ગોયલ, પીયૂષ (જ. 13 જૂન, 1964, મુંબઈ) : નાણાં પરની સ્થાયી સમિતિ અને સંરક્ષણ મંત્રાલય માટેની સલાહકાર સમિતિના સભ્ય. પિતા વેદપ્રકાશ ગોયલ અને માતા ચંદ્રકાંતા ગોયલ.તેમનાં માતા મહારાષ્ટ્રમાં ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી(ભાજપ) વિધાનસભાના સભ્ય હતા અને તેમના પિતાએ 2001થી 2003 દરમિયાન વાજપેયી સરકારમાં શિપિંગ માટે કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના પિતા રાષ્ટ્રીય કોષાધ્યક્ષ પણ હતા. પીયૂષ ગોયલે ડોન બોસ્કો હાઈસ્કૂલ, માટુંગામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. એચ. આર. કૉલેજમાંથી બી. કોમ. અને સરકારી લો કૉલેજમાંથી એલએલબી થયા. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા, નવી દિલ્હીમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી.
તેમણે તેમની કારકિર્દી એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે શરૂ કરી હતી. તેમણે કોમર્શિયલ બૅંક, સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયા 2001-2004 અને બૅંક ઑફ બરોડા 2002-2004ના બોર્ડમાં સરકારી નોમિની તરીકે સેવા આપી હતી.
ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરની મેનેજિંગ કમિટીના સક્રિય સભ્ય છે. તેઓ આદિવાસી શિક્ષણ અને શારીરિક વિકલાંગોના કલ્યાણ (જયપુર ફૂટ) માટેની સંસ્થા સાથે જોડાયેલા છે.
તેમણે ભારતીય જનતા પક્ષમાં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ સહિત અનેક મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. ભારત સરકાર દ્વારા નદીઓને ઇન્ટરલિંકિંગ માટેની ટાસ્ક ફોર્સમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે 1991માં સંસદની ચૂંટણી માટે પ્રચાર પ્રભારી અને 2004થી તમામ ચૂંટણીઓમાં કેન્દ્રીય સ્તરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ 5 જુલાઈ, 2010માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.
તેઓ 26 મે, 2014થી 3 સપ્ટેમ્બર, 2017 સુધી નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી(સ્વતંત્ર હવાલો), 5 જુલાઈ, 2016થી 3 સપ્ટેમ્બર, 2017 સુધી ખાણ મંત્રી(સ્વતંત્ર હવાલો), 14 મે 2018થી 23 ઑગસ્ટ, 2018 અને 23 જાન્યુઆરી, 2019થી 15 ફેબ્રુઆરી, 2019 સુધી નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી, 26 મે, 2014થી 31 મે, 2019 સુધી કોલસા મંત્રી, 3 સપ્ટેમ્બર, 2017થી 7 જુલાઈ, 2021 સુધી રેલવે મંત્રી રહ્યા હતા. 12 જૂન, 2019થી 13 જુલાઈ 2021 સુધી રાજ્યસભામાં ગૃહના ઉપનેતા અને 14 જુલાઈ, 2021થી રાજ્યસભામાં ગૃહના 28મા નેતા બન્યા. 7 સપ્ટેમ્બર, 2021થી 7 જુલાઈ, 2022 સુધી જી20 અને જી7 માટે ભારતીય રાજદૂત હતા. તેઓ 30 મે, 2019થી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે.
તેમણે તમામ ઘરોને ચોવીસે કલાક વીજળી પહોંચાડવાના મિશનને વેગ આપ્યો. તેમણે દેવામાં ડૂબેલી વીજ વિતરણ કંપનીઓને પુનર્જીવિત કરવા માટે ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના (UDAY) અને દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના (DDUGJY) શરૂ કરી. તેમણે દેશના બાકીના તમામ 18,000 ગામડાંમાં વીજળી પહોંચાડવા માટે સરકારી કાર્યક્રમ શરૂ કર્યો અને પૂર્ણ કર્યો. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ક્લેઈનમેન સેન્ટર ફોર એનર્જી પોલિસી દ્વારા ઉર્જા નીતિમાં વિશિષ્ટ યોગદાન અને ગ્રામીણ વિદ્યુતીકરણમાં વિશિષ્ટ પ્રદાન બદલ તેમને 2018નો કાર્નોટ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ લાઇટિંગ ફોર ઓલ (UJALA) યોજના દ્વારા દેશમાં ઊર્જા કાર્યક્ષમતા માટે કામ કર્યું. અને 2014માં LED બલ્બની કિંમત ₹310થી ઘટાડીને ₹38 કરી હતી. તેમણે 2022 સુધીમાં 20 ગીગાવોટ સોલર પાવરના સરકારના લક્ષ્યાંકને પાંચ ગણો કર્યો. તેમણે હાથીઓને રેલવે લાઇનની નજીક આવતા અટકાવવા માટે ‘પ્લાન બી’ પદ્ધતિ શરૂ કરી.
તેમણે દિલ્હી અને વારાણસી વચ્ચે પ્રથમ સ્વદેશી સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરી. દેશના તમામ પર્વતીય રેલવે પ્રદેશોમાં મુસાફરો પહાડી પ્રદેશોના દૃશ્યોનો આનંદ માણે એ માટે વિસ્ટા-ડોમ કોચ રજૂ કર્યા હતા. ગોયલે ‘ક્લોન ટ્રેન સ્કીમ’ની જાહેરાત કરી. પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે તેમણે દેશના તમામ રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિકના કપની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ ‘કુલ્હાડ્સ’ (માટીના કપ)માં ચા વેચવાની જાહેરાત કરી હતી.
અનિલ રાવલ