પટેલ, ડૉ. બિમલ હસમુખ (જ. 31 ઑગસ્ટ 1961, બિલિમોરા) : સ્થપતિ, શિક્ષણવિદ અને અર્બન પ્લાનર.
પિતા હસમુખ પટેલ અને માતાનું નામ ભક્તિ પટેલ. તેમનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયેલા હોલ, અમદાવાદમાં થયું હતું. તેમણે 1978થી 1984 દરમિયાન સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી, CEPT ખાતે અભ્યાસ કર્યો. 1981માં, તેમણે ઈન્સ્ટિટ્યૂટ ફોર લાઇટ વેઈટ સ્ટ્રક્ચર્સ, સ્ટુટગાર્ટ, જર્મનીમાં ફ્રી ઓટ્ટો સાથે અભ્યાસ કર્યો. 1984માં CEPTમાંથી આર્કિટેક્ચરમાં તેમની પ્રથમ વ્યાવસાયિક ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી અને અમદાવાદમાં એક વર્ષ કામ કર્યા પછી પટેલ કૉલેજ ઑફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન(CED)માં અભ્યાસ કરવા બર્કલે ગયા. તેઓએ M.Arch. અને 1988માં M.C.P. સાથે સ્નાતક ડિગ્રી અને 1995માં ડિપાર્ટમેન્ટ ઑફ સિટી એન્ડ રિજનલ પ્લાનિંગમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી.
1990માં તેઓ અમદાવાદમાં તેમના પિતાની સાથે વ્યવસાયમાં જોડાયા. તેમણે એકલ કુટુંબના ઘરોથી માંડીને સંસ્થાઓ, ઔદ્યોગિક ઇમારતો અને શહેરી પુનઃવિકાસના પ્રોજેક્ટ્સ સુધીના નિર્માણનું નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેઓ HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના વડા છે. તેઓ અર્થ ગ્લોબલના વિઝિટિંગ સિનિયર ફેલો છે. 1996માં તેમણે એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ કોલાબોરેટિવ(EPC)ની સ્થાપના કરી. તેમના નવીન અભિગમ અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કાર્યોથી ગુજરાત અને દેશમાં આયોજન અને શહેરી ડિઝાઇનમાં પરિવર્તન આવ્યું છે. તેમના પાર્લમેન્ટ હાઉસ ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ, કાશીવિશ્વનાથધામ, ગુજરાત હાઈકોર્ટ, કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, હિંમતનગર કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ સફળ રહ્યા છે. આ ઉપરાંત તેમના નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાં ગાંધીનગરનું સ્વર્ણિમ સંકુલ, ગુજરાત સરકારના મંત્રીઓના બ્લોક્સ અને સચિવાલય કેમ્પસ ડેવલપમેન્ટ, ગાંધીનગર, આગાખાન એકેડેમી, હૈદરાબાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ટાટા સીજીપીએલ ટાઉનશિપ, મુન્દ્રા, ભુજ ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ (ભૂકંપ પછી), સી.જી રોડ રિડેવલપમેન્ટ, ઈન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદનું નવું કેમ્પસ, ટાટા સીજીપીએલ ટાઉનશિપ, મુન્દ્રા, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગરનો સમાવેશ થાય છે. તેઓ 2012થી અમદાવાદમાં CEPT યુનિવર્સિટીના પ્રમુખ છે. તેમણે મુંબઈ ઈસ્ટર્ન વોટરફ્રન્ટ (મુંબઈ પોર્ટ ટ્રસ્ટ), ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, અમદાવાદ, સ્ટ્રીમલાઈનિંગ અર્બન પ્લાનિંગ એન્ડ લેન્ડ મેનેજમેન્ટ (SUPLM) વર્લ્ડ બૅંક, ભુજ ડેવલપમેન્ટ અને વોલ સિટી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, બિલ્ડીંગ બાયલોસ એન્ડ પ્લાનિંગ લેજિસ્લેશન ફોર દિલ્લી (એમસીડી), અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) માટે વિકાસ યોજના, વોલ્ડ સિટી રિવાઇટલાઇઝેશન પ્લાન, અમદાવાદ તેમજ મુંબઈમાં અમૂલ ડેરી અને ચેન્નાઈમાં કન્ટેનર ટર્મિનલની આર્કિટેક્ચરલ ડિઝાઈન જેવી સંસ્થાઓની ઇમારતો માટે આર્કિટેક્ચરલ યોગદાન આપ્યું છે.
ધ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ માટેના એક કેમ્પસને 1992માં આર્કિટેક્ચર માટે આગાખાન ઍવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેમને વર્લ્ડ આર્કિટેક્ચર ઍવૉર્ડ(1997), યુએન સેન્ટર ફોર હ્યુમન સેટલમેન્ટ્સ ઍવૉર્ડ ઓફ એક્સેલન્સ(1998), આર્કિટેક્ચર રિવ્યુ હાઇ કમ્મેન્ડેશન ઍવૉર્ડ(2001), શહેરી આયોજન અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતા માટે વડાપ્રધાનનો રાષ્ટ્રીય પુરસ્કાર(2003) અને હુડકો(HUDCO) ડિઝાઇન પુરસ્કાર (2013)સહિત અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. તેમને 2019માં આર્કિટેક્ચર અને પ્લાનિંગ ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
અનિલ રાવલ