નેતન્યાહુ, બેન્જામિન (જ. 21 ઑક્ટોબર, 1949, તેલઅવીવ, ઇઝરાયેલ) : ઇઝરાયેલના 9મા સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન.
બિનસાંપ્રદાયિક યહૂદી પરિવારમાં જન્મેલા નેતન્યાહુનો ઉછેર જેરૂસલેમમાં અને ફિલાડેલ્ફિયામાં થયો હતો. માતા ઝીલા સેગલ અને તેમના પિતા બેન્ઝિઓન નેતન્યાહુ હતાં. તેમણે જેરૂસલેમમાં હેનરીએટા સ્ઝોલ્ડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચેલ્ટનહામ હાઈસ્કૂલમાં ભણ્યા અને સ્નાતક થયા. 1967માં હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા પછી નેતન્યાહુ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સમાં ભરતી થવા ઈઝરાયેલ પરત ફર્યા. તેમણે લડાયક સૈનિક તરીકે તાલીમ લીધી અને આઈડીએફના સ્પેશિયલ ફોર્સ યુનિટ, સૈરેત મતકલમાં પાંચ વર્ષ સેવા આપી. તેણે 1967-70ના યુદ્ધના એટ્રિશન દરમિયાન સીમાઓ પર હુમલામાં ભાગ લીધો હતો. તેઓ યુનિટમાં ટીમ-લીડર બન્યા. તેમને 1972માં સક્રિય સેવામાંથી છૂટા કરવામાં આવ્યા હતા. પરંતુ ઑક્ટોબર 1973માં યોમ કિપ્પુર યુદ્ધમાં સેવા આપવા પાછા ફર્યા. 1972ના અંતમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT)માં આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ પરત ફર્યા. બેન નિતાય નામથી ફેબ્રુઆરી 1975માં આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને ત્યાંથી એમઆઈટી સ્લોન સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી માસ્ટર ડિગ્રી 1976માં પ્રાપ્ત કરી. એ સાથે તેઓ પોલિટિકલ સાયન્સમાં ડૉક્ટરેટનો અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ ઓપરેશન એન્ટેબીમાં તેમના ભાઈના મૃત્યુથી તેમનો અભ્યાસ અધૂરો રહ્યો. MIT ખાતે તેમણે જે માસ્ટર ડિગ્રી મેળવવા સામાન્ય રીતે ચાર વર્ષ લાગે તે માત્ર અઢી વર્ષમાં પૂર્ણ કરી. 1976થી 1978 દરમિયાન બોસ્ટન કન્સલ્ટિંગ કંપનીમાં આર્થિક સલાહકાર તરીકે કામ કર્યું. 1978માં ઈઝરાયેલ પરત ફર્યા. તેમણે જોનાથન નેતન્યાહુ એન્ટી-ટેરર ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી. 1980થી 1982 સુધી તેઓ જેરૂસલેમમાં રિમ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટિંગ ડિરેક્ટર હતા. એરેન્સે તેમને વોશિંગ્ટન ડી. સી.માં ઇઝરાયેલી એમ્બેસીમાં તેમના ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે નિયુક્ત કર્યા. આ પદ પર તેઓ 1982થી 1984 સુધી રહ્યા હતા. 1984થી 1988 સુધી તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત તરીકે સેવા આપી હતી.
1991ની મેડ્રિડ કોન્ફરન્સ દરમિયાન નેતન્યાહુ વડાપ્રધાન યિત્ઝાક શમીરની આગેવાની હેઠળના ઇઝરાયેલી પ્રતિનિધિમંડળના સભ્ય હતા. મેડ્રિડ કોન્ફરન્સ પછી નેતન્યાહુને ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયમાં નાયબ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1993માં લિકુડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી વિપક્ષના નેતા બન્યા. 1996ની ચૂંટણીમાં નેતન્યાહુ પ્રથમ વખત ઇઝરાયેલના વડા પ્રધાન બન્યા. 1999ની ચૂંટણીમાં નેતન્યાહુ અને લિકુડનો ભારે પરાજય થયો હતો અને નેતન્યાહુએ રાજનીતિમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ ઇઝરાયેલી સંચાર સાધનો ઉત્પાદક BATM એડવાન્સ્ડ કોમ્યુનિકેશન્સ સાથે વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી. બાદમાં નેતન્યાહુ રાજકારણમાં પાછા ફર્યા અને 2002માં વિદેશી બાબતોના પ્રધાન અને 2003થી 2005 સુધી નાણાં પ્રધાન તરીકે સેવા આપી. તેઓ 2006થી 2009 સુધી વિપક્ષના નેતા હતા. 2009ની ચૂંટણી પછી, નેતન્યાહુએ અન્ય જમણેરી પક્ષો સાથે ગઠબંધન સરકારની રચના કરી અને બીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા. 2019માં ત્રણ વર્ષની તપાસ બાદ વિશ્વાસ ભંગ, લાંચ અને છેતરપિંડીના આરોપમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેના કારણે તેમણે વડા પ્રધાન પદ સિવાયના તેમના તમામ મંત્રાલયના હોદ્દાઓ છોડી દીધા હતા. 2022ની ચૂંટણી પછી તેઓ વડા પ્રધાન બન્યા. તેઓ ડિસેમ્બર 2022થી ઇઝરાયેલના વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. આ અગાઉ 1996થી 1999 સુધી અને 2009થી 2021 સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું. તેઓ ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન છે. તેમણે કુલ 15 વર્ષથી વધુ સમય સુધી પદ સંભાળ્યું છે. સ્વતંત્રતાની ઘોષણા પછી ઇઝરાયેલમાં જન્મેલા તેઓ પ્રથમ વડા પ્રધાન પણ છે. આતંકવાદ સામે લડવાના વિષય પર તેમનાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
અનિલ રાવલ