 સૌથી પ્રભાવશાળી એશિયન લોકોની યાદીમાં હતા. સ્વામીનાથનને સંખ્યાબંધ પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયાં છે. તેમને 1961માં શાંતિ સ્વરૂપ ભટનાગર ઍવૉર્ડ, 1965માં ચેકોસ્લોવાક એકેડેમી ઑફ સાયન્સ તરફથી મેન્ડેલ મેમોરિયલ મેડલ અને બિરબલ સાહની ચંદ્રક, 1967માં પદ્મશ્રી, 1971માં રેમન મેગ્સેસે ઍવૉર્ડ, 1972માં પદ્મ ભૂષણ, 1986માં આલ્બર્ટ આઈન્સ્ટાઈન વર્લ્ડ સાયન્સ ઍવૉર્ડ, 1977માં ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીનો સિલ્વર જ્યુબિલી ઍવૉર્ડ, 1978માં એશિયાટિક સોસાયટીનો બર્કલે ચંદ્રક અને કે. એલ. મૂડગીલ પારિતોષિક, 1980માં બોર્લોગ ઍવૉર્ડ, 1981માં મેઘનાદ સહા ચંદ્રક અને રવીન્દ્રનાથ ટાગોર પારિતોષિક, 1984માં આર. બી. બેન્નેટ કોમનવેલ્થ પારિતોષિક, 1985માં જ્યોર્જિયા યુનિવર્સિટીનો બાયસોન્ટેનરી ચંદ્રક, 1986માં કૃષિરત્ન ઍવૉર્ડ, 1987માં સંકર ખાદ્ય અનાજ વિકસાવવા માટે વર્લ્ડ કલ્ચર કાઉન્સિલ ઍવૉર્ડ, ફિલિપાઇન્સનો ગોલ્ડન હાર્ટ પ્રેસિડેન્શિયલ ઍવૉર્ડ અને પ્રથમ વર્લ્ડ ફૂડ પ્રાઈઝ, 1989માં પદ્મવિભૂષણ, 1991માં ટાઈલર પ્રાઈઝ, 1994માં હોન્ડા ઍવૉર્ડ અને UNEP-પર્યાવરણ ઍવૉર્ડ, 1997માં ઓર્ડ્રે ડુ મેરીટે એગ્રીકોલ, 1998માં હેનરી શો મેડલ, 1999માં વોલ્વો ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ ઍવૉર્ડ, 2000માં ફોર ફ્રિડમ્સ ઍવૉર્ડ અને ઇન્ટરનેશનલ પ્લેનેટ એન્ડ હ્યુમેનિટી મેડલ, 2006માં બી.પી. પાલ શતાબ્દી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ફિલિપાઈન્સના ઓર્ડર ઑફ ધ ગોલ્ડન હાર્ટ, ફ્રાન્સના ઓર્ડર ઑફ એગ્રીકલ્ચરલ મેરિટ, નેધરલેન્ડના ઓર્ડર ઑફ ધ ગોલ્ડન આર્ક અને કંબોડિયાના સહમેત્રેઈના રોયલ ઓર્ડરથી નવાજવામાં આવ્યા છે. ચીને તેમને “પર્યાવરણ અને વિકાસ પર આંતરરાષ્ટ્રીય સહકાર માટે પુરસ્કાર”થી નવાજ્યા. ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI) એ તેમના નામ પર એક બિલ્ડિંગ અને શિષ્યવૃત્તિ ફંડનું નામ આપ્યું છે. તેમને 84 જેટલી માનદ્ ડૉક્ટરેટની પદવી આપવામાં આવી છે. બર્લિનની ટેકનિકલ યુનિવર્સિટી અને એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ તેમનું સન્માન કર્યું છે. તેમને વિશ્વની 14 મોટી વિજ્ઞાન પરિષદોએ તેના માનદ્ સભ્ય તરીકે સન્માન આપ્યું છે. તેમને 1973માં રૉયલ સોસાયટી ઑફ લંડનના, 1971માં સ્વીડિશ સીડ એસોસિયેશનના, 1977માં યુ.એસ. નેશનલ એકેડેમી ઑફ સાયન્સીસના, ઇન્ડિયન એકેડેમી ઑફ સાયન્સીસના, લેનિન એકેડેમી ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સીસના તેમજ યુનાઇટેડ કિંગડમ, રશિયા, સ્વીડન, ચીન, બાંગ્લાદેશ, તેમજ યુરોપિયન એકેડેમી ઑફ આર્ટસ, સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ સહિત વિશ્વભરની એકેડેમીના ફેલો રહ્યા છે. 1983માં TWAS(Third World Academy of Science)ના સ્થાપક ફેલો તરીકે રહ્યા. તેમણે ઇટાલીની નેશનલ એકેડેમી ઑફ સાયન્સીસ, નેશનલ એકેડેમી ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ અને વર્લ્ડ વાઇડ ફંડ ઑફ નેચરની સ્થાપનામાં ફેલો તરીકેની ભૂમિકા અદા કરી હતી.
પ્રહલાદ છ. પટેલ
અનિલ રાવલ